Gujarat Monsoon: ગુજરાતમાં બે દિવસથી સતત વરસાદી માહોલ છવાયો છે. આજે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને જૂનાગઢ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ સાથે નદીઓ ઉપરફાળે વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
ભાવનગરમાં ભારે વરસાદે વ્યાપારીક અને શૈક્ષણિક પ્રવૃતિઓ ખોરવીઃ
ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં આજે સૌથી વધુ 10.25 ઈંચ વરસાદ નોંધાયો છે. મહુવા વિસ્તારમાં આવેલા તલગાજરડા ગામમાં ભારે વરસાદના પગલે રસ્તા પાણીમાં ગરકાવ થતાં ગામનો મુખ્ય સંપર્ક તૂટી ગયો હતો. ગામની શાળામાં પાણી ઘૂસતાં વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા, જેમનું તાત્કાલિક રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડાયા હતા.
અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે સમગ્ર તંત્ર એલર્ટ પર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર અને નાયબ દંડક સાથે ટેલિફોનિક ચર્ચા કરીને સ્થિતિ અંગે માહિતી મેળવી. વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરીયા ડિઝાસ્ટર કન્ટ્રોલ સેન્ટરે પહોંચી તત્કાલ સમીક્ષા હાથ ધરી હતી. કલેક્ટર અજય દહિયા અને ઉચ્ચ અધિકારીઓ તંત્રના મોનીટરીંગમાં નિમગ્ન રહ્યા હતા.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ સાંજના સમયે ભારે વરસાદ નોંધાયો હતો. સરસપુર, બાપુનગર અને નિકોલ જેવા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં ટ્રાફિક વ્યવસ્થામાં ખલેલ પહોંચ્યો હતો. શહેરના અનેક અંડરબ્રિજોમાં પાણી ભરાતા વાહનવ્યવહાર સ્થગિત થવાની નોબત આવી હતી.
ભુજ શહેરમાં આજે ચોમાસાનું સૌપ્રથમ આગમન જોરદાર વરસાદ સાથે થયું હતું. સવારે 10:10 વાગ્યે મેઘરાજાની એન્ટ્રી થતાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા અને લોકોને ઉકળાટમાંથી રાહત મળી હતી. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગાંગટા ગામે વીજળી પડતાં એક રહેણાંક મકાનને નુકશાન થયું છે. વીજળી સીધી રસોડાની બારી પર પડતાં ધડાકો સંભળાયો હતો અને બારી તૂટી ગઈ હતી. સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર





