ભારતમાં નાગરિકતા અને ઓળખ સંબંધિત દસ્તાવેજોને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા તાજેતરમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર અથવા રેશન કાર્ડ જેવા દસ્તાવેજો ભારતીય નાગરિકતાનો સીધો પુરાવો નથી. આ નિવેદન બાદ સામાન્ય નાગરિકોમાં સવાલ ઉઠ્યો છે કે જો આ દસ્તાવેજો નાગરિકતાના પુરાવા નથી, તો ભારતીય નાગરિક હોવાનું સાબિત કરવા માટે કયા દસ્તાવેજો માન્ય ગણાય છે?
14મા પાસપોર્ટ સેવા દિવસના અવસરે આયોજિત પ્રેસ બ્રિફિંગ દરમિયાન વિદેશ મંત્રાલયે નાગરિકતા અને રાષ્ટ્રીયતા વચ્ચેનો મહત્વપૂર્ણ તફાવત સમજાવ્યો હતો. મંત્રાલયના જણાવ્યા મુજબ, ઘણા લોકો પાસપોર્ટને નાગરિકતાનો પુરાવો માને છે, પરંતુ કાયદાકીય રીતે પાસપોર્ટનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય મુસાફરી અને વ્યક્તિની રાષ્ટ્રીય ઓળખ દર્શાવવાનો છે. તે નાગરિકતાનું અંતિમ પ્રમાણપત્ર નથી.
રાષ્ટ્રીયતા અને નાગરિકતા વચ્ચે શું છે તફાવત?
વિદેશ મંત્રાલય અનુસાર, 'રાષ્ટ્રીયતા'નો અર્થ કોઈ દેશ સાથે વ્યક્તિના સંબંધથી છે, જ્યારે 'નાગરિકતા'નો અર્થ એ દેશના કાયદા હેઠળ મળતા અધિકારો, ફરજો અને કાનૂની માન્યતા સાથે જોડાયેલો છે. નાગરિકતા ધરાવનાર વ્યક્તિને મતદાન, સરકારી યોજનાઓનો લાભ, જાહેર પદ માટે લાયકાત અને બંધારણીય અધિકારો પ્રાપ્ત થાય છે.
આ કારણે કોઈ વ્યક્તિ પાસે પાસપોર્ટ હોવા છતાં તે દસ્તાવેજ નાગરિકતાનું અંતિમ કાનૂની પ્રમાણપત્ર ગણાતો નથી. સુપ્રીમ કોર્ટે પણ અગાઉ વિવિધ કેસોની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે આધાર કાર્ડ માત્ર ઓળખ અને રહેઠાણનો પુરાવો છે, નાગરિકતાનો નહીં.
આ પણ વાંચો: રામ મંદિર જમીન વિવાદમાં નવો વળાંક! : SITને સંજય સિંહે સોંપ્યા 11 પુરાવા, પૂછ્યું- હજુ સુધી FIR કેમ નથી?
ભારતીય નાગરિકતા કેવી રીતે મળે છે?
ભારતીય નાગરિકતા અધિનિયમ, 1955 મુજબ નાગરિકતા પાંચ મુખ્ય આધાર પર આપવામાં આવે છે. તેમાં જન્મ, વંશપરંપરા, રજિસ્ટ્રેશન, નેચરલાઇઝેશન (પ્રાકૃતિકીકરણ) અને ભારતના નવા પ્રદેશના વિલીનીકરણનો સમાવેશ થાય છે. ભારતમાં જન્મેલા મોટાભાગના લોકો જન્મના આધારે નાગરિકતા મેળવે છે. ઉપરાંત, વિદેશમાં જન્મેલા બાળકના માતા અથવા પિતા ભારતીય નાગરિક હોય તો નિશ્ચિત શરતો હેઠળ તેને પણ ભારતીય નાગરિકતા મળી શકે છે.
ભારતમાં સામાન્ય નાગરિકોને અલગથી 'નાગરિકતા પ્રમાણપત્ર' આપવામાં આવતું નથી. પરંતુ જે વિદેશી નાગરિકો રજિસ્ટ્રેશન અથવા નેચરલાઇઝેશન દ્વારા ભારતીય નાગરિકતા મેળવે છે તેમને કેન્દ્ર સરકાર તરફથી સત્તાવાર નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે.
