Home International India Advisory Expeditiously Exit Iran Indian Embassy Tehran News

"શક્ય હોય તેટલી જલ્દી ઈરાન છોડો" : પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામની જાહેરાત વચ્ચે ભારતનું હાઈ-એલર્ટ

Tehran  Indian Embassy Iran Advisory
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 08, 2026, 09:30 AM IST

Expeditiously Exit Iran: પશ્ચિમ એશિયામાં છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા લોહિયાળ સંઘર્ષ વચ્ચે ભારત સરકારે ઈરાનમાં વસતા ભારતીય નાગરિકો માટે અત્યંત મહત્વની અને તાકીદની એડવાઇઝરી જાહેર કરી છે. ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે 8 એપ્રિલ 2026થી બે સપ્તાહના કામચલાઉ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે, જેને ભારત સરકારે એક 'ગોલ્ડન વિન્ડો' તરીકે જોઈ છે. તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે તમામ ભારતીય નાગરિકો આ સમયગાળાનો ઉપયોગ કરીને 'એક્સપિડિશિયસ એક્ઝિટ' એટલે કે શક્ય તેટલી ઝડપથી ઈરાન છોડીને સ્વદેશ પરત ફરે. ભલે ચીન અને પાકિસ્તાનની મધ્યસ્થીથી હાલ તોપો શાંત થઈ હોય, પરંતુ ભારત સરકાર કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને ભારતીયોને સુરક્ષિત માર્ગે બહાર નીકળવા સૂચના આપી છે.

દૂતાવાસની મંજૂરી વિના બોર્ડર ઓળંગવા પર પ્રતિબંધ

ભારતીય દૂતાવાસે પોતાની નવી એડવાઇઝરીમાં એક મોટી લાલબત્તી ધરી છે. નાગરિકોને કડક તાકીદ કરવામાં આવી છે કે તેઓ દૂતાવાસ સાથે પરામર્શ કે સંકલન કર્યા વગર પોતાની રીતે કોઈપણ આંતરરાષ્ટ્રીય જમીન સરહદ (Land Border) ઓળંગવાનો પ્રયાસ ન કરે. ખાસ કરીને તુર્કી અથવા પાકિસ્તાન સરહદ તરફ પોતાની મેળે જવું જોખમી સાબિત થઈ શકે છે. ભારત સરકાર હાલમાં આર્મેનિયા સરહદ જેવા સુરક્ષિત 'એસ્કેપ રૂટ્સ' નક્કી કરી રહી છે, જેથી ભારતીયોને હેમખેમ બહાર કાઢી શકાય.

આ પણ વાંચો: ભારત માટે કેવા રહ્યાં ઇરાન-ઇઝરાયલ-અમેરિકા યુદ્ધના 40 દિવસ? : યુદ્ધના દૌરમાં કઈ રીતે ચાણક્યા સાબિત થયા PM મોદી?


મુશ્કેલીમાં સંપર્ક કરવા માટે હેલ્પલાઇન નંબર જાહેર

ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારોની મદદ માટે દૂતાવાસે 24x7 કાર્યરત ઈમરજન્સી હેલ્પલાઇન નંબરો અને ઈ-મેઈલ આઈડી જાહેર કર્યા છે:

  • ફોન નંબર્સ: +989128109115, +989128109109, +989128109102, +989932179359

  • ઈ-મેઈલ: [email protected]

48 કલાકમાં રણનીતિમાં 180 ડિગ્રીનો બદલાવ

નોંધનીય છે કે, ગત 7 એપ્રિલ સુધી દૂતાવાસે 'શેલ્ટર-ઈન-પ્લેસ'ની સૂચના આપી હતી, જે મુજબ ભારતીયોને જે-તે સ્થળે સુરક્ષિત રહેવા અને સૈન્ય મથકો કે પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી દૂર રહેવા જણાવાયું હતું. જોકે, 8 એપ્રિલે યુદ્ધવિરામની જાહેરાત થતાં જ ભારતની રણનીતિમાં મોટો બદલાવ આવ્યો છે. હવે સરકારનો મુખ્ય હેતુ તમામ નાગરિકોને આ શાંતિના સમયમાં સુરક્ષિત રીતે બહાર કાઢવાનો છે.

હજુ પણ હજારો ભારતીયો ઈરાનમાં હાજર

સરકારી આંકડા મુજબ, ગત 28 ફેબ્રુઆરીએ જ્યારે ઈઝરાયેલ-અમેરિકાએ હુમલા શરૂ કર્યા ત્યારે ઈરાનમાં અંદાજે 9,000 ભારતીયો હાજર હતા. જેમાંથી અત્યાર સુધીમાં ઓપરેશન દ્વારા અંદાજે 1,800 ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા છે. હજુ પણ મોટી સંખ્યામાં ભારતીયો ત્યાં વસેલા છે, જેમને પરત લાવવા માટે વિદેશ મંત્રાલય યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now