India Submarine Deal: હિંદ મહાસાગર અને કાળા સમુદ્ર સહિતના વ્યૂહાત્મક જળમાર્ગો પર ચીન અને પાકિસ્તાનની વધતી જુગલબંધીને જડબાતોડ જવાબ આપવા માટે ભારત સરકારે અત્યાર સુધીની સૌથી મોટી સંરક્ષણ ડીલને અંતિમ રૂપ આપવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય નૌસેનાની તાકાતમાં અભૂતપૂર્વ વધારો કરવાના હેતુથી કેન્દ્ર સરકાર 'પ્રોજેક્ટ-૭૫ ઇન્ડિયા' (P-75I) હેઠળ ૬ અત્યાધુનિક સબમરીન ખરીદવાની મેગા ડીલને આગામી સપ્ટેમ્બર મહિનામાં સત્તાવાર મંજૂરી આપે તેવી પ્રબળ શક્યતા છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની અંદાજિત કિંમત આશરે ૭૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.
આ ડીલને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) સમક્ષ મોકલતા પહેલાં આ જ મહિનાના અંતમાં એક હાઈ-લેવલ આંતર-મંત્રાલય ગ્રૂપની બેઠક યોજાવાની છે, જેમાં સબમરીન ખરીદવાની તમામ કાનૂની અને પ્રક્રિયાગત વિગતોને આખરી ઓપ આપવામાં આવશે. પડોશી દેશો દ્વારા દરિયાઈ સરહદો પર સતત વધારવામાં આવી રહેલા સૈન્ય દબાણ વચ્ચે ભારતનું આ પગલું ડિફેન્સ સેક્ટરમાં ગેમ ચેન્જર સાબિત થશે. મેગા સબમરીન ડીલથી માત્ર ભારતીય નૌકાદળની મારક ક્ષમતા જ નહીં વધે, પરંતુ હિંદ મહાસાગરમાં ભારતનું સાર્વભૌમત્વ વધુ મજબૂત બનશે.
'મેક ઇન ઇન્ડિયા'ને વેગ: જર્મની આપશે ડિઝાઇન અને ટેક્નોલોજી, મુંબઈમાં થશે નિર્માણ
આત્મનિર્ભર ભારતના સંકલ્પને વેગ આપતા આ પ્રોજેક્ટમાં ભારત તરફથી મુંબઈ સ્થિત સરકારી સંરક્ષણ કંપની 'મઝગાંવ ડૉકયાર્ડ શિપ બિલ્ડર્સ લિમિટેડ' (MDL) વ્યૂહાત્મક ભાગીદાર તરીકે મુખ્ય ભૂમિકા ભજવશે. આ ભારતીય કંપની જર્મનીની દિગ્ગજ ડિફેન્સ મેન્યુફેક્ચરર 'થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ' (TKMS) સાથે મળીને આ તમામ ૬ સબમરીન ભારતીય ધરતી પર જ તૈયાર કરશે. કરાર મુજબ, જર્મની આ સબમરીનની મૂળ ડિઝાઇન અને અત્યાધુનિક ટેક્નોલોજી ભારતને ટ્રાન્સફર (Transfer of Technology) કરશે. આ ડીલ પર હસ્તાક્ષર થયાના બરાબર સાત વર્ષ બાદ ભારતીય નૌસેનાને પ્રથમ સબમરીન ડિલિવર કરવામાં આવશે, અને ત્યારપછી દર વર્ષે એક-એક નવી સબમરીન નૌકાદળના કાફલામાં સામેલ થતી જશે.
દુશ્મનને ભનક પણ નહીં લાગે: શું છે AIP ટેક્નોલોજીની અસલી તાકાત?
આ નવી સબમરીન ખરીદવા પાછળનું મુખ્ય આકર્ષણ અને તાકાત તેમાં વપરાનારી 'એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન' (AIP) ટેક્નોલોજી છે. સામાન્ય ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીન પાસે ઓક્સિજન મેળવવા અને પોતાની બેટરી ચાર્જ કરવા માટે દર ૨-૩ દિવસે દરિયાની સપાટી પર આવવું પડતું હોય છે, જેના લીધે દુશ્મન દેશના રડાર કે સેટેલાઇટ તેને સરળતાથી ટ્રેક કરી લે છે. પરંતુ AIP ટેક્નોલોજીથી સજ્જ સબમરીનને અઠવાડિયાઓ સુધી સમુદ્રના પેટાળમાં છુપાઈ રહેવાની ક્ષમતા મળે છે. તે પાણીની અંદર જ ઓક્સિજન જનરેટ કરે છે, જેના કારણે દુશ્મન દેશોની સેના માટે આ સાયલન્ટ કિલર સબમરીનને પકડવી અશક્ય બની જશે.
પાકિસ્તાન અને ચીનની ચાલબાજી વચ્ચે ભારત માટે કેમ જરૂરી છે આ ડીલ?
વર્તમાન સ્થિતિની વાત કરીએ તો ભારત પાસે અત્યારે અત્યાધુનિક ઓપરેશનલ AIP ટેક્નોલોજી ધરાવતી એકપણ પરંપરાગત સબમરીન સક્રિય નથી. ભારતીય નૌકાદળ પાસે હાલ અંદાજે ૧૬ પરંપરાગત સબમરીન છે, જેમાંથી ૧૦ સબમરીન ઘણી જૂની થઈ ગઈ હોવાથી આગામી સમયમાં નિવૃત્ત થવાની અણી પર છે. બીજી તરફ, દુશ્મન દેશ પાકિસ્તાન ચીનની આર્થિક અને તકનીકી મદદથી પોતાની દરિયાઈ શક્તિ ખૂબ જ ઝડપથી વધારી રહ્યું છે. પાકિસ્તાને તાજેતરમાં જ ચીનની મદદથી પોતાની ચોથી AIP સબમરીન સેનામાં સામેલ કરી લીધી છે અને આગામી સમયમાં તેનો ટાર્ગેટ ૧૧ AIP સબમરીનનો કાફલો ઊભો કરવાનો છે. આ અસંતુલનને તોડવા અને ચીન-પાકિસ્તાનની એક્સિસને કાબૂમાં રાખવા માટે ભારતની આ રૂ. ૭૦,૦૦૦ કરોડની ડીલ અત્યંત અનિવાર્ય માનવામાં આવી રહી છે.





