World Sickle Cell Awareness Day 2026: 19 જૂનના વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ નિમિત્તે ભારતે સિકલ સેલ રોગ સામેની લડતમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. ગુજરાતમાં 2006માં શરૂ થયેલા સિકલ સેલ નિયંત્રણ કાર્યક્રમના સફળ મોડેલને આધારે આજે સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા ઉન્મૂલન મિશન’ અમલમાં છે. અત્યાર સુધી દેશમાં 7 કરોડથી વધુ લોકોની તપાસ થઈ ચૂકી છે અને 2047 સુધી સિકલ સેલના ભારને નોંધપાત્ર રીતે ઘટાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
ગુજરાત મોડેલ બન્યું દેશ માટે પ્રેરણારૂપ
વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસના અવસરે અગ્રણી ટ્રાન્સલેશનલ સાયન્ટિસ્ટ, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને સિકલ સેલ નિયંત્રણ કાર્યક્રમના પાયાના કાર્યકર ડૉ. યઝદી ઇટાલિયાએ દેશમાં સિકલ સેલ રોગ સામેની લડતમાં થયેલી પ્રગતિને ઉજાગર કરી હતી. તેમણે વધુ જાગૃતિ, સમાન આરોગ્યસેવાઓની ઉપલબ્ધતા અને આધુનિક નિવારક ટેક્નોલોજીના વ્યાપક અમલીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સિકલ સેલ રોગ વિશ્વના સૌથી સામાન્ય વારસાગત રક્તરોગોમાંનો એક છે અને ભારતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં તેનો વ્યાપ વધુ જોવા મળે છે. લાંબા સમય સુધી અજ્ઞાનતા, મોડું નિદાન અને વિશિષ્ટ સારવારના અભાવે હજારો દર્દીઓને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
ગુજરાતે વર્ષ 2006માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં પ્રથમ વખત વ્યાપક સિકલ સેલ નિયંત્રણ કાર્યક્રમ શરૂ કર્યો હતો. ગામડાં અને આદિવાસી વિસ્તારોમાં નિઃશુલ્ક સ્ક્રીનિંગ, વહેલું નિદાન, આનુવંશિક પરામર્શ, રસીકરણ, ફોલિક એસિડ અને હાઇડ્રોક્સીયુરિયા જેવી દવાઓની સુવિધા તેમજ નિયમિત ફોલોઅપ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
રાજ્યમાં અત્યાર સુધી 1.11 કરોડથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. ઉપરાંત દર્દી સહાય યોજના હેઠળ રાજ્ય સરકારે સિકલ સેલ દર્દીઓ માટે અંદાજે ₹18.15 કરોડની સહાય પણ ઉપલબ્ધ કરાવી છે.
ગુજરાત મોડેલ પરથી શરૂ થયું રાષ્ટ્રીય મિશન
ડૉ. યઝદી ઇટાલિયાના જણાવ્યા અનુસાર ગુજરાત મોડેલની સફળતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય આરોગ્ય મિશન દ્વારા તેને દેશભરમાં અપનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 1 જુલાઈ, 2023ના રોજ કેન્દ્ર સરકારે ‘રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા ઉન્મૂલન મિશન’ શરૂ કર્યું.
આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2047 સુધીમાં સિકલ સેલ રોગના ભારને નોંધપાત્ર રીતે ઘટાડવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સિકલ સેલ મુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે અને તેને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને કામ કરી રહી છે.
તાજેતરના આંકડા મુજબ દેશમાં સિકલ સેલના વધુ પ્રભાવ ધરાવતા રાજ્યોમાં અત્યાર સુધી 7 કરોડથી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે. તેમાં 2.46 લાખથી વધુ સિકલ સેલ રોગગ્રસ્ત દર્દીઓ અને 20 લાખથી વધુ સિકલ સેલ ટ્રેઇટ ધરાવતા લોકોની ઓળખ થઈ છે.
