Gujarat Government: રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે દાહોદ જિલ્લાના છાપરી, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તથા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું. ભગવાન બિરસામુંડાના ગૌરવશાળી જયઘોષ સાથે સંબોધનની શરૂઆત કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ૧૮૫૭ના સ્વતંત્રતા સંગ્રામથી લઈને દેશના વિકાસમાં આદિવાસી સમાજનું યોગદાન અતુલનીય છે. ગેરિલા યુદ્ધ પદ્ધતિ અને તિરકામઠાના જોરે અંગ્રેજોને ફાફા પડાવનાર આ વીર આદિવાસી શહીદોના સપનાઓને આઝાદી પછીની કોંગ્રેસ સરકારોએ સાકાર કરવાને બદલે માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરી તોડવાનું પાપ કર્યું છે.
તેમણે કહ્યું કે, આદિવાસીઓનો ભવ્ય ઇતિહાસ અને યોગદાન દેશ ભુલી જાય તેવા પ્રયાસો કોંગ્રેસે કર્યા, આજે એ જ કોંગ્રેસ આદિવાસીઓના મસીહા બનવાનો ઢોંગ કરી રહી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદિવાસી વિસ્તારના ગરીબ પરિવારોને ઝૂંપડા અને તાડપત્રીમાંથી બહાર લાવી પાકા ઘર, ગેસ કનેક્શન, વીજળી અને શૌચાલય જેવી સુવિધાઓ આપી સાચો વિકાસ કર્યો છે.
સંઘવીએ કોંગ્રેસની નીતિઓ પર આકરા પ્રહાર કરતા ઉમેર્યું કે, ખેડૂતોના હક્કની કટકી કરી નેતાઓના ઘર ભરનારી કોંગ્રેસે ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતા કોંગ્રેસના પંજાને ઉખેડી ફેંકવા તથા અન્ય પક્ષોનો પણ સફાયો કરવા હાકલ કરતા તેમણે જણાવ્યું કે, જનતાના આક્રોશને કારણે આજે કોંગ્રેસને ઉમેદવારો પણ મળતા નથી. ગુજરાતની જનતાએ વિરોધ પક્ષોની મેલી મુરાદ પારખી લીધી છે. કોંગ્રેસને અને અન્ય પક્ષને પૂરતા ઉમેદવાર પણ નથી મળતા રાજ્યમાં અનેક બેઠકો બિનહરીફ થઈ છે. ચૂંટણી પહેલા ગતકડાં ચાલુ કરનાર અને ઈવીએમ પર દોષારોપણ કરનાર કોંગ્રેસના કાર્યાલયો આજે ખાલીખમ છે અને લોકોએ તેમને નકારી દીધા છે.
તેમણે કહ્યું કે, એક સમય હતો જ્યારે દાહોદના નાગરિકોને માત્ર શ્રમિક તરીકે ઓળખવામાં આવતા, પરંતુ ભાજપ સરકાર આવ્યા બાદ જિલ્લામાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મોટાપાયે વિકાસ થયો છે. આજે દાહોદમાં મેડિકલ કોલેજો અને નવી શાળાઓને કારણે આદિવાસી યુવાનો ડોક્ટર, એન્જિનિયર અને અધિકારી બની રહ્યા છે. દાહોદ જિલ્લામાં ૧૧ લાખથી વધુ આયુષ્માન કાર્ડ ધારકો મફત સારવાર મેળવી રહ્યા છે, જ્યારે અઢી લાખ પરિવારોના ખાતામાં તેમને મળવા પાત્ર યોજનાની સહાય સીધી ખાતામાં જમા થઈ રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વિનામૂલ્યે રાશન અને લાખો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી મોદી સરકારે ગરીબોની ચિંતા કરી છે.
આ પણ વાંચો: ભાજપના ઉદયનું કેન્દ્ર 'ખાડિયા' હવે ભાજપ માટે જ પડકાર? : જાણો ચૂંટણીમાં બદલાતું રાજકીય સમીકરણ
સંઘવીએ ટપોરી અને ગુંડા તત્વોને પ્રોત્સાહન આપી ગુજરાતમાં અશાંતિ અને અરાજકતા ફેલાવતા વિરોધ પક્ષોનો સફાયો કરી, દરેક બેઠક પર ભાજપાને આશીર્વાદ આપી કમળ ખીલવી ભાજપને વિજયી બનાવવા મતદારોને આહ્વાન કર્યું હતું. ઉપરોક્ત જાહેરસભાઓમાં પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ જયદ્રથસિંહ પરમાર, પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ ગણપત વસાવા, દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ સ્નેહલ ધરિયા, પંચમહાલ જિલ્લા ભાજપા અધ્યક્ષ મયંક દેસાઇ, છોટાઉદેપુર ભાજપા જિલ્લા પ્રમુખ ઉમેશ રાઠવા સહિત ધારાસભ્યઓ, સિનિયર આગેવાનો, અગ્રણીઓ તથા વિશાળ સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યાં હતાં.





