Home Gujarat Gujcet 2026 Gseb Provisional Answer Key Released Know How To File Objection And Fee

GUJCETના ઉમેદવારો માટે કામના સમાચાર : ગુજકેટ-2026ની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર, જાણો કઈ રીતે નોંધાવવો વાંધો અને કેટલી છે ફી

GUJCET 2026 GSEB Provisional Answer Key
Published by: Nirali Gohil
Last Updated: Apr 04, 2026, 11:45 AM IST

અમદાવાદ: ગુજરાતમાં ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (GUJCET) 2026 ના ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ગત 29 માર્ચના રોજ રાજ્યભરમાં લેવાયેલી ગુજકેટની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર-કી સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. પરીક્ષા આપી ચુકેલા હજારો વિદ્યાર્થીઓ હવે પોતાના ગુણનો અંદાજ મેળવી શકશે અને બોર્ડના જવાબો સામે પોતાની રજૂઆત કરી શકશે.

ત્રણેય માધ્યમ અને તમામ સેટની આન્સર-કી ઉપલબ્ધ

શિક્ષણ બોર્ડની અખબારી યાદી મુજબ, ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન એમ ચારેય મુખ્ય વિષયોની આન્સર-કી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આમાં પ્રશ્નપત્ર સેટ નંબર 1 થી 20 નો સમાવેશ થાય છે. વિશેષ વાત એ છે કે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય માધ્યમોના વિદ્યાર્થીઓ માટે બોર્ડે સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર આ વિગતો અપલોડ કરી દીધી છે. વિદ્યાર્થીઓ આ વેબસાઇટ પર જઈને આન્સર-કી ડાઉનલોડ કરી શકે છે અને પોતાના પ્રશ્નપત્રના સેટ મુજબ જવાબોની ચકાસણી કરી શકે છે.

વાંધા રજૂ કરવા માટે 8 એપ્રિલ સુધીની તક

જો કોઈ ઉમેદવારને બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રોવિઝનલ ઉત્તરો સામે કોઈ વિસંગતતા જણાય અથવા કોઈ પ્રશ્ન કે જવાબ સામે વાંધો હોય, તો તેઓ પોતાની રજૂઆત કરી શકે છે. બોર્ડે આ માટે 8 એપ્રિલ, 2026 ના રોજ સાંજે 18:00 (6 વાગ્યા) કલાક સુધીનો સમય નક્કી કર્યો છે. આ સમયમર્યાદા બાદ મળેલી કોઈ પણ રજૂઆતને બોર્ડ દ્વારા ધ્યાને લેવામાં આવશે નહીં, જેની વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.

આ પણ વાંચો: આધાર કાર્ડની સંસ્થામાં કામ કરવાની સુવર્ણ તક! : UIDAIએ કરી ઇન્ટર્નશિપની મોટી જાહેરાત! જાણો અરજી પ્રક્રિયાની સંપૂર્ણ વિગતો

રજૂઆત માટેની પ્રક્રિયા અને જરૂરી ફી

વાંધા રજૂ કરવા માટે ઉમેદવારોએ ચોક્કસ પ્રક્રિયાનું પાલન કરવાનું રહેશે:

  • ઈ-મેઈલ દ્વારા રજૂઆત: ઉમેદવારે નિયત નમૂનામાં વિષયવાર અને પ્રશ્નદીઠ અલગ ફોર્મ ભરીને જરૂરી પુરાવાઓ (આધારો) સાથે [email protected] પર મેઈલ કરવાનો રહેશે.

  • ફીનું ધોરણ: પ્રશ્ન દીઠ રૂ. 500/- ફી નિર્ધારિત કરવામાં આવી છે.

  • પેમેન્ટ પદ્ધતિ: આ ફી SBI બેંકમાં ચલણ દ્વારા ભરવાની રહેશે. ઈ-મેઈલ કરતી વખતે આ ચલણની સ્કેન કોપી જોડવી અનિવાર્ય છે.

સાચી રજૂઆત પર ફી પરત મળશે

શિક્ષણ બોર્ડ દ્વારા વધુમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો ઉમેદવાર દ્વારા કરવામાં આવેલી રજૂઆત અથવા વાંધો બોર્ડની નિષ્ણાત સમિતિ દ્વારા સ્વીકારવામાં આવશે અને તે સાચો ઠરશે, તો તે પ્રશ્ન માટે ભરેલી રૂ. 500ની ફી ઉમેદવારને પરત કરવામાં આવશે. જોકે, જો રજૂઆત ખોટી ઠરશે તો ફી પરત મળશે નહીં. વળી, ફી ભર્યા વગરની કોઈ પણ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now