LPG Shortage India: શું ભારતમાં ખરેખર એલપીજી સિલિન્ડરની ભારે તંગી ઊભી થઈ છે? ‘નિક્કેઈ એશિયા’ના રિપોર્ટમાં કરવામાં આવેલા દાવાઓ પર હવે પેટ્રોલિયમ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરીને સચ્ચાઈ જણાવી છે. જાણો સરકારે એલપીજી સપ્લાય અને સ્થાનિક ઉત્પાદનને લઈને શું મોટા ખુલાસા કર્યા છે.
મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz)માં આવેલા અવરોધો વચ્ચે સોશિયલ મીડિયાથી લઈને આંતરરાષ્ટ્રીય મીડિયા સુધી ભારતમાં એલપીજી (LPG)ની ભારે અછતના સમાચારો વહી રહ્યા છે. તાજેતરમાં આવેલા ‘નિક્કેઈ એશિયા’ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, દુનિયાનો ત્રીજો સૌથી મોટો એલપીજી કન્ઝ્યુમર એટલે કે ભારત, આ દિવસોમાં દરરોજ 4 લાખ બેરલ એલપીજીની અછતનો સામનો કરી રહ્યું છે. હવે આ હોબાળો મચાવનારા રિપોર્ટ પર ભારત સરકારે પોતાનું મૌન તોડ્યું છે અને સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધી છે.
EPFO Update: સૌથી મોટા ખુશખબર! : UPI દ્વારા ઉપાડી શકાશે PFના પૈસા, ટેસ્ટિંગ થયું પૂરું
સરકારે દાવાઓને ફગાવ્યા, કહ્યું- સપ્લાય બિલકુલ સામાન્ય
પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ એક નિવેદન જાહેર કરીને એલપીજીની અછતના દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. તેમણે સાફ શબ્દોમાં કહ્યું કે દેશમાં એલપીજીની કોઈ અછત નથી. સુજાતા શર્માના જણાવ્યા અનુસાર અમારી પાસે એલપીજીનો પૂરતો સ્ટોક છે અને સ્થાનિક ઉત્પાદન (LPG Production)માં પણ વધારો થયો છે. તેને વધારીને હવે અંદાજે 46,000 થી 47,000 ટન પ્રતિદિન કરી દેવામાં આવ્યું છે. તેમણે આંકડાઓનો હવાલો આપતા જણાવ્યું કે દેશમાં રાંધણ ગેસનો સપ્લાય સંપૂર્ણપણે સ્થિર છે. છેલ્લા ત્રણ દિવસની અંદર જ 1.32 કરોડ બુકિંગની સામે 1.34 કરોડ ઘરેડું એલપીજી સિલિન્ડરની સફળ ડિલિવરી કરવામાં આવી ચૂકી છે, જે સાબિત કરે છે કે ગ્રાઉન્ડ લેવલ પર કોઈ સંકટ નથી.
શું હતું નિક્કેઈ એશિયાના રિપોર્ટમાં?
નિક્કેઈ એશિયાના રિપોર્ટમાં કેપ્લર (Kpler)ના આંકડાઓને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં ભારતની એલપીજી આયાત ઘટીને 377,620 બેરલ પ્રતિ દિવસ રહી ગઈ હતી, જે ફેબ્રુઆરીમાં 851,870 બેરલ પ્રતિ દિવસ હતી. ભારત પહેલા પોતાની જરૂરિયાતનો 60% એલપીજી આયાત કરતું હતું અને તેનો આશરે 90% હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટના રસ્તેથી આવતો હતો.
દિલ્હીથી બેંગલુરુ જતી એર ઈન્ડિયા ફ્લાઈટ સાથે મોટો અકસ્માત ટળ્યો : ટેકઓફ દરમિયાન ‘ટેલ સ્ટ્રાઈક’
સરકારનો ‘પ્લાન-બી’ કામમાં આવ્યો
હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવના કારણે ભારત સરકારે તાત્કાલિક પોતાના ‘પ્લાન-બી’ પર કામ કરવાનું શરૂ કર્યું અને માત્ર મિડલ ઈસ્ટ પર નિર્ભર રહેવાને બદલે આયાતના સ્ત્રોતો બદલી નાખ્યા. ભારતે ઈરાન, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના અને ચીલી જેવા નવા દેશો પાસેથી એલપીજી ખરીદવાનું શરૂ કર્યું. જો કે ઓસ્ટ્રેલિયાથી ગેસ આવવામાં 20 દિવસ અને અમેરિકા કે આર્જેન્ટિનાથી આવવામાં 35-45 દિવસનો સમય લાગે છે, પરંતુ સરકારના આ પગલાથી સપ્લાય ચેઈન તૂટતા બચી ગઈ. આ સિવાય સરકારે સ્થાનિક પ્રોડક્શન વધારવા અને સિલિન્ડર બુકિંગની ટાઈમલાઈનમાં પણ ફેરફાર કર્યા છે.
ભાવોમાં થયો છે વધારો, તેલ કંપનીઓએ પણ આપી સ્પષ્ટતા
ભલે ગેસની અછત ન હોય, પરંતુ ગ્રાહકોના ખિસ્સા પર અસર જરૂર પડી છે. માર્ચની શરૂઆતમાં ઘરેડું એલપીજી સિલિન્ડર (14.2 કિલોગ્રામ)ના ભાવમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં બે વાર વધારો કરીને 1 મે 2026ના રોજ તેને સીધો 993 રૂપિયા મોંઘો કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ, પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ પર દેશની મોટી તેલ કંપની HPCL એ પણ સ્થિતિ સ્પષ્ટ કરી છે. HPCL એ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ઓઈલ સપ્લાયમાં અવરોધના સમાચારો સંપૂર્ણપણે ભ્રામક છે. તમામ પેટ્રોલ પંપો પર સપ્લાય નોર્મલ છે. કંપનીએ સામાન્ય જનતાને અપીલ કરી છે કે તેઓ પેનિક બાયિંગ (ગભરાટમાં આવીને ખરીદી) ન કરે અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ પર બિલકુલ ભરોસો ન કરે.