આ પણ વાંચો: અયોધ્યા પછી હવે વિંધ્યવાસિની ધામમાં ચઢાવા પર વિવાદ : દાગીનાના હિસાબ અંગે થયા મોટા ખુલાસા
જન્મ પ્રમાણપત્રનું મહત્વ
નાગરિકતા સાબિત કરવા માટે જન્મ પ્રમાણપત્રને સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક માનવામાં આવે છે. ગ્રામ પંચાયત, નગરપાલિકા અથવા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતું જન્મ પ્રમાણપત્ર વ્યક્તિના જન્મનું સત્તાવાર રેકોર્ડ છે.
જોકે નિષ્ણાતો જણાવે છે કે દરેક કિસ્સામાં માત્ર જન્મ પ્રમાણપત્ર જ નાગરિકતાનો અંતિમ પુરાવો બની શકે એવું જરૂરી નથી. નાગરિકતા સંબંધિત વિવાદ સર્જાય ત્યારે જન્મની તારીખ, માતા-પિતાની નાગરિકતા અને અન્ય કાનૂની પરિબળોની પણ તપાસ થઈ શકે છે.
વિદેશમાં જન્મેલા લોકોને કેવી રીતે મળે નાગરિકતા?
નાગરિકતા કાયદાની કલમ 4 મુજબ, જો કોઈ વ્યક્તિનો જન્મ વિદેશમાં થયો હોય અને તેના માતા-પિતામાંથી કોઈ એક ભારતીય નાગરિક હોય તો તેને પણ ભારતીય નાગરિકતા મળી શકે છે. જોકે 3 ડિસેમ્બર 2004 બાદ વિદેશમાં જન્મેલા બાળકો માટે ભારતીય દૂતાવાસમાં નિર્ધારિત સમયમર્યાદામાં નોંધણી કરાવવી જરૂરી છે. તે ઉપરાંત કલમ 5 હેઠળ રજિસ્ટ્રેશન અને કલમ 6 હેઠળ નેચરલાઇઝેશનની પ્રક્રિયા દ્વારા વિદેશી નાગરિકો પણ કાયદાકીય શરતો પૂર્ણ કર્યા બાદ ભારતીય નાગરિકતા મેળવી શકે છે.
પાસપોર્ટ રદ થાય તો નાગરિકતા પણ સમાપ્ત થાય?
વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પાસપોર્ટ રદ થવાનો અર્થ નાગરિકતા સમાપ્ત થવો નથી. ખોટી માહિતી આપવી, કાયદાકીય કાર્યવાહી, રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ અથવા પાસપોર્ટ અધિનિયમના ઉલ્લંઘન જેવા કારણોસર પાસપોર્ટ રદ થઈ શકે છે. પરંતુ નાગરિકતા રદ કરવાની પ્રક્રિયા અલગ છે અને તે નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ નક્કી કરવામાં આવી છે.
આધાર, પાન, મતદાર કાર્ડ અને રેશન કાર્ડ શું સાબિત કરે છે?
સરકારી માર્ગદર્શિકા અનુસાર આધાર કાર્ડ માત્ર વ્યક્તિ ભારતમાં રહે છે તે દર્શાવે છે. પાન કાર્ડ કરદાતા તરીકેની ઓળખ આપે છે. મતદાર ઓળખપત્ર મતદાર યાદીમાં નામ નોંધાયેલ હોવાનું દર્શાવે છે. રેશન કાર્ડ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટેનું દસ્તાવેજ છે.
તે જ રીતે ડ્રાઇવિંગ લાઇસન્સ વાહન ચલાવવાની મંજૂરી દર્શાવે છે, જ્યારે બેંક પાસબુક, વીજળી બિલ, પાણી બિલ અથવા ગેસ બિલ સેવા ઉપયોગકર્તા હોવાનો પુરાવો આપે છે. આ પૈકી કોઈપણ દસ્તાવેજ એકલા હાથે ભારતીય નાગરિકતાનું અંતિમ પ્રમાણપત્ર ગણાતા નથી.
ભારતમાં નાગરિકતા અને ઓળખ વચ્ચેનો તફાવત સમજવો આજે વધુ જરૂરી બન્યો છે. નિષ્ણાતોના મતે, સામાન્ય નાગરિકોએ પોતાના જન્મ સંબંધિત અને અન્ય કાનૂની દસ્તાવેજો સુરક્ષિત રાખવા જોઈએ, કારણ કે ભવિષ્યમાં કોઈપણ પ્રકારની કાનૂની પ્રક્રિયામાં તે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.





