Home Business Hdfc Bank Foreign Investors Sell 35000 Crore Shares Stock Fall

HDFC બેંકમાં ખળભળાટ! : વિદેશી રોકાણકારોએ 35,000 કરોડના શેર વેચ્યા; શું ડૂબી રહ્યો છે બેંકિંગ સેક્ટરનો આ દિગ્ગજ?

HDFC Latest Update
Published by: Viral Patel
Last Updated: Apr 06, 2026, 07:10 AM IST

HDFC Latest Update : બેંકિંગ સેક્ટરના 'પોસ્ટર બોય' ગણાતી HDFC બેંક માટે ગત ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ 2026) કોઈ ખરાબ સ્વપ્નથી ઓછું નથી રહ્યું. એક તરફ શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ (FIIs) બેંકમાંથી પોતાનો હાથ ખેંચવાનું શરૂ કરી દીધું છે. તાજેતરના આંકડા મુજબ, વિદેશી રોકાણકારોએ માર્ચ ક્વાર્ટરમાં HDFC બેંકમાં તેમનો 35,000 કરોડ રૂપિયાનો હિસ્સો વેચી દીધો છે. ચાલો સમજીએ કે આ આક્રમક વેચવાલી પાછળનું અસલી કારણ શું છે અને શું તમારે હજુ પણ આ સ્ટોક પર ભરોસો રાખવો જોઈએ?

આંકડાઓની જુબાની: ભારે વેચવાલીની રમત

વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ડગી રહ્યો હોય તેવું આંકડાઓ પરથી સ્પષ્ટ જણાય છે. FIIsનો હિસ્સો 47.67% થી ઘટીને 44.05% રહી ગયો છે. એટલે કે, અંદાજે 47.95 કરોડ શેર વેચવામાં આવ્યા છે. ડિસેમ્બર 2025માં જ્યાં 2,757 FIIs બેંકમાં રોકાણ ધરાવતા હતા, તે માર્ચના અંત સુધીમાં ઘટીને 2,528 થઈ ગયા છે. આ ક્વાર્ટરમાં બેંકના શેરના ભાવમાં 26.2% નો મોટો ઘટાડો જોવા મળ્યો છે, જે માર્ચ 2020 (લોકડાઉન) પછીનો સૌથી મોટો કડાકો છે.

આ પણ વાંચો: Gold/Silver Rate Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો : સોનું પ્રતિ 10 ગ્રામ ₹1.49 લાખ, ચાંદી પણ સસ્તી; જાણો વિવિધ શહેરોના ભાવ

કેમ ડરેલા છે રોકાણકારો?

આ વેચવાલી પાછળ કોઈ એક નહીં પણ અનેક કારણો જવાબદાર છે. ચેરમેન અતનુ ચક્રવર્તીનું અચાનક રાજીનામું સૌથી મોટો ફટકો સાબિત થયું. તેમણે રાજીનામામાં ગત બે વર્ષની કેટલીક એવી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો જે તેમના મૂલ્યો સાથે સુસંગત નહોતી. આ બાબતે બેંકના કોર્પોરેટ ગવર્નન્સ (આંતરિક વહીવટ) પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સેબી (SEBI) અત્યારે ચેરમેનના રાજીનામાના પત્રની સમીક્ષા કરી રહી છે. અગાઉ RBI દ્વારા ક્રેડિટ કાર્ડ બિઝનેસ પર રોક અને HDFC લિમિટેડ સાથેના મર્જર બાદ માર્જિન પર પડી રહેલા દબાણે રોકાણકારોને ચિંતિત કર્યા છે. બોન્ડ સેલ્સમાં કર્મચારીઓનું ગેરવર્તન અને એડિશનલ ટિયર 1 (AT1) બોન્ડના ખોટા વેચાણ (Mis-selling) ના આરોપોએ પણ બેંકની છબીને નુકસાન પહોંચાડ્યું છે.

ઘરેલું રોકાણકારોનો 'ફેવિકોલ' જેવો અતૂટ વિશ્વાસ

જ્યાં વિદેશી રોકાણકારો ભાગી રહ્યા છે, ત્યાં ભારતીય રોકાણકારોએ મોરચો સાંભળ્યો છે. સ્થાનિક રોકાણકારોએ સતત 5માં ક્વાર્ટરમાં પોતાનો હિસ્સો વધાર્યો છે અને 28,293 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. પ્રોવિડન્ટ ફંડ અને ઇન્શ્યોરન્સ સેક્ટરમાં પણ અનુક્રમે ₹2,239 કરોડ અને ₹256 કરોડનું રોકાણ થયું છે. જોકે, LIC એ આ સમયગાળા દરમિયાન ₹969 કરોડના શેર વેચ્યા છે.

આ પણ વાંચો: 480% ડિવિડેન્ડ આપશે Sanofi India : જાણો રેકોર્ડ ડેટ અને સંપૂર્ણ વિગતો

શું અત્યારે ખરીદવાની તક છે?

બજારના નિષ્ણાતો માને છે કે આ માત્ર એક હંગામી તબક્કો છે અને ટૂંક સમયમાં બેંક ફરી રિકવરી કરશે. પરંતુ, રિટેલ રોકાણકારો માટે સલાહ એ છે કે જ્યાં સુધી ગવર્નન્સ (વહીવટ) ને લગતા વિવાદો પૂરી રીતે સ્પષ્ટ ન થઈ જાય, ત્યાં સુધી આ સ્ટોકમાં મોટું રોકાણ કરતા પહેલા સાવચેતી રાખવી અને યોગ્ય નાણાકીય સલાહકારની મદદ લેવી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now