શ્રીનગર: કુદરતનો પ્રકોપ આજે લદ્દાખના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના એવા ઝોજીલા પાસ પર જોવા મળ્યો છે. શુક્રવારે બપોરે ઝોજીલા પાસ પાસે આવેલા 'કેપ્ટન ટર્ન' પર એકાએક વિશાળ હિમસ્ખલન (Avalanche) થતા ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ કુદરતી આફતમાં 7 પ્રવાસીઓના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હિમસ્ખલન એટલું પ્રચંડ હતું કે હાઈવે પરથી પસાર થઈ રહેલા અંદાજે 15 જેટલા વાહનો બરફના થર નીચે દટાઈ ગયા હતા. આ ઘટનાને પગલે શ્રીનગર-લેહ હાઈવે પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે અને વહીવટીતંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.
કેન્દ્રીય મંત્રી અને વહીવટીતંત્રે પુષ્ટિ કરી
આ દુર્ઘટના અંગે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "ઝોજીલા પાસમાં હિમસ્ખલનને કારણે સાત વ્યક્તિઓના મૃત્યુ અને પાંચના ઈજાગ્રસ્ત થવાના સમાચારથી અત્યંત વ્યથિત છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે અને ઈજાગ્રસ્તોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે." દ્રાસના એસડીએમ વિશાલ અત્રિના જણાવ્યા અનુસાર, મૃતકોમાં ત્રણ પુરુષો, એક મહિલા અને એક 2-3 વર્ષના માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે.
યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન અને બચાવ કામગીરી
હિમસ્ખલન થયાની ગણતરીની મિનિટોમાં જ પોલીસ, ભારતીય સેના, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO), અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સોનમર્ગ અને દ્રાસ બંને બાજુથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. બરફ હટાવવા માટે ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી દટાયેલા વાહનોમાંથી લોકોને બહાર કાઢી શકાય. રિપોર્ટ મુજબ, 100થી વધુ જવાનો આ ઓપરેશનમાં જોડાયા છે. જોકે, કાશ્મીર તરફ ટ્રાફિક જામ હોવાને કારણે શરૂઆતમાં રાહત કામગીરીમાં થોડી અડચણ આવી હતી, પરંતુ મેઘા ટનલના કર્મચારીઓની મદદથી કામગીરી વેગીલી બનાવવામાં આવી છે.
મુખ્યમંત્રી અને લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા નિરીક્ષણ
લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ કારગિલના ડીસી અને એસએસપીને તાત્કાલિક સ્થળ પર પહોંચવા અને રાહત કામગીરીનું જાતે નિરીક્ષણ કરવા આદેશ આપ્યો છે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ આ અકસ્માત અંગે ઘેરો શોક વ્યક્ત કર્યો છે અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. હાલમાં રાત્રિના સમયે સુરક્ષાના કારણોસર રેસ્ક્યુ ઓપરેશન થોભાવવામાં આવ્યું છે, જે વહેલી સવારે ફરી શરૂ કરવામાં આવશે.





