PM Modi Appeal: મિડલ-ઈસ્ટ (મધ્યપૂર્વ એશિયા)માં સતત વધી રહેલા યુદ્ધના તણાવ અને હોર્મુજ દરિયાઈ માર્ગ પ્રભાવિત થવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ (કાચું તેલ)ની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. મોંઘા થઈ રહેલા ક્રૂડ ઓઇલના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, જેણે સરકારની ચિંતામાં મોટો વધારો કર્યો છે. આ ગંભીર આર્થિક કટોકટી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત ૧૦ મેના રોજ દેશવાસીઓને ઇંધણ (ફ્યુઅલ) બચાવવાની અને સોનું ન ખરીદવાની નમ્ર અપીલ કરી હતી. પીએમ મોદીની આ અપીલ બાદ સામાન્ય જનતામાં કોરોના કાળ અને લોકડાઉન જેવો ભય ફરી એકવાર જાગી ગયો છે. જોકે, સરકારે તાત્કાલિક સ્પષ્ટતા કરી છે કે દેશમાં લોકડાઉન લગાવવાની કોઈ જ શક્યતા નથી અને દેશમાં ઇંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.
વાસ્તવમાં, સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserves)ને ઘટતો અટકાવવાનો, રૂપિયાના મૂલ્યને મજબૂત રાખવાનો અને ઓઇલના વપરાશને નિયંત્રિત કરવાનો છે. જો વિદેશી ભંડાર ખાલી થઈ જાય તો દેશ આર્થિક જોખમમાં આવી શકે છે. આ આર્થિક અને ઊર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા હાલમાં દેશભરમાં ૫ એવા મોટા અને આકરા કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે, જે પ્રથમ દ્રષ્ટિએ લોકડાઉનના દિવસોની યાદ અપાવી રહ્યા છે. બેન્કોથી લઈને સરકારી ઓફિસો માટે જારી કરાયેલા આ કડક આદેશો દેશની આર્થિક સ્થિતિને સ્થિર રાખવા માટે લેવાયા છે.
1. બેન્કો અને સરકારી વિભાગોમાં રૂબરૂ મુલાકાતો બંધ, ઓનલાઇન મીટિંગ ફરજિયાત
નાણાં મંત્રાલયના 'નાણાકીય સેવા વિભાગ' (DFS) દ્વારા તમામ સરકારી બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો અને સરકારી વીમા કંપનીઓને એક અત્યંત કડક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, હવે તમામ પ્રકારની સત્તાવાર બેઠકો ફરજિયાતપણે વીડિયો કોન્ફરન્સિંગ (ઓનલાઇન) ના માધ્યમથી જ કરવાની રહેશે. જ્યાં સુધી અત્યન્ટ અનિવાર્ય કે ઈમરજન્સી ન હોય ત્યાં સુધી રૂબરૂ બેઠકો યોજવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. સરકારનો ઉદ્દેશ્ય મોટા અધિકારીઓની મુસાફરી અને તેના કારણે ગાડીઓમાં થતા ઇંધણના બગાડ તેમજ ભથ્થાના ખર્ચને અટકાવવાનો છે.
2. રોડ પરથી વાહનો ઘટાડવા 'વર્ક ફ્રોમ હોમ' (WFH) ના શસ્ત્રનો ફરી ઉપયોગ
રસ્તાઓ પર ખાનગી વાહનોની સંખ્યા ઘટાડવા અને પેટ્રોલ-ડીઝલના દૈનિક વપરાશ પર સીધો કાપ મૂકવા માટે સરકાર ફરી એકવાર લોકડાઉન સમયના સૌથી સફળ હથિયાર 'વર્ક ફ્રોમ હોમ' (ઘરેથી કામ) ને પ્રોત્સાહન આપી રહી છે. આ કદમ અંતર્ગત દિલ્હી સરકારે એક મોટો નિર્ણય લેતા પોતાના કર્મચારીઓ માટે અઠવાડિયામાં બે દિવસનું 'વર્ક ફ્રોમ હોમ' ફરજિયાત કરી દીધું છે. આ સાથે જ કેન્દ્ર સરકારે દેશની તમામ અગ્રણી ખાનગી (પ્રાઇવેટ) કંપનીઓને પણ સ્વેચ્છાએ પોતાના સ્ટાફને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવા માટે સત્તાવાર અપીલ કરી છે.
