Home Gujarat Vadodara Gurugram Gold Coin Fraud Gujarati Gang Arrested

બોલીવુડ સુધી છેતરપિંડી, અભિનેત્રી સાથે લગ્ન અને ગુજરાતની ચુંટણી... : વડોદરાના યુવકની ગેંગનો ભાંડો ફૂટ્યો

નકલી સોનાના સિક્કા કેસમાં પકડાયેલા આરોપી
Published by: Chintan Chavda
Last Updated: Apr 17, 2026, 05:11 AM IST

ગુરુગ્રામ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક એવી હાઈ-પ્રોફાઈલ છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે જેની કડીઓ છેક ગુજરાતના વડોદરાથી લઈને બોલીવુડની ગલીઓ સુધી જોડાયેલી છે. 'સસ્તા સોના'ની લાલચ આપીને ભલભલા બુદ્ધિશાળીઓને પોતાની જાળમાં ફસાવનારી આ ગેંગનો માસ્ટરમાઇન્ડ ગુજરાતી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ માત્ર આર્થિક ગુનો નથી, પરંતુ 25 વર્ષથી ચાલતું એક સુનિયોજિત નેટવર્ક છે, જેણે સામાન્ય મજૂરથી લઈને ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજોને પણ શિકાર બનાવ્યા છે.

ઓપરેશન ગુરુગ્રામ: કરોડોની રોકડ અને સોનું જપ્ત

હરિયાણાના ગુરુગ્રામમાં પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. આ ઓપરેશનમાં વડોદરાના રહેવાસી પ્રભુભાઈ સોલંકી (ઉર્ફે કલ્પેશ, ઉર્ફે રવિ) અને તેના ત્રણ સક્રિય સાથીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી ₹2.30 કરોડની રોકડ અને અંદાજે 678 ગ્રામ અસલી સોનું જપ્ત કરવામાં આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ સેક્ટર-43ની ટીમે આ સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું.

મોડસ ઓપરેન્ડી: મજૂરનો વેશ અને મનોવૈજ્ઞાનિક ખેલ

આ ગેંગની કામ કરવાની પદ્ધતિ ફિલ્મી વાર્તા જેવી છે. મુખ્ય આરોપી પ્રભુ પોતે અબજોપતિ હોવા છતાં, શિકાર શોધતી વખતે અત્યંત ગંદા કપડાં પહેરીને 'ગરીબ મજૂર' અથવા 'બુલડોઝર ઓપરેટર'નો વેશ ધારણ કરતો હતો. તે રસ્તા પર એવા લોકોને નિશાન બનાવતો હતો જેમના વાહન પંક્ચર થયા હોય અથવા જેઓ કોઈ મુશ્કેલીમાં હોય.

તે અત્યંત નમ્રતાથી પીડિત પાસે જઈને કહેતો, "સાહેબ, હું મજૂર છું અને મને ખોદકામ દરમિયાન જૂના જમાનાના સોનાના સિક્કા મળ્યા છે. મારે પૈસાની ખૂબ જરૂર છે પણ હું અભણ હોવાથી કોઈ જ્વેલર પાસે જતાં ડરું છું. તમે આ સિક્કા લઈ લો અને મને થોડી મદદ કરી દો."

વિશ્વાસની જાળ: અસલી સિક્કાથી છેતરપિંડીની શરૂઆત

લોકોને ફસાવવા માટે આ ગેંગ બે તબક્કામાં કામ કરતી હતી:

ચકાસણીનો તબક્કો: શરૂઆતમાં પ્રભુ પીડિતને 5 થી 6 અસલી સોના કે ચાંદીના સિક્કા આપતો. જ્યારે પીડિત આ સિક્કાની લેબોરેટરીમાં તપાસ કરાવતો, ત્યારે તે 100% અસલી નીકળતા. આનાથી પીડિતના મનમાં લાલચ જાગતી અને વિશ્વાસ બેસી જતો.

મોટી ઠગાઈનો તબક્કો: એકવાર વિશ્વાસ જીતી લીધા પછી, આરોપી લાખો કે કરોડો રૂપિયાની કિંમતના સિક્કા 'સસ્તા ભાવે' આપવાની ઓફર કરતો. જ્યારે પીડિત મોટી રકમ લઈને સોદો કરવા પહોંચતો, ત્યારે તેને સોનાનો ઢોળ ચડાવેલા પિત્તળના હજારો નકલી સિક્કા પધરાવી દેવામાં આવતા. પીડિત જ્યારે સિક્કા ચેક કરે તે પહેલાં જ ગેંગ રફુચક્કર થઈ જતી.

બોલીવુડ કનેક્શન અને વૈભવી જીવન

તપાસ દરમિયાન જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે. પ્રભુસોલંકી છેલ્લા 25 વર્ષથી આ ધંધામાં હતો. તેણે અંદાજે 15 વર્ષ પહેલાં એક જાણીતા બોલીવુડ અભિનેતા પાસેથી ₹25 લાખની ઠગાઈ કરી હતી. એટલું જ નહીં, એક પ્રખ્યાત ફિલ્મ પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા વ્યક્તિ પાસેથી પણ ₹20 લાખ પડાવ્યા હતા.

છેતરપિંડીના આ કાળા નાણાંથી તેણે દિલ્હી-મુંબઈ હાઈવે પર એક વૈભવી હોટેલ બનાવી છે. આશ્ચર્યની વાત એ છે કે તેણે ‘લવ યુ યાર’ નામની ગુજરાતી ફિલ્મનું નિર્માણ પણ કર્યું હતું અને ફિલ્મની મુખ્ય અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા. તેની પત્નીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ લડી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

આ પણ વાંચો: વડોદરા ચૂંટણીમાં મોટો ડ્રામા : ફોર્મ ભરતા જ ઉમેદવારના પતિની ધરપકડ, પરિવારે મચાવ્યો હોબાળો.

નેટવર્કનો વ્યાપ અને દિલ્હીનું કનેક્શન

આ ગેંગના નકલી સિક્કા બનાવવાનું કારખાનું દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું છે. ત્યાં પિત્તળના સિક્કા પર સોનાનું પડ ચડાવવાનું કામ થતું હતું. આ ગેંગમાં બે મહિલા સભ્યો પણ સામેલ છે, જેઓ હાલ અન્ય કેસોમાં જેલમાં છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે અત્યાર સુધીમાં આ ગેંગે કુલ કેટલા કરોડનું ફૂલેકું ફેરવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now