Ahmedabad: ગુજરાતના રાજકારણમાં 'બિનહરીફ' જીતનો સિલસિલો હવે એક નવી ઊંચાઈએ પહોંચ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે એટલે કે 15 એપ્રિલના રોજ જે આંકડા સામે આવ્યા છે, તેણે સૌને ચોંકાવી દીધા છે. ગુજરાતની રાજનીતિમાં ક્યારેય ના સર્જાયો હોય તેવો રેકોર્ડ આ વખતે નોંધાયો છે. પક્ષના ઈતિહાસમાં પહેલીવાર 700 જેટલી બેઠકો બિનહરીફ જીતીને ભાજપે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. આ સાથે જ ગુજરાતની રાજનીતિના ચાણ્કય ગણાતા સીઆર પાટિલ કરતા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સવાયા નીકળ્યા છે. પાર્ટીએ તેમને જે જવાબદારી સોંપી હતી, તેમાં જગદીશ વિશ્વકર્મા 100 ટકા સફળ થયા હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે.
પહેલા જ બોલે 'છગ્ગો': પાટીલનો રેકોર્ડ તૂટ્યો?
વર્ષ 2021માં જ્યારે સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ હતા, ત્યારે સ્થાનીય સ્વરાજની ચૂંટણીમાં કુલ 221 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા, જેમાંથી 220 ભાજપના હતા. તેની સરખામણીએ 2026માં જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં આ આંકડો સીધો 700 પર પહોંચ્યો છે. વિશ્વકર્માએ આને એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે. જોકે, રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શું આ માત્ર સંગઠનની શક્તિ છે કે પછી વિપક્ષની નબળાઈ?
આ પણ વાંચો: ભાજપના ઉદયનું કેન્દ્ર 'ખાડિયા' હવે ભાજપ માટે જ પડકાર? : જાણો ચૂંટણીમાં બદલાતું રાજકીય સમીકરણ
ચૂંટણીના આંકડા અને ગણિત
રાજ્યની કુલ 404 સ્થાનિક સંસ્થાઓની આશરે 10005 બેઠકો માટે અત્યારે જંગ જામ્યો છે. જેમાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશન, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુલ 32 હજારથી વધુ ફોર્મ ભરાયા હતા, જેમાંથી 1500થી વધુ ઉમેદવારોએ નામ પાછા ખેંચ્યા છે. આ મોટા પાયે ફોર્મ પરત ખેંચાવાને કારણે જ બિનહરીફ જીતનો આંકડો આટલો ઊંચો ગયો હોવાનું માનવામાં આવે છે. પ્રદેશ પ્રવક્તા ડો. અનિલ પટેલના જણાવ્યા મુજબ, હજુ ફાઈનલ 'બ્રેક-અપ' આવતા આ આંકડો વધી પણ શકે છે.
ભૌગોલિક ચિત્ર: ક્યાં ભાજપ મજબૂત, ક્યાં ટક્કર?
બિનહરીફ જીતનો સૌથી વધુ પ્રભાવ દક્ષિણ ગુજરાતમાં, ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડમાં જોવા મળ્યો છે, જ્યાં વિરોધ પક્ષના ઉમેદવારો જ જડતા નથી. બીજી તરફ, મધ્ય ગુજરાતના શહેરો જેવા કે અમદાવાદ અને વડોદરામાં સીધી ટક્કર છે, જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ ભાજપ, કોંગ્રેસ અને સ્થાનિક ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે.
લોકશાહી કે દબાણનું રાજકારણ?
જ્યાં ભાજપ આને પોતાની લોકપ્રિયતા ગણાવે છે, ત્યાં કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે તેમના ઉમેદવારોને દબાણ હેઠળ લાવીને અથવા 'અપહરણ' કરીને ફોર્મ ખેંચાવાયા છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે હવે જીત મતદાનના દિવસે નહીં, પણ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન જ નક્કી થઈ જાય છે. જાણીતા પત્રકાર રોનક પટેલના મતે, ચૂંટણીમાં સ્પર્ધાનું ઘટવું એ લોકશાહી માટે ચિંતાનો વિષય છે. વર્ષ 2021ના 220થી વધીને 2026માં 700 સુધી પહોંચેલો બિનહરીફ બેઠકોનો આંકડો એ સાબિત કરે છે કે ગુજરાતમાં ચૂંટણી હવે એકતરફી બની રહી છે. જગદીશ વિશ્વકર્માએ ભલે પાટીલનો રેકોર્ડ તોડ્યો હોય, પણ ખરી કસોટી તો બાકી રહેલી બેઠકો પરના પરિણામો અને જનતાના મિજાજ પરથી જ નક્કી થશે.





