Gujarat Weather Update: ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ કુદરતનો મિજાજ બદલાયો છે. માર્ચ મહિનામાં થયેલા તોફાની માવઠા બાદ હવે એપ્રિલ મહિનાની શરૂઆત પણ કમોસમી વરસાદ સાથે થવાની સંભાવના છે. હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી 2 અને 3 એપ્રિલ દરમિયાન અનેક વિસ્તારોમાં આંધી-વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે. ભરઉનાળે બદલાતા આ વાતાવરણને કારણે ખેડૂતોમાં ફરી એકવાર ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે સક્રિય: 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 5 એપ્રિલ સુધી વાતાવરણ ડહોળાયેલું રહેશે. પવનની દિશા બદલાવાને કારણે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. જોકે, રાહતની વાત એ છે કે પવનની દિશા બદલાતા હાલ હીટવેવની શક્યતાઓ નહિવત છે, પરંતુ ઉકળાટ અને બફારાની અસર વર્તાશે. આગામી બે દિવસમાં પવનની ગતિમાં વધારો થવા સાથે ધૂળની ડમરીઓ ઉડવાની અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચો: "ગુજરાતમાં કરા પડવાની શક્યતા" : અંબાલાલ પટેલે કરી ભયાનક આગાહી, ક્યાં કેટલો પડશે વરસાદ?
આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. આગાહી મુજબ નીચેના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે:
કચ્છ અને મોરબી
પાટણ અને સુરેન્દ્રનગર
સાબરકાંઠા અને અરવલ્લી
દાહોદ અને પંચમહાલ
આ વિસ્તારોમાં પવનની ગતિ તેજ રહી શકે છે અને ક્યાંક કરા પણ પડી શકે છે. નાઉકાસ્ટ દ્વારા પણ ત્વરિત વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે સ્થાનિક વહીવટી તંત્રને સાબદું કરવામાં આવ્યું છે.
તાપમાનનો પારો 39 ડિગ્રી સુધી રહેશે
ભલે વરસાદની આગાહી હોય, પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બહુ મોટો ઘટાડો જોવા મળશે નહીં. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 38 થી 39 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. વાદળછાયા વાતાવરણને કારણે સૂર્યપ્રકાશ ઓછો રહેશે પરંતુ ભેજનું પ્રમાણ વધતા બફારો વધુ અનુભવાશે. ખેડૂતોને તેમનો તૈયાર પાક સુરક્ષિત સ્થળે ખસેડી લેવા અથવા ઢાંકી દેવા માટે કૃષિ વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે જેથી માર્ચ જેવું નુકસાન ફરી ન વેઠવું પડે.




