ભારતમાં એપ્રિલ 2026 દરમિયાન મોંઘવારીમાં અચાનક તેજી જોવા મળી છે, ખાસ કરીને થોક મોંઘવારી (WPI)માં થયેલો ઉછાળો અર્થવ્યવસ્થાના દિશાસૂચક તરીકે ગંભીર સંકેતો આપી રહ્યો છે. વૈશ્વિક સ્તરે વધતા ક્રૂડ ઓઈલના ભાવ, પશ્ચિમ એશિયામાં તણાવ અને સપ્લાય ચેન પર પડતા પ્રભાવને કારણે દેશની આંતરિક કિંમતો પર સીધી અસર જોવા મળી રહી છે. એપ્રિલ મહિનામાં ભારતની થોક મોંઘવારી દર 8.3% સુધી પહોંચી ગઈ છે, જે છેલ્લા અંદાજે 42 મહિનામાં સૌથી ઊંચો સ્તર છે. માર્ચમાં આ દર માત્ર 3.88% હતો, એટલે કે એક જ મહિનામાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે.
ઈંધણ અને ક્રૂડ ઓઈલનો સૌથી મોટો ફાળો
આ વધારાનો મુખ્ય કારણ ઈંધણ અને ઊર્જા ક્ષેત્રમાં ભાવોમાં થયેલો જબરદસ્ત ઉછાળો છે. એપ્રિલમાં ફ્યુઅલ અને પાવર સેગમેન્ટમાં મોંઘવારી 24.71% સુધી પહોંચી ગઈ, જ્યારે માર્ચમાં તે માત્ર 1.05% હતી. ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસના ભાવોમાં તેજી ખાસ નોંધપાત્ર રહી છે. વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ વધતા ભારત જેવા આયાત આધારિત દેશો પર સીધી અસર પડે છે. ભારત પોતાના કુલ ક્રૂડ ઓઈલની જરૂરિયાતનો 80%થી વધુ ભાગ આયાત કરે છે, જેથી આંતરરાષ્ટ્રીય ભાવવધારો દેશની અંદર ખર્ચ વધારવામાં મોટો ફેક્ટર બની જાય છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ, ખાસ કરીને ઈરાન સંબંધિત તણાવ અને હોર્મુઝ જળમાર્ગની અસ્થિરતા, ક્રૂડ સપ્લાયમાં અવરોધ ઊભો કરી રહ્યા છે. જેના કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવ 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યા છે.
ઉત્પાદક અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર અસર
મોંઘવારીનો અસર માત્ર ઈંધણ સુધી મર્યાદિત નથી રહ્યો. મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સમાં પણ ભાવવધારો નોંધાયો છે. ઉત્પાદન ખર્ચ વધતા કંપનીઓ પર દબાણ વધી રહ્યું છે, જે આગળ જઈને ગ્રાહકો સુધી પહોંચે તેવી શક્યતા છે. સરકારી આંકડાઓ મુજબ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મોંઘવારી લગભગ 4.6% આસપાસ રહી છે, જ્યારે વિવિધ ધાતુઓ અને કાચા માલના ભાવમાં વધારો નોંધાયો છે. આ સાથે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેન ખર્ચમાં પણ વધારો થયો છે, જે સમગ્ર અર્થતંત્રમાં "કૉસ્ટ પુશ ઇન્ફ્લેશન" સર્જે છે.
આ પણ વાંચો: મંદિરમાં પ્રવેશ મુદ્દે મહિલાઓને તાલિબાની સજા! : કપડાં ફાડી, ચપ્પલોનો હાર પહેરાવી 2 કિ.મી. સુધી સરઘસ કાઢ્યું
ખાદ્ય મોંઘવારી હજુ નિયંત્રણમાં
ખાદ્ય મોંઘવારીની વાત કરીએ તો એપ્રિલમાં તેનો વધારો તુલનાત્મક રીતે નમ્ર રહ્યો છે. થોક સ્તરે ફૂડ ઇન્ફ્લેશન લગભગ 2% આસપાસ રહ્યું છે. પરંતુ રિટેલ સ્તરે (CPI) ખાદ્ય મોંઘવારી 4.2% સુધી પહોંચી છે, જે ભવિષ્યમાં વધવાની શક્યતા છે. ખાસ કરીને જો મોનસૂન કમજોર રહે તો ખાદ્ય વસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે.
આ પણ વાંચો: 'જો પરિસ્થિતિ જલ્દી નહીં બદલાય તો આપત્તિ નિશ્ચિત છે' : પીએમ મોદીએ નેધરલેન્ડથી વિશ્વને આપી ચેતવણી
રિટેલ મોંઘવારી હજી કાબૂમાં, પણ દબાણ વધશે
સરકાર અને તેલ કંપનીઓ દ્વારા હાલ માટે ફ્યુઅલના ભાવ સીધા ગ્રાહકો સુધી ન પહોંચાડવાના પગલાં લીધા હોવાથી CPI પર અસર મર્યાદિત રહી છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે જો ક્રૂડના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહે તો રિટેલ મોંઘવારીમાં પણ વધારો અનિવાર્ય બનશે. આ હાલત અર્થવ્યવસ્થાને માટે બહુવિધ પડકારો ઉભા કરે છે. એક તરફ ઊંચી મોંઘવારી, બીજી તરફ વધતો વેપાર ઘાટો (ટ્રેડ ડિફિસિટ) અને ત્રીજી તરફ રૂપિયાની કમજોરી મળીને મેક્રો ઈકોનોમિક દબાણ ઊભું કરે છે.
એપ્રિલમાં ભારતનો ટ્રેડ ડિફિસિટ 28 અબજ ડોલરથી વધુ રહ્યો છે, જે મુખ્યત્વે વધેલા ક્રૂડ આયાતના કારણે થયો છે. આ પરિસ્થિતિમાં RBI માટે વ્યાજ દર ઘટાડવાનો વિકલ્પ મુશ્કેલ બની શકે છે. જો મોંઘવારી વધતી રહે તો વ્યાજ દર વધારવાની પણ જરૂર પડી શકે છે, જે લોન અને EMI પર સીધી અસર કરશે. આ મોંઘવારીનો સીધો અસર સામાન્ય નાગરિક પર આવનારા મહિનાઓમાં દેખાઈ શકે છે. ઈંધણ મોંઘું થવાથી ટ્રાન્સપોર્ટ ખર્ચ વધશે, જેનાથી ખાદ્ય વસ્તુઓ, FMCG પ્રોડક્ટ્સ અને અન્ય રોજિંદા વપરાશની વસ્તુઓ મોંઘી થઈ શકે છે. આ ઉપરાંત ઘરખર્ચ, EMI અને જીવનયાપન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યા છે કે હાલનો WPI ઉછાળો આવનારા સમયમાં CPIમાં પણ પ્રતિબિંબિત થશે.





