ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તેમની આગાહી મુજબ બપોર બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણ અચાનક બદલાઈ શકે છે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
કરા પડવાની શક્યતા
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં કરા પડવાની શક્યતા છે. સાથે જ રાજ્યમાં 40 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે ખેડૂતો માટે ચિંતાજનક બની શકે છે. ખાસ કરીને ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખેડૂતો માટે 10 દિવસ સંવેદનશીલ
હવામાન નિષ્ણાતે જણાવ્યું કે આગામી 10 દિવસ ખેડૂતો માટે સંવેદનશીલ રહેશે અને તેમને સાવચેત રહેવાની જરૂર છે. 3 એપ્રિલ આસપાસ મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને પવનની અસર વધુ તીવ્ર બની શકે છે.
આજે પણ ગાજવીજ સાથે વરસાદ
30 માર્ચ માટે પણ આગાહી કરવામાં આવી છે કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, મધ્ય ગુજરાત અને મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આગામી ત્રણ દિવસ સુધી આવું જ અસ્થિર હવામાન યથાવત રહેવાની સંભાવના છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું : સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં વરસાદ, હજુ પણ ખેડૂતો ચિંતા વધારતી આગાહી
એપ્રિલમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાસે પવન
આ ઉપરાંત, 6 એપ્રિલ આસપાસ હવામાનમાં વધુ મોટો પલટો આવી શકે છે. એપ્રિલ મહિનામાં પવનની ગતિ 50 કિમી પ્રતિ કલાકથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.





