Home Gujarat Gujarats First Signal Free Highway 34 Km Sg Highway Can Be Crossed In 30 Minutes

SG હાઈવે બનશે ગુજરાતનો પહેલો સિગ્નલ-ફ્રી હાઈવે : ગાંધીનગરના ચ-0 સર્કલથી સનાથલ સુધીના હાઈવે પર નહીં હોય એક પણ સિગ્નલ, 30 મિનિટમાં કપાશે 34 કિ.મી.નો સફર

SG હાઈવે બનશે ગુજરાતનો પહેલો સિગ્નલ-ફ્રી હાઈવે
Published by: OBS Bureau
Last Updated: Jun 30, 2025, 04:28 AM IST

ટ્રાફિક નિયમન માટેના આ પ્રોજેક્ટથી અમદાવાદને મળશે નવી ઓળખ
સરખેજ-ગાંધીનગર હાઈવે બનશે ગુજરાતનો પહેલો સિગ્નલ ફ્રી હાઈવે
ગાંધીનગરના ચ-0 સર્કલથી સનાથલ સુધી એકપણ સિગ્નલ નહીં હોય
11 ફ્લાયઓવર, 30 મિનિટમાં આખો હાઈવે પાર કરી શકાશે


Gujarat's First Signal Free Highway: બદલાતા સમયની સાથે અમદાવાદ શહેર અને તેનો વ્યાપ પણ સતત બદલાતો રહ્યો છે. એક સમયે કોટ વિસ્તારમાં સમાયેલું અમદાવાદ શહેર આજે પોતાની અંદર અનેક નાના-નાના ટાઉનને સમાવીને વિશાળ બની ગયું છે. હવે અમદાવાદ અને ગાંધીનગર પણ ટ્વીન્સ સિટી તરીકે ઉભરી રહ્યાં છે. ત્યારે બન્ને શહેરને જોડતી કડી સમાન એસજી હાઈવેને ટ્રાફિક ફ્રી કરવા માટે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત બન્ને શહેરોને જોડતો સરખેજ-ગાંધીનગર હાઈવે ગુજરાતનો પહેલો સિગ્નલ ફ્રી હાઈવે બનાવવા કવાયત હાથ ધરાઈ છે.

ગાંધીનગરના ચ-0 સર્કલથી સનાથલ સુધીનો 34 કિલોમીટરનો સરખેજ-ગાંધીનગર હાઈવે (એસજી હાઈવે) ગુજરાતનો પહેલો સિગ્નલ-ફ્રી હાઈવે બનવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ બે મુખ્ય શહેરો, અમદાવાદ અને ગાંધીનગરને જોડશે, જેનાથી ગાંધીનગરથી સૌરાષ્ટ્ર તરફ જતા પ્રવાસીઓ નોન-સ્ટોપ સનાથલ સુધી પહોંચી શકશે. આ હાઈવે પર 30 મિનિટમાં આખો રૂટ પાર કરી શકાશે, જેનાથી ઈંધણ અને સમય બંનેની બચત થશે.

પ્રોજેક્ટની વિશેષતાઓઃ
11 ફ્લાયઓવર અને એલિવેટેડ કોરિડોર: હાલમાં 13 ફ્લાયઓવર બની ચૂક્યા છે, અને કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર, અને YMCAને જોડતો એલિવેટેડ કોરિડોર બની રહ્યો છે.
નર્મદા કેનાલ અને ચિલોડા બ્રિજ: નર્મદા કેનાલ પર રોડને ચાર માર્ગીય કરાશે, અને ચિલોડા પાસે સાબરમતી બ્રિજ પર ફોર-લેન રોડ તૈયાર થશે.
સનાથલ કેબલ બ્રિજ: આગામી સમયમાં સનાથલ ખાતે કેબલ બ્રિજ બનશે, જે ટ્રાફિકને વધુ સરળ બનાવશે.
ખર્ચ: માત્ર બ્રિજ બનાવવા માટે 850 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
કુલ 26 સિગ્નલ પર ફ્લાયઓવર: લેકાવાડા, સરગાસણ, થલતેજ, ઇસ્કોન, અને ઉજાલા જેવા મુખ્ય જંક્શનો પર ફ્લાયઓવર બનાવવામાં આવશે.

હાલની સ્થિતિઃ
ઇસ્કોનથી સાણંદ: નવો એલિવેટેડ કોરિડોર ઇસ્કોનથી શરૂ થઈ કર્ણાવતી, પ્રહલાદનગર, અને YMCA પાર કરીને સાણંદ ઓવરબ્રિજ પહેલાં ઉતરશે.
છારોડી જંક્શન: નિરમા યુનિવર્સિટીથી ગોતા સુધી 750 મીટર લાંબો બ્રિજ બનશે.
થલતેજ અને આંબલી: થલતેજ મેટ્રો ટ્રેક નીચે અંડરપાસ અને ઇસ્કોન ખાતે ડબલ ડેકર બ્રિજનું કામ ટૂંક સમયમાં શરૂ થશે.
ખોડિયાર ડેપો અને અદાણી સર્કલ: મોટા વાહનો માટે બ્રિજથી મુખ્ય રોડ પર સરળ પ્રવેશ ઉપલબ્ધ છે.

ઐતિહાસિક પૃષ્ઠભૂમિઃ
1978માં આ રોડને નેશનલ હાઈવે 8સી તરીકે જાહેર કરાયો.
2010માં તેને નેશનલ હાઈવે 147ની માન્યતા મળી.
2007-08થી 2023 દરમિયાન અડાલજ, ઇસ્કોન, ગોતા, અને થલતેજ જેવા વિસ્તારોમાં ફ્લાયઓવર અને અંડરપાસ બનાવવામાં આવ્યા.
આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં એસજી હાઈવે ટ્રાફિક-ફ્રી અને ઝડપી મુસાફરીનું પ્રતીક બનશે, જે અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચેની કનેક્ટિવિટીને નવો ચહેરો આપશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now