અમદાવાદ શહેરમાં બુધવારે સાંજ પછી વરસેલા સાંબેલાધાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યુ હતુ. માર વરસાદે માત્ર દોઢથી બે કલાકમાં શહેરના અનેક વિસ્તારોને પાણીપાણી કરી દીધા હતા. મણિનગર, ખોખરા, વસ્ત્રાલ, ઓઢવ, નિકોલ અને ચાંદખેડા જેવા વિસ્તારોમાં 1 થી 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં જળબંબાકાર પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં વરસાદથી જનજીવનને અસર થઈ છે. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું છે, જ્યારે ખોખરા ગુજરાત હાઉસીંગ બોર્ડનાં વિવિધ વિસ્તારમાં ઘરોનાં ઓટલા સુધી પાણી ફરી વળ્યા છે. અનેક સોસાયટી અને ચાલીઓમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા છે. તો ખોખરા થી સીટીએમ સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ થતા રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી હતી.
ધોધમાર વરસાદની વચ્ચે ખારીકટ કેનાલમાથી પાણી નો ધીમો નિકાલ થઈ રહ્યો છે. ગોરના કુવા થી 132 ફુટના અમરાઈવાડી સુધીનો રોડ પાણીમાં ગરકાવ થતા ડિવાઈડર પણ પાણીમાં ડૂબ્યા છે.
ઓફિસથી ઘરે પરત ફરતા અનેક વાહનચાલકો રસ્તાઓ પર જ ફસાઈ ગયા હતા. પાણી ભરાવા કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી, અને કેટલીક જગ્યાએ વાહનો પણ બંધ પડ્યા હોવાનું જોવા મળ્યું છે. મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર ધીમો પડી ગયો હતો અને લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડ્યું હતું.
અગાઉ હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ગુજરાતના મહિસાગર, દાહોદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, દાદરા અને નગર હવેલી, દમણ, વલસાડ જિલ્લાના વિવિધ ભાગોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 30 જૂન સુધી હવામાન વરસાદી રહેવાની ધારણા છે.
હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગર જિલ્લાના વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ખરાબ હવામાન દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે 25 જૂને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.
હવામાન વિભાગે 25 જૂને જ ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે. ભારે વરસાદને કારણે સુરત અને વલસાડ શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં હળવાથી મધ્યમ રસાદની સંભાવના છે. અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ માટે કોંગ્રેસનો 'માસ્ટર પ્લાન'!: સ્થાનિક ચૂંટણી માટે કોંગ્રેસે બહાર પાડ્યો મેનિફેસ્ટો, જાણો શું છે વાયદા





