આજ-કાલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના વધતા ઉપયોગ સાથે બેંક એકાઉન્ટમાં રૂપિયા આવવા-જવાની પ્રક્રિયા વધુ સરળ બની છે. પરંતુ કેટલીક વખત ભૂલથી અથવા અજાણતા કોઈ વ્યક્તિના ખાતામાં રકમ ટ્રાન્સફર થઈ જાય છે. ઘણીવાર લોકો તેને “ફ્રી પૈસા” તરીકે ગણે છે પરંતુ આવકવેરા કાયદા મુજબ આ ગંભીર મુદ્દો બની શકે છે. જો યોગ્ય રીતે હેન્ડલ ન કરવામાં આવે તો આ રકમ પર ભારે ટેક્સ અને દંડ પણ લાગી શકે છે. વિત્તીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો કોઈ અજાણી વ્યક્તિ તરફથી તમારા ખાતામાં રૂપિયા જમા થાય અને તમે તેને જાણ કર્યા વિના ઉપયોગ કરો અથવા પરત ન કરો તો આવકવેરા વિભાગ તેને “અજાણ્યા સ્ત્રોતની આવક” તરીકે ગણાવી શકે છે. આ સ્થિતિમાં આવકવેરા અધિનિયમની જોગવાઈઓ લાગુ પડી શકે છે.
આવકવેરા નિયમો શું કહે છે?
જો કોઈ વ્યક્તિના ખાતામાં એવી રકમ આવે છે જેના સ્ત્રોતનો પુરાવો આપી શકાય નહીં, તો તે “અનએક્સપ્લેઇન્ડ ઈનકમ” તરીકે ગણાય છે. આવી આવક પર 60 ટકા સુધીનો ટેક્સ લાગી શકે છે. ઉપરાંત, સરચાર્જ અને સેસ સાથે આ દર વધુ વધી શકે છે, જે લગભગ 78 ટકા સુધી પહોંચી શકે છે. તે સિવાય, આ પ્રકારના કેસમાં દંડ પણ વસૂલવામાં આવી શકે છે. કેટલાક કિસ્સામાં ટેક્સ સાથે વધારાનો 10 ટકા દંડ પણ લાગી શકે છે. એટલે કે, એક સામાન્ય લાગતી ભૂલ મોટી આર્થિક જવાબદારીમાં ફેરવાઈ શકે છે.
આ પણ વાંચો: TATA ની આ કંપની આપી રહી છે બોનસ શેર : 2186% રિટર્ન સાથે જાહેર કર્યું ડિવિડન્ડ, રેકોર્ડ ડેટ એકદમ નજીક!
રૂપિયા મળ્યા પછી શું કરવું?
નિષ્ણાતો સલાહ આપે છે કે જો તમારા ખાતામાં અજાણતા રૂપિયા આવે, તો સૌપ્રથમ તમારા બેંકને જાણ કરો. બેંક દ્વારા ટ્રાન્ઝેક્શન ટ્રેસ કરીને યોગ્ય વ્યક્તિ સુધી રૂપિયા પાછા પહોંચાડવામાં મદદ મળી શકે છે. આ ઉપરાંત, ટ્રાન્ઝેક્શનનો સંપૂર્ણ રેકોર્ડ રાખવો પણ જરૂરી છે. જો રૂપિયા પરત કરવા માટે કોઈ સંપર્ક ન થાય, તો કાયદેસર રીતે તેની જાણ આવકવેરા વિભાગને કરવી સલાહરૂપ ગણાય છે. આથી ભવિષ્યમાં કોઈ કાનૂની મુશ્કેલી ટાળી શકાય છે.
આ પણ વાંચો: ચાંદીની આયાત પર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 3 કેટેગરી પર લગાવ્યા કડક પ્રતિબંધ
ડિજિટલ યુગમાં વધતા જોખમો
યુપીઆઇ અને ઓનલાઈન બેંકિંગના વધતા ઉપયોગ સાથે આવા બનાવોમાં વધારો નોંધાયો છે. ઘણીવાર ટાઈપિંગ ભૂલ, સમાન નામ અથવા ખોટા એકાઉન્ટ નંબરના કારણે રૂપિયા ખોટી જગ્યાએ ટ્રાન્સફર થઈ જાય છે. આ પરિસ્થિતિમાં બંને પક્ષ માટે સાવચેતી જરૂરી છે. બેંકો અને નાણાકીય સંસ્થાઓ પણ ગ્રાહકોને વારંવાર ચેતવણી આપે છે કે કોઈ અજાણી ટ્રાન્ઝેક્શન થાય તો તરત જ તેની જાણ કરવી જોઈએ. વિલંબ કરવાથી સમસ્યા વધુ જટિલ બની શકે છે.
કાયદાકીય જવાબદારી અને નાગરિક જાગૃતિ
આ મામલો માત્ર નાણાકીય નહીં પરંતુ કાયદાકીય જવાબદારી સાથે પણ જોડાયેલો છે. કોઈ અન્યની ભૂલથી મળેલી રકમનો ઉપયોગ કરવો કાયદેસર રીતે ખોટું ગણાય શકે છે. તેથી નાગરિક તરીકે યોગ્ય પગલાં લેવું જરૂરી બને છે. આ ઉપરાંત, આવકવેરા વિભાગ છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર વધુ નજર રાખી રહ્યો છે. મોટી કે શંકાસ્પદ રકમની હિલચાલ પર તપાસ થવાની શક્યતા વધી ગઈ છે.
આ સમગ્ર ઘટનાક્રમથી સ્પષ્ટ થાય છે કે બેંકિંગ અને ટેક્સ સંબંધિત નિયમો અંગે જાગૃતિ હોવી અત્યંત જરૂરી છે. નાની બેદરકારી પણ મોટી આર્થિક અને કાયદાકીય મુશ્કેલી સર્જી શકે છે. તેથી, કોઈપણ અજાણી રકમ મળતા તરત જ યોગ્ય કાર્યવાહી કરવી એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે.





