Home National Hardeep Singh Puri India Lockdown Petrol Diesel Price Update

લોકડાઉન, LPG શોર્ટેજ, ભાવવધારો... : પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યા તમામ જવાબ

હરદીપ સિંહ પૂરી
Image Credit: X @HardeepSPuri
Published by: Chintan Chavda
Last Updated: May 12, 2026, 10:56 AM IST

પશ્ચિમ એશિયા એટલે કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક અસ્થીરતાના માહોલ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત, ભાવવધારો અને ફરી લોકડાઉનની શક્યતાઓ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટતા કરી છે કે દેશમાં હાલ કોઈ લોકડાઉન લાગવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

CII સમિટ દરમિયાન હરદીપ પુરીએ કહ્યું કે સોશિયલ મીડિયા અને કેટલાક વર્તુળોમાં ફેલાતી અફવાઓનો કોઈ વાસ્તવિક આધાર નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “આવતીકાલે કોઈ લોકડાઉન લાગવાનું નથી. આવી તમામ વાતો માત્ર મિથક છે અને તેની હકીકત સાથે કોઈ લેવાદેવા નથી.”

ભારત પાસે પૂરતો તેલ અને ગેસનો જથ્થો

કેન્દ્રિય મંત્રીએ દેશની ઊર્જા સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે વૈશ્વિક તણાવ છતાં ભારત પાસે હાલમાં પૂરતો તેલ અને ગેસનો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાય ચેઇન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

તેમણે આંકડાઓ સાથે જણાવ્યું કે દેશ પાસે હાલમાં લગભગ 60 દિવસ ચાલે એટલો ક્રૂડ ઓઈલનો જથ્થો ઉપલબ્ધ છે. ઉપરાંત LNG નો પણ 60 દિવસનું બેકઅપ છે, જ્યારે LPG એટલે કે ઘરેલું રસોઈ ગેસનો આશરે 45 દિવસનો સ્ટોક ઉપલબ્ધ છે.

હરદીપ પુરીએ વધુમાં જણાવ્યું કે ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના 90 દિવસના ધોરણ સામે ભારત પાસે હાલ કુલ 76 દિવસનું ઊર્જા ભંડાર છે. સરકારે ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ સ્ટોકને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ કામગીરી શરૂ કરી છે.

LPG સપ્લાયને લઈને સરકારનું મોટું પગલું

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે હોર્મુઝ જળમાર્ગ પર અસર થવાની શક્યતાઓ વચ્ચે સરકારે પહેલેથી જ સાવચેતીના પગલાં લીધા હોવાનું પણ મંત્રીએ જણાવ્યું.

તેમણે કહ્યું કે યુદ્ધ પહેલા ભારતની આશરે 60 ટકા LPG સપ્લાય હોર્મુઝ જળમાર્ગ મારફતે આવતી હતી. પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશમાં ઘરેલું ઉત્પાદન ક્ષમતા વધારવામાં આવી છે.

ભારતે LPG નું ઉત્પાદન 36,000 મેટ્રિક ટનથી વધારીને 54,000 મેટ્રિક ટન સુધી પહોંચાડ્યું છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે દેશમાં ક્યાંય પણ ગેસ અથવા તેલની અછત નથી અને સામાન્ય નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.

ચાર વર્ષથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર

પેટ્રોલ અને ડીઝલના ભાવોને લઈને પણ હરદીપ પુરીએ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષથી સરકારે સામાન્ય નાગરિકો પર વધારાનો બોજો ન આવે તે માટે પેટ્રોલના ભાવોમાં વધારો કર્યો નથી.

તેમણે યાદ અપાવ્યું કે 2022 પછી અનેક ચૂંટણી આવી ગઈ, પરંતુ તે દરમિયાન પણ ઇંધણના ભાવોમાં વધારો કરવામાં આવ્યો નહોતો. તેમણે કહ્યું કે દુનિયાના અન્ય ઘણા દેશોમાં તેલના ભાવમાં મોટો વધારો થયો છે, છતાં ભારત સરકારે તેની સીધી અસર જનતા પર થવા દીધી નથી.
અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલની પત્નીના મોત કેસે લીધું ઉગ્ર સ્વરૂપ: કમિશનર કચેરીએ ટોળું ઊમટ્યું, ઉચ્ચારી ધરણાંની ચીમકી

તેલ કંપનીઓને ભારે નુકસાન

કેન્દ્રિય મંત્રીએ સ્વીકાર્યું કે ભાવ સ્થિર રાખવાના નિર્ણયથી સરકારી તેલ કંપનીઓને ભારે આર્થિક દબાણ સહન કરવું પડી રહ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ આશરે 1,000 કરોડ રૂપિયાનું નુકસાન ભોગવી રહી છે.

આ અંદાજિત અન્ડર-રીકવરી હવે લગભગ 1.98 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હોવાનું તેમણે જણાવ્યું. તેમ છતાં સરકારે સામાન્ય લોકો પર વધારાનો આર્થિક ભાર ન મૂકવાનો નિર્ણય લીધો છે.

હરદીપ પુરીએ કહ્યું કે હાલની વૈશ્વિક પરિસ્થિતિ ભારત માટે પડકારરૂપ છે, પરંતુ દેશે આ સંજોગોને તકમાં ફેરવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ઉમેર્યું કે ભારત આજે વિશ્વનો ત્રીજો સૌથી મોટો રિફાઈનર અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો ચોથો સૌથી મોટો નિકાસકાર બની ગયો છે.
ધોરણ 10-12માં નાપાસ થયોલાં વિદ્યાર્થીઓ જૂનમાં આપી શકેશે પરીક્ષા: જાણો ક્યારે ભરાશે ફોર્મ

જીવનશૈલીમાં ફેરફારની જરૂર પડી શકે

મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે જો વૈશ્વિક યુદ્ધ અને અસ્થીરતા લાંબા સમય સુધી ચાલુ રહેશે તો લોકોને જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કરવા અંગે વિચારવું પડી શકે છે.

તેમણે કહ્યું કે સરકારે હાલની પરિસ્થિતિ પર સતત નજર રાખી છે અને દેશના ઊર્જા હિતોને સુરક્ષિત રાખવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
સુરતમાં ગરમીના કારણે 28 વર્ષીય યુવકનું મોત!: "હજુ પણ વધશે ગરમી..." અંબાલાલ પટેલે કરી 'માથું ફાડતી' આગાહી

અફવાઓ વચ્ચે સરકારે આપ્યો વિશ્વાસનો સંદેશ

તાજેતરના દિવસોમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ-ડીઝલની અછત, LPG સપ્લાયમાં ખલેલ અને ફરી લોકડાઉનની શક્યતાઓ અંગે અનેક અફવાઓ ફેલાઈ રહી હતી. હરદીપ પુરીના નિવેદન બાદ સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દેશમાં હાલ પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને સપ્લાય ચેઇન પર કોઈ તાત્કાલિક જોખમ નથી.

સરકારે લોકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ પણ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now