Home National Supreme Court Stray Dogs Euthanasia Order Public Safety Gujarati

"ખતરનાક કૂતરાઓને મોતનું ઇન્જેક્શન આપો" : રખડતા કૂતરાઓના આતંક પર સુપ્રીમ કોર્ટનો કડક નિર્ણય

Dog Bite Cases
Published by: Suman Dabhi
Last Updated: May 19, 2026, 07:49 AM IST

Dog Bite Cases: દેશભરમાં વધતા કૂતરા કરડવાના બનાવો, નાના બાળકો પર થતા જીવલેણ હુમલા અને જાહેર સ્થળોએ વધી રહેલા જોખમ વચ્ચે સુપ્રીમ કોર્ટે મંગળવારે મહત્વપૂર્ણ અને કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે જો કોઈ કૂતરો અત્યંત ખતરનાક હોય અથવા રેબીઝથી સંક્રમિત હોય તો કાયદા મુજબ તેને ઇન્જેક્શન દ્વારા દયા મૃત્યુ (યુથેનેશિયા) આપવામાં આવી શકે છે. કોર્ટે ઉમેર્યું કે માનવ જીવનનું રક્ષણ કરવું સૌથી મોટી પ્રાથમિકતા છે અને જે અધિકારીઓ કોર્ટના આદેશોનું પાલન નહીં કરે તેમની સામે અવમાનનાની કાર્યવાહી પણ થઈ શકે છે.

જાહેર સુરક્ષા સામે રખડતા કૂતરાઓનો વધતો ખતરો

જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા ચોંકાવનારા આંકડાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હાલની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. કોર્ટે ખાસ કરીને રાજસ્થાનના શ્રીગંગાનગરનો ઉલ્લેખ કર્યો, જ્યાં માત્ર એક મહિનામાં 1,084 કૂતરા કરડવાના કેસ નોંધાયા હતા. અહેવાલોમાં નાના બાળકોના ચહેરા પર ગંભીર ઇજાઓ અને ઊંડા ઘા હોવાની વિગતો સામે આવી હતી.

તમિલનાડુમાં વર્ષના પહેલા ચાર મહિનામાં જ લગભગ 2 લાખ કૂતરા કરડવાના કેસ નોંધાતા કોર્ટે ચિંતા વ્યક્ત કરી. સુરતમાં જર્મન પ્રવાસીને કૂતરાએ કરડ્યાની ઘટનાનો પણ ઉલ્લેખ થયો. કોર્ટે કહ્યું કે આવી ઘટનાઓ માત્ર લોકોની સુરક્ષાને જોખમમાં મૂક્તી નથી, પરંતુ શહેરી પ્રશાસન પ્રત્યે લોકોનો વિશ્વાસ પણ નબળો પાડે છે.

બેન્ચે પોતાના અવલોકનમાં કહ્યું કે “ગરિમા સાથે જીવન જીવવાના અધિકારમાં કૂતરાઓના ડર અને જોખમ વિના મુક્તપણે જીવવાનો અધિકાર પણ સામેલ છે.”

NGO અને ડોગ લવર્સની તમામ અરજીઓ ફગાવાઈ

સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2025માં આપેલા મહત્વપૂર્ણ વચગાળાના આદેશોને યથાવત રાખ્યા છે. આ આદેશોમાં સ્કૂલો, હોસ્પિટલો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને અન્ય જાહેર સ્થળોએથી રખડતા કૂતરાઓને હટાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી.

કોર્ટે તે સમયે કહ્યું હતું કે આવા કૂતરાઓને શેલ્ટર હોમમાં રાખવામાં આવે અને તેમને ફરીથી રસ્તાઓ પર છોડવામાં ન આવે. સાથે રસ્તા પર કૂતરાઓને ખવડાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આ નિર્ણય સામે અનેક એનજીઓ, ડોગ લવર્સ અને પ્રાણી કલ્યાણ સંગઠનો દ્વારા અરજી કરવામાં આવી હતી. તેઓએ દલીલ કરી હતી કે તમામ કૂતરાઓ આક્રમક નથી અને તેમને સંપૂર્ણ રીતે રસ્તાઓ પરથી હટાવવાનો નિર્ણય પ્રાણી અધિકારો વિરુદ્ધ છે. પરંતુ કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી.

સુપ્રીમ કોર્ટના 10 મહત્વપૂર્ણ નિર્દેશ

કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે અનેક મહત્વપૂર્ણ સૂચનાઓ પણ આપી છે:

1. ABC સેન્ટરોની સ્થાપના

દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક સંપૂર્ણ કાર્યરત Animal Birth Control (ABC) સેન્ટર બનાવવું ફરજિયાત રહેશે.

2. ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં વધારાના સેન્ટર

જ્યાં વસ્તી વધુ હોય ત્યાં જરૂરિયાત મુજબ વધારાના ABC સેન્ટરો ઉભા કરવા પડશે.

