વૈશ્વિક ટેકનોલોજીના નકશા પર ભારતે એક નવો ઇતિહાસ રચી દીધો છે. અત્યંત ટૂંકા ગાળામાં 5G ટેકનોલોજી અપનાવવાની બાબતમાં ભારતે મહાસત્તા ગણાતા અમેરિકાને પણ મ્હાત આપી છે. દેશમાં અત્યારે 5G સેવાઓનો ઉપયોગ કરનારા નાગરિકોની સંખ્યા 400 Million થી પણ વધી ગઈ છે. આ આંકડાકીય સિદ્ધિ સાથે હવે ભારત દુનિયામાં બીજા ક્રમનું સૌથી મોટું 5G માર્કેટ બનીને ઉભરી આવ્યું છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ગર્વ લેવા જેવી માહિતી શેર કરી છે.
વૈશ્વિક યાદીમાં ભારતની છલાંગ
ભારતમાં ઓક્ટોબર 2022 દરમિયાન 5G સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. લોન્ચિંગના ગણતરીના વર્ષોમાં જ ભારતે જાપાન, અમેરિકા અને યુરોપિયન યુનિયનના દેશોને સભ્ય સંખ્યાની રેસમાં ઘણા પાછળ છોડી દીધા છે. સમગ્ર વિશ્વમાં અત્યારે માત્ર ચીન જ એક એવો દેશ છે જે ભારત કરતા વધુ 5G યુઝર્સ ધરાવે છે. ચીનમાં આશરે 1.1 Billion લોકો 5G નેટવર્ક સાથે જોડાયેલા છે. ત્યારબાદ 400 Million ગ્રાહકો સાથે ભારત બીજા ક્રમે છે. આ યાદીમાં 350 Million યુઝર્સ સાથે અમેરિકા ત્રીજા સ્થાને અને 200 Million યુઝર્સ સાથે યુરોપિયન યુનિયન ચોથા સ્થાને છે. જ્યારે 190 Million યુઝર્સ સાથે જાપાન પાંચમા ક્રમે રહ્યું છે.
અંદાજ કરતા અનેકગણી ઝડપી પ્રગતિ
ટેકનોલોજી નિષ્ણાતોએ અગાઉ એવો અંદાજ લગાવ્યો હતો કે 2025 ના અંત સુધીમાં ભારત 394 Million યુઝર્સ સુધી પહોંચી શકશે. જોકે ભારતીય ટેલિકોમ ક્ષેત્રની આક્રમક ગતિને કારણે નિર્ધારિત સમય કરતા વહેલા 400 Million નો આંકડો વટાવી દેવામાં આવ્યો છે. ભારતમાં જે રીતે 5G નું વિસ્તરણ થયું છે તે વિશ્વના કોઈપણ દેશની સરખામણીએ સૌથી વધુ ઝડપી માનવામાં આવે છે.
ટેલિકોમ કંપનીઓનું યોગદાન
ભારતમાં 5G ક્રાંતિની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં કરી હતી. આ સેવાની શરૂઆતમાં Reliance Jio એ પોતાના True 5G નેટવર્ક દ્વારા નેતૃત્વ પૂરું પાડ્યું હતું. ત્યારબાદ Airtel દ્વારા પણ દેશના ખૂણેખૂણે 5G Plus સેવાઓ પહોંચાડવામાં આવી હતી. વર્ષ 2024 અને 2025 ના સમયગાળામાં Vodafone Idea એ પણ પોતાના નેટવર્કને અપગ્રેડ કરીને 5G સેવાઓ વિસ્તારવાની શરૂઆત કરી છે. બીજી તરફ સરકારી ટેલિકોમ કંપની BSNL પણ ચાલુ વર્ષે પોતાની 5G સુવિધા ગ્રાહકો માટે શરૂ કરવા જઈ રહી છે.





















