Home Tech/Gadgets India Avataar Drone Pakistan China Tension

પાક. અને ચીનનું વધશે ટેન્શન! : ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 05:51 PM IST

આકાશ અને સમુદ્ર બંને મોરચે લડવા સક્ષમ AVATAAR ડ્રોન તૈયાર, કાર્બન ફાઈબર બોડી અને સોનાર સિસ્ટમથી સજ્જ આ સ્ટીલ્થ હથિયાર બદલી નાખશે યુદ્ધના સમીકરણો

ભારતીય સંરક્ષણ ક્ષેત્રે એક ક્રાંતિકારી ડ્રોન તૈયાર કરવામાં આવ્યું છે, જેનું નામ 'AVATAAR' રાખવામાં આવ્યું છે. આ ડ્રોન સામાન્ય ડ્રોન કરતા સાવ અલગ છે કારણ કે તે માત્ર આકાશમાં જ ઉડતું નથી, પરંતુ પાણીની અંદર પણ તેટલી જ સરળતાથી કામ કરી શકે છે. ભારતની આ આધુનિક ટેકનોલોજીએ પડોશી દેશો પાકિસ્તાન અને ચીનની ઉંઘ હરામ કરી દીધી છે.

ખાસ ડિઝાઇન અને અભેદ સુરક્ષા

AVATAAR ડ્રોનને હાઇ-ટેક કાર્બન-ફાઈબર સ્ટ્રક્ચરથી બનાવવામાં આવ્યું છે. આ મટીરિયલ ડ્રોનને વજનમાં હળવું રાખવાની સાથે મજબૂતી આપે છે અને સમુદ્રના ખારા પાણીમાં પણ તેને કાટ લાગવાથી બચાવે છે. દરિયાઈ વાતાવરણમાં ભેજ અને નમકનું પ્રમાણ વધુ હોવા છતાં, આ ડ્રોન લાંબા સમય સુધી કાર્યરત રહી શકે છે. તેના સેન્સર્સ પર ખાસ પ્રકારનું કોટિંગ કરવામાં આવ્યું છે, જે તેને અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં પણ સચોટ પરિણામ આપવા માટે સક્ષમ બનાવે છે.

પાણીની અંદર દુશ્મનને શોધશે આ એડવાન્સ ટેકનોલોજી

આ ડ્રોનમાં એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેને પાણીની અંદર પણ અસરકારક બનાવે છે. સચોટ લોકેશન માટે તેમાં અદ્યતન નેવિગેશન સિસ્ટમ છે, જ્યારે પાણીમાં કોમ્યુનિકેશન માટે ધ્વનિ આધારિત (Acoustic) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડ્રોનમાં 'મલ્ટીબીમ સોનાર સિસ્ટમ' લગાવવામાં આવી છે, જે સમુદ્રના તળિયાની હાઈ-રિઝોલ્યુશન તસવીરો મોકલે છે. ઊંડા અંધારાવાળા વિસ્તારોમાં પણ કામ કરવા માટે તેમાં પાવરફુલ LED લાઈટ્સ આપવામાં આવી છે.

દરિયાઈ સરહદોનું બનશે કવચ

આ ડ્રોનનો મુખ્ય ઉપયોગ બંદર, દરિયાકાંઠાના વિસ્તારો અને હાર્બરની કડક દેખરેખ રાખવા માટે કરવામાં આવશે. તે છુપાયેલા જોખમોને ઓળખવાની સાથે ગુપ્ત માહિતી એકત્ર કરવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે. સૌથી મોટી ખાસિયત એ છે કે તે રિયલ-ટાઇમ ડેટા મોકલે છે, જેનાથી સુરક્ષા એજન્સીઓ તરત જ એક્શન લઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં યુક્રેન જેવા દેશો પણ આ પ્રકારની ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે, પરંતુ ભારતનું AVATAAR ડ્રોન તેની હવામાં અને પાણીમાં કામ કરવાની બેવડી ક્ષમતાને કારણે વિશ્વ સ્તરે અલગ તરી આવે છે. આ ટેકનોલોજીના આગમનથી હિંદ મહાસાગરમાં ભારતની પકડ વધુ મજબૂત બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now