Home Gujarat Vadodara Dabhoi Election Form Withdrawal Clash Congress Bjp Vadodara

ડભોઈમાં ફોર્મ પરત ખેંચવા મુદ્દે ધીંગાણું : ફોર્મ ખેંચવા બાબતે થયેલી બબાલમાં કોંગ્રેસ પ્રમુખ સહિત 7 સામે એટ્રોસિટી હેઠળ ગુનો

ડભોઈ તાલુકા પંચાયત કચેરી પાસે કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે અથડામણ
Published by: Viral Patel
Last Updated: Apr 16, 2026, 12:52 PM IST

Dabhoi Atrocity Case: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલમાં રાજકીય ગરમાવો હવે તેની ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે જે રીતે દાવપેચ ખેલાયા, તેણે અનેક વિસ્તારોમાં વિવાદની સ્થિતિ પેદા કરી છે. વડોદરાના ડભોઈમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું, જ્યાં કુંઢેલા બેઠકના ઉમેદવારના ફોર્મ ખેંચવા બાબતે થયેલી જૂથ અથડામણ હવે પોલીસ મથકે પહોંચી છે.

શું છે સમગ્ર મામલો?

16 એપ્રિલ એટલે કે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે, ડભોઈ તાલુકા પંચાયતની કુંઢેલા સીટ પરના 'આપ' (AAP) ના ઉમેદવાર મુળજીભાઈ વસાવા પોતાનું ફોર્મ પરત ખેંચવા ગયા હતા. આ સમયે ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકરો મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડ્યા હતા. એક તરફ પક્ષો ચૂંટણી લડ્યા વગર જીતવાના પ્રયાસો કરી રહ્યા હતા, તો બીજી તરફ આ ગોઠવણો વચ્ચે વાત વણસી હતી અને ત્રણેય પક્ષોના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.

કોંગ્રેસ પ્રમુખ સહિત સાત સામે ગુનો દાખલ

આ હિંસક બબાલમાં ફરિયાદી મુળજીભાઈ વસાવાની ફરિયાદને આધારે પોલીસે ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત કુલ 7 લોકો સામે નામજોગ ગુનો નોંધ્યો છે. જેમાં નીચે મુજબના વ્યક્તિઓનો સમાવેશ થાય છે..

  • સુધીર બારોટ (તાલુકા કોંગ્રેસ પ્રમુખ, રહે. સાંઠોદ)

  • રાકેશ પટેલ (રહે. રાજલી)

  • અંકિત બ્રહ્મભટ્ટ (રહે. થુવાવી)

  • કમલ બારોટ (રહે. ડભોઈ ટાઉન)

  • અક્ષય બારોટ (રહે. સાંઠોદ)

  • અજય બારોટ (રહે. સાંઠોદ)

  • દિલીપ પટેલ (રહે. કુંઢેલા)

જાતિવિષયક અપમાન અને ધમકીના આક્ષેપો

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, જ્યારે મુળજીભાઈ પોતાની સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચવા ગયા ત્યારે ઉપરોક્ત શખસોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આક્ષેપ છે કે આરોપીઓએ "તેં તારી જાત બતાવી દીધી છે" જેવા જાતિવિષયક અપમાનજનક શબ્દો કહી જાહેરમાં અપમાનિત કર્યા હતા. વધુમાં, ગેરકાયદે મંડળી રચીને ફરિયાદીને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પણ વિગતો સામે આવી છે. આ ઝપાઝપી અને ધક્કામુક્કીના પગલે પોલીસે એટ્રોસિટી એક્ટ (SC/ST Act) તેમજ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

રાજકારણમાં ગરમાવો

ચૂંટણી પહેલા જ આ પ્રકારની કાયદાકીય કાર્યવાહીને પગલે ડભોઈના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મારામારી બંને પક્ષો વચ્ચે થઈ હોવા છતાં ફરિયાદ માત્ર એક જ પક્ષ સામે કેમ નોંધાઈ, તે પણ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ એટ્રોસિટીની ફરિયાદ આગામી ચૂંટણીના પરિણામો પર કેવી અસર પાડે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now