Home National Noida Deepika Nagar Case Post Mortem Report Reveals 30 Wounds Dowry Live Lost Husband Arrested

"પપ્પા, મને બચાવી લો..." : મોત પહેલાં ઘો.12ની ટોપર દીપિકાનો છેલ્લો ફોન, શરીર પર મળ્યા 30થી વધુ ઈજાના નિશાન

Noida Dowry Case Deepika Nagar
Published by: Nirali Gohil
Last Updated: May 19, 2026, 10:21 AM IST

Noida Dowry Case: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના જલપુરા વિસ્તારમાંથી દહેજ પ્રથાના દૂષણનો એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ક્યારેક અભ્યાસમાં તેજસ્વી અને ધોરણ 12માં ટોપર રહેલી ૨૫ વર્ષીય દીપિકા નગરનું ત્રીજા માળેથી રહસ્યમય સંજોગોમાં નીચે પડતાં મોત નીપજ્યું હતું. શરૂઆતમાં આ મામલાને આત્મહત્યા ગણાવવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે દીપિકાના પોસ્ટમોર્ટમ રિપોર્ટે આખી ઘટના પલટી નાખી છે અને સસરા પક્ષની ક્રૂરતાનો પર્દાફાશ કર્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, દીપિકાના આખા શરીર પર ઈજાના નાના-મોટા અંદાજે 30 જેટલા ગંભીર ઘા મળી આવ્યા છે, જે દર્શાવે છે કે, તેને મોતને ઘાટ ઉતારતા પહેલા કેટલી હદ સુધી શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ અને ગમગીનીનો માહોલ છે. દીપિકાના પિતાએ આક્ષેપ કર્યો છે કે માત્ર દોઢ વર્ષ પહેલાં જ થયેલા લગ્નમાં તેમણે અંદાજે 1 કરોડ રૂપિયા જેટલો મોટો ખર્ચ કર્યો હતો, જેમાં રોકડા રૂપિયા અને સ્કોર્પિયો કાર પણ આપવામાં આવી હતી. આમ છતાં, લાલચુ સાસરિયાઓ દ્વારા સતત ફોર્ચ્યુનર કાર અને વધુ 51 લાખ રૂપિયાની માંગણી સાથે દીપિકાને ઢોર માર મારવામાં આવતો હતો. ઘટનાની રાત્રે જ દીપિકાએ રડતાં રડતાં પોતાના પિતાને ફોન કરીને તેના પર થઈ રહેલા હુમલાની જાણ કરી હતી અને તેના થોડા જ કલાકોમાં તેના મોતના સમાચાર આવ્યા હતા. પોલીસે આ મામલે કડક વલણ અપનાવીને ગુનો નોંધી દીપિકાના પતિ અને સસરાની ધરપકડ કરી લીધી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખળભળાટ: શરીરનો કોઈ ભાગ એવો નહોતો જ્યાં ઘા ન હોય!

પોલીસ અને તબીબી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દીપિકા નગરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જે ખુલાસા થયા છે તેણે તપાસ કરનારા અધિકારીઓને પણ ચોંકાવી દીધા છે. રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે, દીપિકાના શરીર પર નાની-મોટી તીક્ષ્ણ અને ગંભીર ઈજાઓના 30 નિશાનો હતા. પિતાનો આરોપ છે કે,ત્રીજા માળેથી નીચે ફેંકતા અથવા પડતા પહેલા તેના પર લોખંડની પાઈપો અથવા લાકડીઓથી ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ સામે આવ્યા બાદ કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે, હવે આ કેસ માત્ર આત્મહત્યા માટે ઉશ્કેરણીનો નહીં, પરંતુ હત્યાના કાવતરા તરફ નિર્દેશ કરે છે.

આ પણ વાંચો: પંજાબી સિંગર ઈન્દર કૌરની હત્યાથી ચકચાર: 6 દિવસ પહેલાં અપહરણ થયું, હવે કેનાલમાંથી મળી લાશ

"પપ્પા, મને બચાવી લો..." મોતની થોડી મિનિટો પહેલાનો અંતિમ ફોન કોલ

દીપિકાના પિતાએ મીડિયા સમક્ષ રડતા રડતા જણાવ્યું કે, ૧૭ મેની રાત્રે દીપિકાનો છેલ્લો ફોન આવ્યો હતો. તે ફોન પર ધ્રુજતા અવાજે રડી રહી હતી અને બોલી હતી કે, "પપ્પા, આ લોકો આજે મને જીવતી નહીં છોડે, મારી સાથે બહુ ખરાબ મારપીટ થઈ રહી છે, મને અહીંથી બચાવી લો." પિતાએ તેને સાંત્વના આપીને સવારે વહેલા આવીને લઈ જવાનું વચન આપ્યું હતું. પરંતુ લાલચુ સાસરિયાઓએ સવાર પડવા દીધી નહીં અને મોડી રાત્રે જ દીપિકાને બિલ્ડિંગના ત્રીજા માળેથી નીચે ફેંકી દઈને આખી ઘટનાને આત્મહત્યાનું રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો.

લગ્નમાં 1 કરોડ ખર્ચ્યા છતાં ફોર્ચ્યુનર અને 51 લાખની ભૂખ સંતોષાઈ નહીં

મૃતક દીપિકાના પરિવારે જણાવ્યું કે, દીપિકા ભણવામાં ખૂબ જ તેજસ્વી હતી અને તેણે ધોરણ 12માં આખા વિસ્તારમાં ટોપ કર્યું હતું. દીપિકાના ઉજ્જવળ ભવિષ્ય માટે પિતાએ પોતાની ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરીને દોઢ વર્ષ પહેલાં ઋતિક નામના યુવક સાથે તેની ધૂમધામથી લગ્ન કરાવ્યા હતા. લગ્નમાં સ્કોર્પિયો કાર, સોના-ચાંદીના દાગીના અને લાખોની રોકડ સહિત કુલ 1 કરોડ રૂપિયા આપ્યા હોવા છતાં, લગ્નના થોડા જ મહિનાઓમાં પતિ ઋતિક અને સસરા મનોજે દીપિકા પાસે ફોર્ચ્યુનર કાર લાવી આપવાનું દબાણ શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: "ખતરનાક કૂતરાઓને મોતનું ઇન્જેક્શન આપો": રખડતા કૂતરાઓના આતંક પર સુપ્રીમ કોર્ટનો કડક નિર્ણય

પોલીસ એક્શન મોડમાં: પતિ અને સસરા જેલના સળિયા પાછળ

આ ચકચારી મામલો સામે આવતા જ ઇકોટેક-૩ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. દીપિકાના પિતાની સત્તાવાર ફરિયાદના આધારે પોલીસે દહેજ ઉત્પીડન, ઘરેલું હિંસા અને શંકાસ્પદ મોતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે પ્રાથમિક તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે દીપિકાના પતિ ઋતિક અને સસરા મનોજની ધરપકડ કરી લીધી છે અને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કર્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાને લઈને #JusticeForDeepika કેમ્પેઈન શરૂ થયું છે અને લોકો નરાધમોને ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now