3. AWBIના નિયમોનો કડક અમલ

પશુ કલ્યાણ બોર્ડ ઓફ ઇન્ડિયા (AWBI)ના નિયમોનો અસરકારક અમલ કરવા રાજ્યોને સૂચના અપાઈ.

4. જાહેર સ્થળોએ ખાસ કાર્યવાહી

શાળા, હોસ્પિટલ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને અન્ય સંવેદનશીલ સ્થળોએથી રખડતા કૂતરાઓને દૂર કરવાની કાર્યવાહી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે.

5. રેબીઝ વિરોધી દવાઓ ઉપલબ્ધ કરાવવી

રાજ્યોને પૂરતી એન્ટી-રેબીઝ દવાઓ અને સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી.

6. NHAIને ખાસ નિર્દેશ

નેશનલ હાઈવે પર રખડતા પશુઓની સમસ્યા ઉકેલવા માટે NHAIને મોનિટરિંગ અને સંકલન વ્યવસ્થા ઉભી કરવાની સૂચના આપવામાં આવી.

7. ખતરનાક કૂતરાઓ માટે યુથેનેશિયા

રેબીઝગ્રસ્ત અથવા અત્યંત આક્રમક કૂતરાઓના કિસ્સામાં કાયદા મુજબ દયા મૃત્યુ જેવી કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવી.

8. અધિકારીઓને કાનૂની રક્ષણ

કોર્ટના આદેશો અમલમાં મૂક્તા મ્યુનિસિપલ અને સરકારી અધિકારીઓ સામે સામાન્ય રીતે FIR અથવા દબાણાત્મક કાર્યવાહી ન થાય તે સુનિશ્ચિત કરવાનું કહ્યું.

“અમારી વાતને મજાકમાં ન લો” – કોર્ટની કડક ટિપ્પણી

29 જાન્યુઆરીની સુનાવણી દરમિયાન કોર્ટે કડક ભાષામાં કહ્યું હતું કે તેની ટિપ્પણીઓને હળવાશથી લેવી નહીં. બેન્ચે સ્પષ્ટ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ કૂતરાના હુમલામાં ઇજાગ્રસ્ત થાય અથવા મૃત્યુ પામે તો મ્યુનિસિપલ તંત્ર સાથે ડોગ ફીડર્સની જવાબદારી પણ નક્કી થઈ શકે છે.

કોર્ટે કહ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં તંત્રની નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ રહી છે અને જવાબદારી નક્કી કરવામાં કોર્ટ પાછળ નહીં હટે.

2025થી શરૂ થયેલી કાર્યવાહી કેવી રીતે રાષ્ટ્રીય મુદ્દો બની

આ સમગ્ર મામલો 28 જુલાઈ 2025ના રોજ શરૂ થયો હતો, જ્યારે સુપ્રીમ કોર્ટે દેશભરમાં રખડતા કૂતરાઓના હુમલાઓ અને મૃત્યુની વધતી ઘટનાઓ પર સ્વયં સંજ્ઞાન લીધું હતું.

11 ઓગસ્ટ 2025ના રોજ કોર્ટે દિલ્હી-NCR વિસ્તારમાંથી તમામ રખડતા કૂતરાઓને 8 અઠવાડિયામાં પકડીને શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. ભારે વિરોધ બાદ 22 ઓગસ્ટે કોર્ટે પોતાના આદેશમાં આંશિક ફેરફાર કર્યો અને કહ્યું કે જે કૂતરાઓ આક્રમક નથી અને રેબીઝગ્રસ્ત નથી, તેમને નસબંધી અને રસીકરણ બાદ ફરી તે જ વિસ્તારમાં છોડવામાં આવી શકે.

પછી કેસનો વ્યાપ સમગ્ર દેશમાં વિસ્તર્યો અને નવેમ્બર 2025માં કોર્ટે જાહેર સ્થળોએથી રખડતા પશુઓને દૂર કરવાની વ્યાપક માર્ગદર્શિકા જાહેર કરી.

કેમ મહત્વનો છે આ નિર્ણય?

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કૂતરા કરડવાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો પ્રશ્ન ગંભીર બન્યો છે. બાળકો, વૃદ્ધો અને વિદેશી પ્રવાસીઓ પર થતા હુમલાઓને કારણે સુરક્ષા અંગે ચિંતા વધી છે.

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય જાહેર સુરક્ષા અને પ્રાણી કલ્યાણ વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. એક તરફ કોર્ટે ખતરનાક કૂતરાઓ સામે કડક કાર્યવાહીનો રસ્તો ખુલ્લો રાખ્યો છે, તો બીજી તરફ નસબંધી, રસીકરણ અને શેલ્ટર હોમ જેવી વ્યવસ્થાઓને પણ પ્રાથમિકતા આપી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now