ગ્લૂ ટ્રેપ અંગે થયેલી પિટિશન મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં આજે હાથ ધરાયેલી સુનાવણી દરમ્યાન હાઇકોર્ટની બેન્ચની દલીલો પ્રત્યે નારાજગી વ્યક્ત કરતાં સરકારની ઝાટકણી કાઢી હતી અને મૌખિક દલીલો કરવાને બદલે ગ્લૂ ટ્રેપ પર પ્રતિબંધનો નક્કર પ્લાન બનાવી હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવા જણાવ્યું હતું, ગ્લૂ ટ્રેપ મુદ્દે વધુ સુનાવણી આગામી શુક્રવારે યોજાશે.
ગ્લુ ટ્રેપના ખરીદ, વેચાણ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ સાથેની પિટિશન પર ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ ડી.એન.રેની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી. સુનવનાઈ આગળ વધતાં હાઇકોર્ટની બેન્ચે સરકારના વલણની ટીકા કરતાં ટકોર કરી હતી કે પ્રતિબંધની અમલવારી રાજ્ય સરકાર કઇ રીતે કરાવશે એ અમને પ્રશ્ન છે. સરકાર પેપર ઉપર જાહેરનામા કરે છે, પરંતુ એનો અમલ પણ થવો જરૂરી છે. આ માટે સરકારે કોઇ નક્કર પ્લાન ઘડવો જોઇએ અને જમીન ઉપર કામ કરતાં કર્મચારી સુધી એને પહોંચાડવો પડે. હવે એનિમલ વેલ્ફેર બોર્ડના મેમ્બર સેક્રેટરી આ મામલે સોગંદનામું કરીને સ્પષ્ટતા કરે, નહીં તો અમે કારણદર્શક નોટિસ પાઠવીશું. આ પ્રકારની ટકોર સાથે હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આગામી શુક્રવારના રોજ રાખી છે.
ગ્લૂ ટ્રેપ પર પ્રતિબંધ મુદ્દે રાજ્ય સરકાર તરફથી બચાવની વ્યાપક કોશિશ કરવામાં આવી હતી. વધુ કેટલાક દિવસ ની મુદ્દત માંગવા સાથે જ પોલીસ એજન્સી થકી કાર્યવાહી માટેની સૂચનાની દલીલ કરવામાં આવી હતી. જેથી હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે આવા મામલે પોલીસની તો કોઇ ભૂમિકા જ ન હોય. આ પ્રેક્ટિકલ શક્ય પણ નથી. શું પોલીસ ખેતરમાં જઇને લોકોને ધમકાવશે? સરપંચ અને સામાજિક કાર્યકર્તાઓની મદદથી કાર્યવાહી કરવી જોઈએ. કોર્ટને સરકારનો રિપોર્ટ નથી જોઇતો પરંતુ નક્કર સમાધાન જોઇએ છે. તમારા જાહેરનામા કોણ વાંચશે એ તો ટેબલ ઉપર પડેલા રહેશે. વાસ્તવમાં પ્રતિબંધ માટેના નિયમોનો અમલ થવો જોઇએ. એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા હજુ સુધી શું પ્લાન ઘડવામાં આવ્યો છે ? આજ સુધી બોર્ડની મીટીંગ જ થઇ નથી. મહેરબાની કરીને મૌખિક રજૂઆતો ન કરો. તમે આ મામલે હાઇકોર્ટના આદેશનો પણ અમલ કરાવતાં નથી અને એને પણ એક વર્ષ જેટલો સમય થઇ ગયો છે. છતાં વધુ સમય માગવામાં આવી રહ્યો છો.
ગ્લૂ ટ્રેપ મુદ્દે શું થઈ છે પિટિશન?
ગુજરાત રાજ્યમાં અને સંપૂર્ણ દેશમાં ગ્લુ ટ્રેપના ઉપયોગ, વેચાણ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધ છે. પ્રિવેન્શન ઓફ ધ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ 1960 અંતર્ગત PETAની અરજી ઉપર ગુજરાત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા પાંચમી સપ્ટેમ્બર 2023ના રોજ પરિપત્ર બહાર પાડીને તેના ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તેના કડક અમલીકરણ માટે આ અરજી કરવામાં આવી છે. ગ્લુ ટ્રેપ પર ઉંદર, ખિસકોલી પક્ષીઓ વગેરે ચોંટી જાય છે. જેથી તેઓ ભૂખ, તરસથી રિબાય છે, તેમનો શ્વાસ રૂંધાય છે, તેઓ તેમાંથી નીકળી ન શકતા તેઓ પોતાના જ અંગોને બચકાં ભરે છે, જેથી ઘાયલ થવાથી તેનું લોહી વહે છે. ખૂબ જ દયનીય રીતે તેમનું મૃત્યુ થાય છે.






