Strait of Hormuz: સંકટની વચ્ચે અમેરિકા, ઈરાન પાસે યુરેનિયમનો સ્ટોક સોંપવા અને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવાની માંગ કરી રહ્યું છે, જ્યારે ઈરાન યુદ્ધથી થયેલા નુકસાનનું વળતર અને પ્રતિબંધો હટાવવાની શરત પર અડેલું છે. ઈરાન સાથે ચાલી રહેલા અમેરિકા અને ઈઝરાયેલના યુદ્ધના કારણે મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)ના તેલ ઉત્પાદન પર ઊંડી અસર પડી છે, જેના લીધે દુનિયાના કેટલાય દેશો ઇંધણ સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. દુનિયાના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) બંધ થવાથી વૈશ્વિક તેલ પુરવઠામાં મોટું સંકટ ઊભું થયું છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ફાતિહ બિરોલે ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો આ માર્ગ ટૂંક સમયમાં નહીં ખુલે તો દુનિયા ‘રેડ ઝોન’માં પ્રવેશી શકે છે, જ્યાં તેલનો પુરવઠો માંગને પહોંચી વળવામાં સંપૂર્ણપણે અસમર્થ થઈ જશે.
તેલનો સ્ટોક થઈ શકે છે ખતમ
રિપોર્ટ અનુસાર, IEAના હવાલાથી કહેવામાં આવ્યું છે કે હોર્મુઝ જળમાર્ગ બંધ થવાના કારણે વૈશ્વિક બજારમાંથી દરરોજ સરેરાશ 14 મિલિયન (1.4 કરોડ) બેરલ તેલ ગાયબ થઈ ગયું છે. આ માર્ગ દુનિયાના દરિયાઈ રસ્તે આવતી 20 ટકા ઊર્જાનું પરિવહન કરે છે. બિરોલે જણાવ્યું કે આ સંકટે વૈશ્વિક સ્ટોરેજ (તેલ ભંડાર)ને ઝડપથી ખાલી કરી દીધું છે. માર્ચ મહિનામાં IEA અને તેના 32 સભ્ય દેશોએ રેકોર્ડ 40 કરોડ બેરલ તેલ બજારમાં ઠાલવ્યું હતું, પરંતુ હવે આ ભંડાર પણ ખતમ થવાના આરે છે.
શું છે આ ‘રેડ ઝોન’?
‘રેડ ઝોન’ની ચેતવણીનો અર્થ એ સ્થિતિથી છે જેમાં તેલ પુરવઠો કોઈપણ વધારાના આંચકાને સહન કરવાની ક્ષમતા ગુમાવી દે છે. બિરોલના જણાવ્યા અનુસાર, જો જુલાઈ સુધીમાં સ્થિતિ નહીં સુધરે તો દુનિયાએ તેલના ગંભીર અછતનો સામનો કરવો પડી શકે છે. આનાથી સૌથી વધુ ગરીબ દેશો પ્રભાવિત થશે, ખાસ કરીને આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો, જ્યાં તેલની અછત ખાદ્ય સંકટ (અનાજની તંગી)ને પણ જન્મ આપી શકે છે.
ક્રૂડ ઓઈલની કિંમત કેટલી છે?
હાલમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 104-105 ડોલર પ્રતિ બેરલની આસપાસ છે, જે યુદ્ધ પહેલા 72 ડોલર હતો. મે મહિનાની શરૂઆતમાં આ ભાવ 114 ડોલર સુધી પહોંચી ગયો હતો. નિષ્ણાતોનું અનુમાન છે કે જો લડાઈ ફરીથી તેજ થશે તો કિંમત 120 ડોલરને પાર કરી શકે છે. ભારત પર પણ આની સીધી અસર જોવા મળી રહી છે. એપ્રિલ અને મે મહિનામાં જેટ ફ્યુઅલ (વિમાનના ઇંધણ)ની કિંમતોમાં 30 ટકા સુધીનો વધારો થયો છે. દિલ્હી અને મુંબઈમાં તાજેતરમાં જ એવિએશન ફ્યુઅલ પર વેટ (VAT) ઘટાડીને 7 ટકા કરવામાં આવ્યો છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે.
અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતીનો અલ-અરેબિયાનો દાવો : સત્તાવાર જાહેરાતની અટકળો તેજ
ભારતમાં કેટલો છે પેટ્રોલનો ભાવ?
હાલમાં દિલ્હીમાં પેટ્રોલ 98.64 રૂપિયા અને મુંબઈમાં 107.59 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. આ સંકટની વચ્ચે અમેરિકા, ઈરાન પાસે યુરેનિયમ સ્ટોક સોંપવા અને પરમાણુ કાર્યક્રમ બંધ કરવાની માંગ કરી રહ્યું છે, જ્યારે ઈરાન યુદ્ધથી થયેલા નુકસાન અને પ્રતિબંધો હટાવવાની શરત રાખીને બેઠું છે. એપ્રિલમાં થયેલા સીઝફાયર (યુદ્ધવિરામ) છતાં તણાવ યથાવત છે. IEA પ્રમુખ ફાતિહ બિરોલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ભલે આજે હોર્મુઝ જળમાર્ગ ખૂલી જાય, તો પણ પુરવઠો સામાન્ય થવામાં અઠવાડિયા કે મહિનાઓનો સમય લાગી શકે છે.





