Ram Mandir CEO Vacancy: અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર સાથે જોડાયેલા દાનચોરીના વિવાદ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરના મુખ્ય વહીવટી તંત્રને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટ્રસ્ટ દ્વારા મંદિર માટે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO)ની ભરતી જાહેર કરવામાં આવી છે. આ પદ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે, જે મંદિરના દૈનિક વહીવટ, નાણાકીય વ્યવસ્થા અને સમગ્ર સંચાલનની જવાબદારી સંભાળી શકે. ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ અરજી કરવાની છેલ્લી તારીખ 18 જુલાઈ 2026ના રોજ સાંજે 4 વાગ્યા સુધી નક્કી કરવામાં આવી છે. અરજદારોને ઈ-મેલ મારફતે અરજી કરવાની રહેશે. આ ભરતી પ્રક્રિયામાં માત્ર શૈક્ષણિક લાયકાત જ નહીં, પરંતુ અનુભવ, વહીવટી ક્ષમતા અને ધાર્મિક પ્રતિબદ્ધતા જેવા અનેક મહત્વપૂર્ણ માપદંડોને પણ ધ્યાનમાં લેવામાં આવશે.
CEOની જવાબદારી શું રહેશે?
રામ મંદિરના CEO મંદિરના દૈનિક વહીવટી કામકાજનું સંચાલન કરશે. સાથે જ મંદિરની નાણાકીય વ્યવસ્થા, કર્મચારીઓના સંકલન, વિવિધ વિભાગો વચ્ચે સુમેળ અને વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણની જવાબદારી પણ તેમની રહેશે. ટ્રસ્ટના નોટિફિકેશન અનુસાર CEO સીધા જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરીને રિપોર્ટ કરશે. તેમના વેતન અને અન્ય સુવિધાઓ અંગે અંતિમ નિર્ણય પસંદગી બાદ પરસ્પર ચર્ચા કરીને લેવામાં આવશે.
કોણ કરી શકશે અરજી?
ટ્રસ્ટે CEO પદ માટે કેટલીક કડક લાયકાતો નક્કી કરી છે. અરજી કરનાર ઉમેદવારની ઉંમર 50થી 70 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. તે ઉપરાંત ઉમેદવાર પાસે કોઈ મોટા સરકારી વિભાગ, જાહેર સંસ્થા, પ્રતિષ્ઠિત કંપની અથવા મોટી સંસ્થામાં ઓછામાં ઓછો 20 વર્ષનો વહીવટી અથવા મેનેજમેન્ટનો અનુભવ હોવો ફરજિયાત છે. શૈક્ષણિક લાયકાત તરીકે માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછી સ્નાતક (Bachelor's Degree) ફરજિયાત રાખવામાં આવી છે.
ધાર્મિક પ્રતિબદ્ધતાને પણ અપાયું મહત્વ
આ ભરતીની સૌથી વિશેષ બાબત એ છે કે ટ્રસ્ટે ધાર્મિક પ્રતિબદ્ધતાને પણ મહત્વ આપ્યું છે. નોટિફિકેશન મુજબ અરજી કરનાર ઉમેદવાર સનાતન હિંદુ હોવો જોઈએ અને નિયમિત રીતે ધાર્મિક પૂજા-અર્ચના કરતો હોવો જરૂરી છે. ઉપરાંત વૈષ્ણવ પરંપરા સાથે જોડાયેલા અને શ્રીરામ ભક્તિ સાથે સંકળાયેલા ઉમેદવારોને પસંદગી પ્રક્રિયામાં પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત ઉમેદવારને હિન્દી અને અંગ્રેજી બંને ભાષાનું સારું જ્ઞાન હોવું આવશ્યક છે.
નિવૃત્ત અધિકારીઓને મળશે પ્રાથમિકતા
ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે, જે ઉમેદવારો અગાઉ કોઈ મંદિર અથવા હિંદુ ધાર્મિક સંસ્થામાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે સેવા આપી ચૂક્યા હશે અથવા નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓ હશે તેમને પસંદગીમાં વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. ટ્રસ્ટનું માનવું છે કે, ધાર્મિક સંસ્થાના સંચાલનનો અનુભવ ધરાવતા અધિકારીઓ મંદિરના વહીવટને વધુ અસરકારક રીતે સંભાળી શકશે.
CEOની પસંદગી માટે રચાઈ ત્રણ સભ્યોની કમિટી
આ ભરતી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે ટ્રસ્ટે ત્રણ સભ્યોની વિશેષ સર્ચ કમિટીની રચના કરી છે. આ કમિટીમાં નિવૃત્ત ન્યાયાધીશ પ્રદીપ કોહલી, નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ વિષ્ણુકાંત ચતુર્વેદી અને શિરડી સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ સુરેશ હાવરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી તમામ અરજીઓની ચકાસણી કરશે, લાયક ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેશે અને અંતિમ તબક્કામાં શ્રેષ્ઠ ત્રણ ઉમેદવારોનાં નામ ટ્રસ્ટ સમક્ષ રજૂ કરશે. ત્યારબાદ ટ્રસ્ટ એક ઉમેદવારની CEO તરીકે નિમણૂક કરશે.
આ પણ વાંચો: રામ મંદિરના દાન ચોરી કેસ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી : તપાસ અંગે આવી શકે છે મોટો નિર્ણય
દાનચોરી વિવાદ બાદ લેવામાં આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય
તાજેતરમાં રામ મંદિરના દાનના સંચાલન અને કથિત ગેરરીતિઓને લઈને વિવાદ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે મંદિરના વહીવટી માળખાને વધુ મજબૂત અને પારદર્શક બનાવવા ટ્રસ્ટે CEOની નિમણૂક કરવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટના હોદ્દેદારોએ જણાવ્યું છે કે, નવી નિમણૂકથી મંદિરના વહીવટ, નાણાકીય વ્યવસ્થા અને પ્રશાસનિક કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે.
અરજી કેવી રીતે કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર ઈ-મેલ સરનામા પર પોતાની અરજી મોકલી શકશે. અરજી સાથે જરૂરી દસ્તાવેજો, અનુભવના પુરાવા અને અન્ય માહિતી પણ રજૂ કરવાની રહેશે.
અરજી કરવાની અંતિમ તારીખ 18 જુલાઈ 2026, સાંજે 4 વાગ્યા સુધી નક્કી કરવામાં આવી છે.





