દેશમાં રાંધણ ગેસની અછતની અફવાઓ અને સમાચારો વચ્ચે લોકો હવે ઝડપથી ઇન્ડક્શન કૂકટોપ તરફ વળી રહ્યા છે. સ્થિતિ એવી છે કે અનેક ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર ઇન્ડક્શન સ્ટોવ આઉટ ઓફ સ્ટોક થઈ રહ્યા છે. જોકે, ઇન્ડક્શન ચૂલા સાથે સૌથી મોટી મર્યાદા એ છે કે તેના પર માત્ર ખાસ પ્રકારના જ વાસણો વાપરી શકાય છે. જો તમે એલ્યુમિનિયમ, માટી કે તાંબાના સાધારણ વાસણોનો ઉપયોગ કરો, તો ઇન્ડક્શન કામ કરતું નથી. પરંતુ, એક સરળ ટ્રીક દ્વારા તમે તમારા જૂના વાસણોને પણ ઇન્ડક્શન ફ્રેન્ડલી બનાવી શકો છો.
ઇન્ડક્શન ચૂલો સામાન્ય આગને બદલે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેકનોલોજી પર કાર્ય કરે છે. તેની ઉપરની કાચની સપાટી નીચે કોપરની કોઇલ હોય છે, જે વીજળી મળતાની સાથે જ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર તૈયાર કરે છે. જ્યારે તેના પર લોખંડ કે સ્ટીલનું વાસણ મૂકવામાં આવે, ત્યારે આ ચુંબકીય ક્ષેત્રને કારણે વાસણ પોતે ગરમ થાય છે. આ ટેકનોલોજીમાં ગેસની સરખામણીએ ગરમીનો બગાડ ઓછો થાય છે અને રસોઈ ખૂબ જ ઝડપથી તૈયાર થાય છે. જોકે, એલ્યુમિનિયમ કે માટીના વાસણો ચુંબકીય ન હોવાથી ઇન્ડક્શન તેમને ગરમ કરી શકતું નથી.
તમારા દરેક વાસણને ઇન્ડક્શન પર ચલાવવા માટે તમારે માત્ર એક પાતળી લોખંડની જાળી (Iron Mesh)ની જરૂર પડશે. જ્યારે તમે ઇન્ડક્શન ચૂલા પર આ લોખંડની જાળી મૂકો છો અને તેની ઉપર તમારું સાધારણ વાસણ રાખો છો, ત્યારે ઇન્ડક્શન તે જાળીને ગરમ કરે છે. આ ગરમ થયેલી જાળીના સંપર્કથી ઉપર રાખેલું એલ્યુમિનિયમ કે અન્ય કોઈ પણ વાસણ ગરમ થવા લાગે છે. આ રીતે તમે મોંઘા ઇન્ડક્શન વાસણો ખરીદ્યા વગર પણ તમારું કામ ચલાવી શકો છો.
આ ટ્રીકનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી છે. રસોઈ પૂરી થયા પછી જાળી અત્યંત ગરમ હોય છે, તેથી તેને સીધા હાથથી અડકવાનું ટાળવું જોઈએ અને ખૂબ જ ધ્યાનપૂર્વક તેને ચૂલા પરથી દૂર કરવી જોઈએ. આ નાનકડી ટિપ્સ તમારા રસોડાના બજેટને જાળવી રાખવામાં ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે.




















