વિદેશ મંત્રી એસ જયશંકર પાંચ વર્ષ પછી ચીન પહોંચ્યા.સોમવારે તેઓએ બેઇજિંગમાં ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે મુલાકાત કરી . આ દરમિયાન તેમણે ભારત-ચીન સંબંધો સુધારવા વિશે વાત કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મુલાકાતથી બે દેશો વચ્ચેના સંબંધોમાં વધુ સુધાર આવશે.
ગલવાન ખીણમાં 2020માં થયેલી અથડામણ પછી બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ હતો, પરંતુ હવે નવી આશાઓ જાગી રહી છે. ખાસ કરીને જ્યારે તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને પાકિસ્તાનને ચીનનું લશ્કરી સમર્થન ભારત માટે ચિંતાનું કારણ બન્યું.
જયશંકર સિંગાપોર પ્રવાસ પૂર્ણ કર્યા પછી બેઇજિંગ પહોંચતાની સાથે જ હાન ઝેંગને મળ્યા. તેમણે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) માં ચીનના અધ્યક્ષપદ માટે ભારતનો ટેકો વ્યક્ત કર્યો.
X પર એક પોસ્ટમાં, જયશંકરે લખ્યું, "બેઇજિંગ પહોંચ્યા પછી તરત જ ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગને મળીને આનંદ થયો. ચીનના SCO અધ્યક્ષપદ માટે ભારતનો ટેકો વ્યક્ત કર્યો. અમારા સંબંધોમાં સુધારો થયો છે અને મને ખાતરી છે કે આ પ્રવાસની વાતચીત તેને આગળ લઈ જશે."
ચીનના SCO અધ્યક્ષપદને ભારતનું સમર્થન : જયશંકર
હાન ઝેંગ સાથેની મુલાકાતમાં, જયશંકરે કહ્યું કે ઓક્ટોબર 2024 માં કાઝાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત પછી સંબંધોમાં સુધારો થયો છે.
તેમણે કહ્યું, "ભારત ચીનના સફળ SCO અધ્યક્ષપદને સમર્થન આપે છે. અમારા સંબંધો સતત સુધરી રહ્યા છે. મને ખાતરી છે કે આ પ્રવાસની વાતચીત આ સકારાત્મક માર્ગને વધુ મજબૂત બનાવશે."
જયશંકરે ભારત અને ચીન વચ્ચેના 75 વર્ષના રાજદ્વારી સંબંધોનો ઉલ્લેખ કર્યો અને કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાની પ્રશંસા કરી. તેમણે કહ્યું, "ભારતમાં યાત્રા ફરી શરૂ થવાની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. આપણા સંબંધોને સામાન્ય બનાવવાથી બંને દેશો માટે ફાયદાકારક બની શકે છે."