આ વર્ષની થીમ: જીવનરક્ષણમાં અસમાનતા દૂર કરવાનો સંદેશ
વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ 2026ની થીમ છે - "Closing the Survival Gap: Equity in Sickle Cell Disease" એટલે કે "સિકલ સેલ રોગમાં જીવનરક્ષણની અસમાનતા દૂર કરીને સમાન આરોગ્યસેવાઓ સુનિશ્ચિત કરવી."
આ થીમનો મુખ્ય સંદેશ એ છે કે દર્દીઓને તેમના આર્થિક, સામાજિક અથવા ભૌગોલિક સંજોગોને ધ્યાનમાં લીધા વગર સમયસર નિદાન, સારવાર અને લાંબા ગાળાની સંભાળ ઉપલબ્ધ થવી જોઈએ.
સરકાર દ્વારા ઉપલબ્ધ વિવિધ સારવાર અને સહાય
સિકલ સેલ રોગ ગંભીર દુખાવાના હુમલા, ક્રોનિક એનિમિયા, વારંવાર થતા ચેપ, અગત્યના અંગોને નુકસાન અને અકાળ મૃત્યુનું કારણ બની શકે છે. જોકે સમયસર સારવાર અને નિયમિત દેખરેખથી ઘણી જટિલતાઓને અટકાવી શકાય છે.
આયુષ્માન ભારત યોજના અને રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા ઉન્મૂલન મિશન હેઠળ દર્દીઓને નિઃશુલ્ક તપાસ, નિદાન, દવાઓ, રક્ત ચઢાવવાની સુવિધા, 108 એમ્બ્યુલન્સ સેવા તેમજ વિવિધ જટિલતાઓની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અનેક દર્દીઓ દિવ્યાંગતા લાભો અને અન્ય સામાજિક સુરક્ષા યોજનાઓનો પણ લાભ લઈ શકે છે.
ડૉ. ઇટાલિયાએ દર્દીઓ અને તેમના પરિવારજનોને આરોગ્યકર્મીઓ તથા સિકલ સેલ કાઉન્સેલરો સાથે સતત સંપર્કમાં રહેવા અને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ લેવા અપીલ કરી હતી.
ભવિષ્યમાં નવી ટેક્નોલોજી બનશે આશાનું કિરણ
નિષ્ણાતોના મતે હવે સારવાર ઉપરાંત નિવારણ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. IVF અને પ્રિ-ઇમ્પ્લાન્ટેશન જિનેટિક ડાયગ્નોસિસ (PGD) જેવી આધુનિક ટેક્નોલોજી ઉચ્ચ જોખમ ધરાવતા દંપતિઓને ગંભીર આનુવંશિક રોગોથી મુક્ત સ્વસ્થ સંતાન મેળવવાની તક આપે છે.
આ ઉપરાંત સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન અને જિન એડિટિંગ જેવી અદ્યતન સારવાર પદ્ધતિઓ પણ દર્દીઓ માટે નવી આશા બની રહી છે.
કેમ મહત્વનો છે આ દિવસ?
સિકલ સેલ માત્ર એક રક્તરોગ નથી, પરંતુ લાખો પરિવારો માટે જીવનભરનો પડકાર છે. નિષ્ણાતોનું માનવું છે કે અંતિમ લક્ષ્ય માત્ર સારવાર પૂરતું નથી, પરંતુ દરેક બાળકને સ્વસ્થ જીવનનો અધિકાર મળે, દરેક દર્દીને સમયસર અને માનવીય અભિગમ સાથે સારવાર મળે અને દરેક પરિવાર આશા અને ગૌરવ સાથે ભવિષ્ય તરફ જોઈ શકે તે સુનિશ્ચિત કરવાનું છે.
ભારત આજે સિકલ સેલને જાહેર આરોગ્યની મોટી સમસ્યા તરીકે દૂર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને ગુજરાત મોડેલ તેની સફળતાનો મજબૂત આધાર બની રહ્યું છે.






