વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના ગરમાવા વચ્ચે શહેરના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. વોર્ડ નંબર 6ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર પાર્વતીબેન સોલંકીના પતિ પ્રભુભાઈ સોલંકીની હરિયાણા (ગુડગાંવ) પોલીસે આકસ્મિક અટકાયત કરતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ ઉમેદવાર પત્નીએ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ખાતે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો અને ન્યાય ન મળે તો આત્યંતિક પગલું ભરવાની ગંભીર ચીમકી ઉચ્ચારી હતી.
ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન જ પોલીસ ત્રાટકી
મળતી વિગતો અનુસાર, વોર્ડ-6ના કોંગ્રેસના ઉમેદવાર પાર્વતીબેન સોલંકી અને તેમના પતિ જ્યારે ચૂંટણી લક્ષી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં હતા, ત્યારે જ હરિયાણા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. કોઈ પણ આગોતરી જાણકારી આપ્યા વિના પોલીસે પ્રભુભાઈને અટકાયતમાં લીધા હતા. આ અચાનક થયેલી કાર્યવાહીને પગલે સમર્થકો અને પરિવારજનોમાં ભારે અસમંજસ ફેલાઈ ગઈ હતી.
'મારા પતિ નિર્દોષ છે, ન્યાય નહીં મળે તો જીવ ટૂંકાવી દઈશ'
પતિની અટકાયતના સમાચાર મળતા જ પાર્વતીબેન સોલંકી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ખાતે દોડી ગયા હતા. ત્યાં તેમણે મીડિયા સમક્ષ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, "મારા પતિ નિર્દોષ છે અને તેમને કોઈ પણ સ્પષ્ટતા વિના જ લઈ જવામાં આવ્યા છે." તેમણે વધુમાં ગંભીર ચેતવણી આપતા કહ્યું કે, જો તેમના પતિ વિશે સાચી વિગત આપવામાં નહીં આવે, તો તેઓ પોતાનું જીવન ટૂંકાવતા અચકાશે નહીં. આ આક્રમક તેવરને જોતા ક્રાઈમ બ્રાન્ચ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : વડોદરા ભાજપનો મોટો ફિયાસ્કો : વોર્ડ-1 ના ઉમેદવારનું નામ જ વોટર લિસ્ટમાં નથી! જાણો કેમ છેલ્લી ઘડીએ બદલવો પડ્યો ચહેરો
નકલી ગોલ્ડ સ્મગલિંગનું કનેક્શન?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પ્રભુભાઈ સોલંકીની અટકાયત પાછળ હરિયાણાના ગુડગાંવમાં નોંધાયેલો એક જૂનો ગુનો હોવાની શક્યતા છે. હરિયાણા પોલીસ લાંબા સમયથી 'નકલી ગોલ્ડ સ્મગલિંગ' ના મોટા રેકેટની તપાસ કરી રહી છે. આ મામલે સ્થાનિક પોલીસની મદદ લઈને હરિયાણા પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હોવાનું મનાય છે.