આ પણ વાંચો: સમુદ્રમાં વધશે ભારતની તાકાત!: રૂ.70 હજાર કરોડની મેગા સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાનની ચિંતા વધી
3. એક વર્ષ સુધી સોનું ખરીદવા અને વિદેશ પ્રવાસો પર લાગી બ્રેક
ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું સોનું (Gold) વિદેશથી આયાત કરે છે, જેના પેમેન્ટ માટે દેશનો કિંમતી વિદેશી મુદ્રા ભંડાર (ડૉલર) બહાર ચાલ્યો જાય છે. દેશની ચાલુ ખાતાની ખાધ (Current Account Deficit) ને કાબૂમાં રાખવા માટે પીએમ મોદીએ દેશવાસીઓને ભાવનાત્મક અપીલ કરી છે કે, આગામી એક વર્ષ સુધી લગ્નો કે ખાસ પ્રસંગોમાં પણ બિનજરૂરી સોનું ખરીદવાનું ટાળે. આ ઉપરાંત બિનજરૂરી વિદેશ પ્રવાસો પર પણ રોક લગાવવા કહેવાયું છે, કારણ કે ભારતીયો વિદેશ પ્રવાસે જાય ત્યારે ભારતીય રૂપિયાને ડૉલરમાં કન્વર્ટ કરવો પડે છે. સરકાર ઈચ્છે છે કે દેશનો એક-એક ડૉલર બચે અને તેનો ઉપયોગ માત્ર ક્રૂડ ઓઇલ જેવી અનિવાર્ય ચીજોની આયાત માટે જ થાય.
4. વીઆઈપી (VIP) કાફલામાં ગાડીઓ ઓછી કરાશે, નવી ગાડીઓની ખરીદી પર પ્રતિબંધ
સરકારે સરકારી તંત્રમાં પણ કરકસરના આકરા નિયમો લાગુ કર્યા છે. અધિકારીઓના દેશ-વિદેશના પ્રવાસો મર્યાદિત કરી દેવાયા છે અને બેન્કના ચેરમેન તેમજ એમડી (MD) ના વિદેશ પ્રવાસોની સીમા નક્કી કરાઈ છે. મંત્રીઓના કાફલામાં સુરક્ષા અને સત્તાવાર ગાડીઓની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે, જેની અસર ભાજપ શાસિત રાજ્યોમાં દેખાવા લાગી છે. આ ઉપરાંત, દિલ્હી જેવા રાજ્યોએ આગામી ૬ મહિના માટે કોઈ પણ નવા પેટ્રોલ, ડીઝલ કે સીએનજી (CNG) વાહનોની ખરીદી પર સંપૂર્ણ રોક લગાવી દીધી છે અને સરકારી વિભાગોને ઝડપથી ઇલેક્ટ્રિક વાહનો (EVs) તરફ શિફ્ટ થવા આદેશ આપ્યો છે.
5. જાહેર ઉત્સવો રદ્દ: પબ્લિક ટ્રાન્સપોર્ટ અને 'નો-વ્હીકલ ડે' અપનાવવા આગ્રહ
લોકડાઉનની જેમ જ આગામી ત્રણ મહિના માટે સરકારી સ્તરે યોજાતા મોટા જાહેર કાર્યક્રમો, પ્રદર્શનો અને ઉત્સવોને રદ્દ અથવા સ્થગિત કરવામાં આવ્યા છે. સરકારે આમ જનતાને પણ અપીલ કરી છે કે તેઓ પોતાના અંગત વાહનો (કાર કે બાઇક) નો વપરાશ ઘટાડીને મેટ્રો અને સરકારી બસો જેવા જાહેર પરિવહન (Public Transport) નો મહત્તમ ઉપયોગ કરે. ઓફિસે જવા માટે કારપૂલિંગ અપનાવવા અને અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ 'નો-વ્હીકલ ડે' (વાહન વગરનો દિવસ) રાખવા માટે નાગરિકોને આગ્રહપૂર્વક પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.





