Gurugram Crime News : હરિયાણાના ગુરુગ્રામમાંથી સંબંધોને ઝંઝોડીને મૂકી દે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના સેક્ટર-55 વિસ્તારમાં એક 25 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે પોતાની ગર્લફ્રેન્ડની ચાકૂના ઘા મારી હત્યા કર્યા બાદ ટ્રેન સામે કૂદીને જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બંનેના મોત બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ તમામ પાસાઓથી કેસની તપાસ કરી રહી છે. મૃતક યુવકની ઓળખ છત્તીસગઢના ભિલાઈના રહેવાસી શ્રેષ્ઠ મલિક તરીકે થઈ છે, જ્યારે મૃતક યુવતીની ઓળખ ઉત્તર પ્રદેશના સીતાપુરની રહેવાસી ઇશારા આયુબી તરીકે થઈ છે. બંનેની ઉંમર 25 વર્ષ હતી અને બંને ગુરુગ્રામની એક ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતાં હતા. પોલીસના જણાવ્યા મુજબ બંને પ્રેમ સંબંધમાં હતા અને ઘટનાના માત્ર ત્રણ દિવસ પહેલાં જ ઇશારા શ્રેષ્ઠ મલિકના સેક્ટર-55 સ્થિત પીજી આવાસમાં રહેવા આવી હતી.
પરિવારના ફોન બાદ ખુલ્યો સમગ્ર મામલો
આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે ઇશારાના પરિવારજનોએ તેને અનેક વખત ફોન કર્યા છતાં કોઈ જવાબ મળ્યો નહીં. પરિવારજનોને શંકા જતાં તેમણે તેની ઓફિસમાં સંપર્ક કર્યો, જ્યાંથી જાણવા મળ્યું કે તે કામ પર પણ પહોંચી નહોતી. ત્યારબાદ પરિવારજનો ગુરુગ્રામ પોલીસનો સંપર્ક કરીને યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે ઇશારાના મોબાઇલ ફોનનું લોકેશન ટ્રેસ કર્યું, જે સેક્ટર-55 વિસ્તારમાં આવેલા એક પીજી સુધી પહોંચતું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે રૂમ બહારથી બંધ હતો. તાળું તોડીને અંદર પ્રવેશતા ફ્લોર પર લોહીથી લથપથ હાલતમાં ઇશારાનો મૃતદેહ મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેના ગળા અને શરીર પર ધારદાર હથિયારથી કરાયેલા અનેક ઘાના નિશાન મળી આવ્યા હતા.
આ પણ ખાસ વાંચો : રામ મંદિર ટ્રસ્ટે બહાર પાડી CEOની ભરતી : ઉંમરથી લઈને લાયકાત સુધી જાણો તમામ વિગતો
હત્યા બાદ રેલવે ટ્રેક પર મળી આરોપીની લાશ
પોલીસ ઘટનાસ્થળની તપાસ કરી રહી હતી ત્યારે જ રેલવે પોલીસ (GRP) તરફથી ગુરુગ્રામના ગર્હી રેલવે સ્ટેશન નજીક એક યુવકે ટ્રેન સામે કૂદીને જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી મળી. તપાસમાં મૃતકની ઓળખ શ્રેષ્ઠ મલિક તરીકે થઈ હતી. બંને ઘટનાઓને જોડીને પોલીસે પ્રાથમિક તારણ કાઢ્યું કે યુવતાની હત્યા કર્યા બાદ શ્રેષ્ઠ મલિક સીધો રેલવે સ્ટેશન પહોંચ્યો હતો અને ટ્રેન સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું. રેલવે ટ્રેક પરથી મળેલા મૃતદેહ અને પીજીમાંથી મળેલા પુરાવાઓના આધારે પોલીસે બંને કેસને એકબીજા સાથે જોડીને તપાસ શરૂ કરી છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.
ફોરેન્સિક તપાસ અને ડિજિટલ પુરાવા પર ભાર
ગુરુગ્રામ પોલીસ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી લોહીના નમૂનાઓ સહિત વિવિધ પુરાવા એકત્ર કર્યા છે. પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. બંનેના મોબાઇલ ફોન, કોલ ડિટેલ રેકોર્ડ (CDR), વોટ્સએપ ચેટ્સ અને અન્ય ડિજિટલ પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. સેક્ટર-56 પોલીસ સ્ટેશનના SHO ઇન્સ્પેક્ટર મનોજ કુમારે જણાવ્યું કે બંને વચ્ચેના સંબંધોની પ્રકૃતિ અને આ ઘટનાની પાછળનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. હાલ કોઈ નિશ્ચિત કારણ અંગે પોલીસ તરફથી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ પણ ખાસ વાંચો : ખાન સરને મોટી રાહત : કોચિંગ સેન્ટર ફાયરિંગ કેસમાં પટના કોર્ટમાંથી મળ્યા આગોતરા જામીન
સંબંધ, હત્યા અને તપાસના સવાલો
પ્રાથમિક તપાસમાં બંને પ્રેમ સંબંધમાં હોવાનું સામે આવ્યું છે, પરંતુ હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસ સંબંધોમાં કોઈ વિવાદ, વ્યક્તિગત મતભેદ કે અન્ય પરિસ્થિતિઓ હતી કે નહીં તે સહિત તમામ સંભવિત દિશામાં તપાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એક વખત વ્યક્તિગત સંબંધોમાં ઊભા થતા ગંભીર વિવાદો અને તેના દુઃખદ પરિણામો અંગે ચર્ચા જગાવી છે. જોકે, આ કેસમાં તપાસ હજુ ચાલુ હોવાથી કોઈપણ કારણ અંગે અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું વહેલું ગણાશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક વિશ્લેષણ અને ડિજિટલ પુરાવાના આધારે આગામી દિવસોમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.






