Home National Government Restores Commercial Industrial Lpg Supply India

કોમર્શિયલ LPG ગ્રાહકો માટે ખુશખબર! : કેન્દ્ર સરકારે તમામ પ્રતિબંધો હટાવ્યા, હવે મળશે સંપૂર્ણ સપ્લાય

Govt Restores Commercial LPG Supply
Published by: Nirali Gohil
Last Updated: Jun 26, 2026, 03:59 AM IST

Govt Restores Commercial LPG Supply : પશ્ચિમ એશિયામાં ઊભા થયેલા ભૂરાજકીય સંકટના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતમાં કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ LPGના સપ્લાય પર વિવિધ પ્રકારના નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા હતા. આ પ્રતિબંધોના કારણે હોટલ, રેસ્ટોરન્ટ, નાના-મોટા ઉદ્યોગો અને અન્ય વ્યાવસાયિક ક્ષેત્રોને ગેસ સપ્લાયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે સ્થિતિમાં સુધારો થતાં કેન્દ્ર સરકારે આ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જાહેરાત કરી છે કે કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ LPG સપ્લાયને હવે ફરીથી સંકટ પહેલાના સ્તરે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. સાથે જ સેક્ટર-સ્પેસિફિક એલોકેશન કેપ્સ સહિત અગાઉ લાગુ કરાયેલા તમામ પ્રતિબંધો પણ દૂર કરવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયથી દેશભરના લાખો વ્યાપારી અને ઔદ્યોગિક ગ્રાહકોને સીધી રાહત મળશે.

હવે સંકટ પહેલાની જેમ મળશે LPGનો સપ્લાય

મંત્રાલયના જણાવ્યા મુજબ, નોન-ડોમેસ્ટિક પેક્ડ LPGના સપ્લાય પર લાગેલા તમામ સેક્ટરલ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. એટલે કે હવે કોમર્શિયલ LPG ગ્રાહકોને ફરીથી અગાઉની જેમ નિયમિત અને સંપૂર્ણ સપ્લાય ઉપલબ્ધ થશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, પશ્ચિમ એશિયાના સંકટને કારણે પુરવઠા પર દબાણ વધતા આ કામચલાઉ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા હતા. હવે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં સુધારો થતાં સપ્લાય વ્યવસ્થાને સામાન્ય કરવામાં આવી રહી છે.

બલ્ક LPG ગ્રાહકો માટે શું બદલાયું?

નવા નિયમો મુજબ મોટા ઔદ્યોગિક અને બલ્ક LPG ગ્રાહકોને તેમના સંકટ પહેલાના કુલ વપરાશના 50 ટકા જેટલા સપ્લાયની ફાળવણી કરવામાં આવશે. સંકટની શરૂઆતમાં આ કેટેગરીના ગ્રાહકો માટે સપ્લાય લગભગ સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવ્યો હતો. સરકારે માર્ચ મહિનાથી તબક્કાવાર સપ્લાય વધારવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં મર્યાદિત સપ્લાય આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને વધારીને લગભગ 70 ટકા સુધી પહોંચાડવામાં આવ્યો હતો. હવે વધુ રાહત આપતા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: PAN Card Alert : તમારી પાસે પણ છે 2 PAN કાર્ડ? લાગી શકે ₹10,000નો દંડ, જાણો જમાં કરવાની સરળ પ્રક્રિયા

પ્રોપેન અને બ્યુટેનના ઉપયોગમાં પણ અપાઈ છૂટ

કેન્દ્ર સરકારે માત્ર LPG સપ્લાય જ સામાન્ય કર્યો નથી, પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા પ્રોપેન અને બ્યુટેન અંગેના નિયમોમાં પણ રાહત આપી છે. અગાઉ સરકારે આ બંને ગેસનો ઉપયોગ માત્ર ઘરેલુ LPGના ઉત્પાદન માટે મર્યાદિત રાખ્યો હતો. હવે આ નિયંત્રણોમાં ઢીલ આપવામાં આવી છે જેથી ઉદ્યોગોને કાચા માલની ઉપલબ્ધિમાં સરળતા રહે અને ઉત્પાદન પ્રક્રિયા પર અસર ન પડે. સાથે જ પેટ્રોલિયમ મંત્રાલયે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ ગ્રાહકોનો ડેટા સતત અપડેટ રાખવા અને ભવિષ્યમાં સપ્લાય મેનેજમેન્ટ વધુ અસરકારક બનાવવા માટે સૂચના પણ આપી છે.

PNG તરફ સ્થળાંતરની યોજના ચાલુ રહેશે

સરકારે સ્પષ્ટ કર્યું છે કે, LPG સપ્લાય સામાન્ય થયા બાદ પણ દેશમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)નો વ્યાપ વધારવાની નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. સંકટ દરમિયાન અનેક કોમર્શિયલ ગ્રાહકોને PNG તરફ સ્થળાંતર કરવામાં આવ્યા હતા. હવે જ્યાં PNG નેટવર્ક ઉપલબ્ધ છે અથવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થવાનું છે ત્યાંના ગ્રાહકોને ક્રમશઃ PNG પર જ શિફ્ટ કરવામાં આવશે. મંત્રાલયના જણાવ્યા મુજબ, સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ સાથે સંકલન કરીને આ પ્રક્રિયા આગળ વધારવામાં આવશે, જેથી ભવિષ્યમાં LPG પરનો ભાર ઓછો કરી શકાય.

આ પણ વાંચો: પાસપોર્ટ-આધાર પણ નહીં! : તો ભારતીય નાગરિકતાનો અસલી પુરાવો શું? સરકારે આપી મહત્વની માહિતી

સરકારી આંકડાઓ શું કહે છે?

સરકારી માહિતી અનુસાર માર્ચ મહિનાથી અત્યાર સુધી દેશમાં 10 લાખથી વધુ નવા PNG કનેક્શનો આપવામાં આવ્યા છે. ઉપરાંત આશરે 3.22 લાખ વધારાના કનેક્શનો માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રોવિઝનલ સરકારી આંકડા મુજબ મે 2026 દરમિયાન દેશમાં કુલ LPG વપરાશમાં લગભગ 19 ટકાનો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના મતે તેનો એક મુખ્ય કારણ કોમર્શિયલ ગ્રાહકોનું PNG તરફ વધતું સ્થળાંતર પણ છે.

કોને મળશે સૌથી વધુ લાભ?

કેન્દ્ર સરકારના આ નિર્ણયનો સૌથી વધુ લાભ હોટલ, રેસ્ટોરન્ટ, કેટરિંગ સર્વિસ, ફૂડ પ્રોસેસિંગ યુનિટ, મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો તેમજ અન્ય કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ LPG ગ્રાહકોને મળશે. નિયમિત ગેસ સપ્લાય ઉપલબ્ધ થતાં ઉત્પાદન અને વ્યવસાય પર પડતું દબાણ ઘટશે તેમજ કામગીરી વધુ સરળ બનશે. સરકારનો આ નિર્ણય ઉદ્યોગોને તાત્કાલિક રાહત આપવાની સાથે દેશમાં ઊર્જા પુરવઠાની સ્થિરતા જાળવવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now