દેશભરના કરોડો પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતાધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે Employees' Provident Fund Organisation (EPFO) દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે PF ખાતાઓમાં વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના કારણે હવે લાખો કર્મચારીઓ પોતાના PF ખાતામાં વ્યાજની રકમ જમા થઈ કે નહીં તે જાણવા માટે ઓનલાઈન બેલેન્સ ચેક કરી રહ્યા છે.
ખાસ વાત એ છે કે હવે PF ખાતાની માહિતી મેળવવા માટે ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી. EPFO દ્વારા ઓનલાઈન પાસબુક સેવા અને UMANG એપ્લિકેશન મારફતે ખાતાધારકો સરળતાથી પોતાના PF ખાતાનું બેલેન્સ અને વ્યાજની એન્ટ્રી ચેક કરી શકે છે. EPFO દ્વારા આ વર્ષે પણ PF જમા રકમ પર 8.25 ટકા વાર્ષિક વ્યાજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ જમા થતી રકમ પર કોઈ વ્યાજ આપવામાં આવતું નથી.
PF ખાતામાં કેવી રીતે જમા થાય છે રકમ?
EPFOના નિયમો અનુસાર, કોઈપણ નોકરીયાત કર્મચારી પોતાની બેઝિક સેલેરી અને મોંઘવારી ભથ્થા (DA)ના 12 ટકા જેટલી રકમ PF ખાતામાં જમા કરાવે છે. કંપની અથવા નોકરીદાતા તરફથી પણ એટલું જ યોગદાન આપવામાં આવે છે.
કંપની દ્વારા જમા થતી કુલ 12 ટકા રકમમાંથી 3.67 ટકા રકમ કર્મચારીના EPF ખાતામાં જમા થાય છે, જ્યારે 8.33 ટકા રકમ કર્મચારી પેન્શન યોજના (EPS)માં ટ્રાન્સફર કરવામાં આવે છે. નાણાકીય સલાહકારોના જણાવ્યા મુજબ PF લાંબા ગાળાના બચત અને નિવૃત્તિ માટે સૌથી સુરક્ષિત યોજનાઓમાંથી એક માનવામાં આવે છે. દર વર્ષે વ્યાજ જમા થવાથી કર્મચારીઓની બચતમાં નોંધપાત્ર વધારો થાય છે.
આ પણ વાંચો: 10 દિવસમાં ચોથી વખત વધ્યા પેટ્રોલ-ડીઝલ ના ભાવ! : આજે ₹2.71 સુધીનો તોતિંગ ઉછાળો, જાણો નવા દર
ઓનલાઈન પાસબુક દ્વારા PF બેલેન્સ અને વ્યાજ કેવી રીતે ચેક કરશો?
ખાતાધારકો પોતાના PF ખાતામાં વ્યાજ જમા થયું છે કે નહીં તે જાણવા માટે EPFOની ઓફિશિયલ પાસબુક વેબસાઈટનો ઉપયોગ કરી શકે છે. સૌપ્રથમ EPFO પાસબુક પોર્ટલ પર જઈ પોતાના Universal Account Number (UAN) અને પાસવર્ડથી લોગિન કરવું પડશે. લોગિન થયા બાદ પોતાની Member ID પસંદ કરવી પડશે. ત્યારબાદ EPF પાસબુક ઓપન થશે, જેમાં જમા થયેલી તમામ એન્ટ્રીઓ જોઈ શકાશે. પાસબુકમાં માર્ચ મહિનાના અપડેટ બાદ સામાન્ય રીતે વ્યાજની એન્ટ્રી દર્શાવવામાં આવે છે. જો વ્યાજની રકમ જમા થઈ ગઈ હશે તો તે અલગ એન્ટ્રી તરીકે દેખાશે.
આ પણ વાંચો: CNG, LNG અને હાઈડ્રોજન ફ્યુલ પર સરકારે લીધો મોટો નિર્ણય! : લાગુ કર્યો આ નવો નિયમ, શું ગ્રાહકોને થશે ફાયદો?
UMANG એપથી પણ સરળતાથી જાણી શકશો PF સ્ટેટસ
કેન્દ્ર સરકારની UMANG એપ દ્વારા પણ PF બેલેન્સ અને વ્યાજની માહિતી સરળતાથી મેળવી શકાય છે. તે માટે સૌપ્રથમ મોબાઈલમાં UMANG એપ ડાઉનલોડ કરવી પડશે. એપ ખોલ્યા બાદ Government Services વિભાગમાં જઈ EPFO વિકલ્પ પસંદ કરવો પડશે. ત્યારબાદ “Employee Centric Services” પર ક્લિક કરી “View Passbook” વિકલ્પ પસંદ કરવો પડશે. પછી UAN નંબર દાખલ કરી OTP મેળવવો પડશે. OTP વેરિફિકેશન પૂર્ણ થયા બાદ ખાતાધારક EPF પાસબુકમાં પ્રવેશ મેળવી શકશે. અહીં PF બેલેન્સ, કંપનીનું યોગદાન અને વ્યાજની સંપૂર્ણ વિગતો જોઈ શકાશે.
આ પણ વાંચો: આ IPOના લિસ્ટિંગ પહેલાં જ ગ્રે માર્કેટમાં મચી ધૂમ : GMP 36% પાર, રોકાણકારોને મોટો નફો થવાની આશા
PF ખાતાધારકો માટે શા માટે મહત્વપૂર્ણ છે આ માહિતી?
દેશમાં લાખો ખાનગી અને સરકારી કર્મચારીઓ માટે PF ભવિષ્યની આર્થિક સુરક્ષાનું મહત્વપૂર્ણ સાધન છે. નિવૃત્તિ પછીની બચત ઉપરાંત PF ખાતું ઈમરજન્સીમાં નાણાકીય સહારો પણ પૂરું પાડે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ સેવાઓ વધતાં હવે EPFOએ પણ અનેક સેવાઓ ઓનલાઈન કરી દીધી છે. જેના કારણે ખાતાધારકો ઘર બેઠા જ PF સંબંધિત મોટાભાગની માહિતી મેળવી શકે છે. નાણાકીય નિષ્ણાતોના મતે, PF ખાતામાં નિયમિત રીતે કંપની યોગદાન અને વ્યાજ જમા થઈ રહ્યું છે કે નહીં તેની તપાસ કરવી દરેક કર્મચારી માટે જરૂરી છે. જો કોઈ ગડબડ જણાય તો સમયસર કંપની અથવા EPFOનો સંપર્ક કરી શકાય છે.





