સમગ્ર રાજ્યમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે.રાજ્યના મોટાભાગના તમામ વિસ્તારો મધ્યમથી ભારે વરસાદ વરસ્યો ,જુન માસના મધ્યાંતરે સમયસર ચોમાસાનો પ્રારંભ થતા ખેડૂતોમાં આનંદ નો માહોલ છવાયો છે.તો અસહ્ય ઉકળાટ અને ગરમી ત્રસ્ત લોકોએ પણ ઠંડક સાથે રાહત અનુભવી છે.જોકે હમેશની માફક આ વર્ષે પણ પ્રથમ વરસાદેજ તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ છે.
આમ તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસ થી વરસાદી માહોલ છે ,સૌરાષ્ટ્રમાં ધમાકેદાર આગમન બાદ આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહીત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું. ચોમાસાના પ્રારંભ સાથેજ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા ભાવનગર અને બોટાદના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
અમદાવાદમાં ચોમાસાના પ્રથમ દિવસેજ ધોધમાર વરસાદ
રાજ્યના અન્ય વિસ્તારોની સાથે અમદાવાદ શહેરમાં પણ બપોર પછી વાતાવરણ માં પલટો આવ્યો હતો અને વરસાદની શરૂઆત થઇ હતી ..વાદળછાયું વાતાવરણ સર્જાવવા સાથે ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી અને હળવાથી મધ્ય્મ ગતિના વરસાદની શરૂઆત થઇ હતી,કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા,સાંજના સમયે ભારે વરસાદ વરસતા ઓફીસ અને ધંધાના સ્થળો પરથી ઘરે જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ,કેટલાક વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદમાં સંખ્યાબંધ વૃક્ષો ધરાશયી,વીજ કરંટથી એકનું મોત
અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે પડેલા વરસાદ વચ્ચે 15 થી વધુ જગ્યા પર વૃક્ષ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. તો બીજી તરફ ઘી કાંટા વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણી વચ્ચે એક વ્યક્તિને વીજ કરંટ લાગ્યો છે. મોટી હમામની પોળ નજીક વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની વિગતો મળી રહી છે.ઇલેક્ટ્રીક પોલ પાસે પસાર થતા વ્યક્તિને વીજ કરંટ લાગતા મોત નીપજયું છે. સ્થાનિક રહીશો દ્વારા ફાયર બ્રિગેડ, 108 અને કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી. મીઠાખળી અન્ડર પાસમાં વરસાદી પાણી ભરાતા અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી.
સાંજે બોટાદ અને ગઢડામાં સૌથી વધુ વરસાદ
સોમવારે સાંજે ૬ થી ૮ વાગ્યા દરમ્યાન પડેલા વરસાદના આંકડાની પ્રાપ્ત સત્તાવાર વિગતો મુજબ બોટાદના બે તાલુકાઓમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે,બોટાદ જીલ્લાના ગઢડા તાલુકામાં 4 ઇંચ જયારે બોટાદ તાલુકામાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે.સુરતના ઓલપાડમાં 2.48 ઇંચ, જયારે ભરૂચના હાંસોટમાં 2.13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પડેલ સરેરાશ વરસાદના આંકડા જોઈએ તો રાજકોટના વિંછીયામાં બે ઇંચ ,ભાવનગર ના ઉમરાળા,પાલીતાણા અને સુરેન્દ્રનગરના ચોટીલામાં દોઢ ઇંચ થી વધુ ,મહીસાગરના બાલાસિનોર ,રાજકોટના જસદણમાં પણ દોઢ ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો છે,જયારે ખેડાના કપડવંજ,મહુધા અને માતરમાં એક ઇંચ થી વધુ ખેડામાં એક ઇંચ,જુનાગઢના વિસાવદરમાં ૧ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે .જયારે રાજ્યના અન્ય તમામ વિસ્તારોમાં અર્ધા થી એક ઇંચ જેટલો છૂટો છવાયો વરસાદ વરસતા લોકોએ ગરમીથી રાહત અનુભવી છે.






