વિશ્વ હાલમાં એક ગંભીર આર્થિક અને ઊર્જા સંકટના સંક્રમણકાળમાંથી પસાર થઈ રહ્યું છે અને જો સમયસર પગલાં નહીં લેવાય તો છેલ્લા દાયકાઓમાં ગરીબી ઘટાડવા માટે થયેલી મહેનત વેડફાઈ શકે છે. એવું ચેતવણીભર્યું નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડ્સમાં આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કોરોના મહામારી બાદ વિશ્વ હજુ સ્થિર થયું નહોતું કે ત્યારબાદ યુદ્ધો શરૂ થયા અને હવે ઊર્જા સંકટે વૈશ્વિક અર્થતંત્રને ઝંઝોડ્યું છે. આ પરિસ્થિતિને તેમણે “ડિઝાસ્ટરનું દશક” ગણાવ્યું છે જે વિકાસશીલ દેશો માટે ખાસ ચિંતાજનક છે.
વૈશ્વિક સંકટનું ત્રિકોણ
મોદીએ જણાવ્યું કે કોરોના પછી વિશ્વમાં સપ્લાય ચેઈન તૂટી ગઈ હતી જે હજુ સુધી સંપૂર્ણ રીતે સુધરી નથી. એ જ સમયે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધથી સ્થિતિ બગડી છે. ખાસ કરીને ઈરાન સંબંધિત તણાવ, વૈશ્વિક ઊર્જા પુરવઠાને ગંભીર રીતે અસર કરી રહ્યાં છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જ્યાંથી વિશ્વના લગભગ 20% તેલનું પરિવહન થાય છે તે વિસ્તારમાં અસ્થિરતા વધતા તેલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. આ કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. જેનો સીધો પ્રભાવ સામાન્ય લોકોના જીવન પર પડે છે. મોદીનું કહેવું છે કે જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો કરોડો લોકો ફરી ગરીબી રેખા નીચે આવી શકે છે.
આ પણ વાંચો: UPમાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ મંજૂર : યોગીની બેઠક પછી લીલી ઝંડી, કંપનીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર
વિકાસશીલ દેશો
વૈશ્વિક સ્તરે પહેલેથી જ યુએન જેવી સંસ્થાઓ ચેતવણી આપી ચૂકી છે કે ઊર્જા અને ખાદ્ય પુરવઠાના સંકટથી લાખો લોકો ગરીબીમાં ધકેલાઈ શકે છે. મોદીના નિવેદન મુજબ, છેલ્લા કેટલાય વર્ષોમાં ગરીબી ઘટાડવામાં થયેલી પ્રગતિ હવે જોખમમાં છે. ખાસ કરીને એ દેશો જ્યાં આવક નીચી છે અને ઊર્જા આયાત પર નિર્ભરતા વધારે છે. તેઓ માટે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ભારત જેવા દેશો, જે મોટા પ્રમાણમાં કાચું તેલ આયાત કરે છે, તેમને પણ આ સંકટનો સીધો આર્થિક પ્રભાવ સહન કરવો પડી શકે છે.
આ પણ વાંચો: 21મેના રોજ PM મોદીએ બોલાવી મંત્રીમંડળની બેઠક : 2 વર્ષના કામકાજની કરાશે સમીક્ષા
ભારત માટે પડકાર અને તૈયારી
ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર છે અને પશ્ચિમ એશિયાથી મોટી માત્રામાં ઊર્જા મેળવવામાં નિર્ભર છે. યુદ્ધના કારણે સપ્લાયમાં વિક્ષેપ થતાં દેશની આર્થિક સ્થિતિ પર દબાણ વધી શકે છે. સરકારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક પગલાં પણ લીધા છે, જેમ કે ઈંધણ બચત માટે અપીલ, વૈકલ્પિક ઊર્જા પર ધ્યાન અને સપ્લાય ચેઈન મજબૂત બનાવવાના પ્રયાસો. મોદીએ લોકોને પણ અપીલ કરી છે કે ઈંધણનો મિતવ્યયી ઉપયોગ કરે. જાહેર પરિવહન અપનાવે અને અનાવશ્યક ખર્ચ ઘટાડે.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે DAમાં વધારો? : જાણો બાકી રહેલા એરિયરની ક્યારે થશે ચુકવણી
વૈશ્વિક સહકાર જરૂરી
મોદીએ સ્પષ્ટ કર્યું કે આ સમસ્યા કોઈ એક દેશ ઉકેલી શકશે નહીં. વૈશ્વિક સ્તરે સહયોગ, વિશ્વસનીય સપ્લાય ચેઇન અને ઊર્જા ક્ષેત્રમાં નવી ટેક્નોલોજી અપનાવવી જરૂરી છે. તેમણે ભારત-નેધરલેન્ડ્સ વચ્ચે વિશ્વસનીય અને પારદર્શક સપ્લાય ચેઇન બનાવવા માટે સહયોગની પણ વાત કરી, જે ભવિષ્યના સંકટો સામે રક્ષણ પૂરું પાડે શકે. વિશ્વ હવે એક એવા મોંઢા પર ઉભું છે જ્યાં સમયસર અને સંકલિત પગલાં નહીં લેવાય તો આર્થિક અસમાનતા વધશે અને ગરીબી ફરીથી વધશે.






