શુક્રવારે ગુજરાતમાં ગરમીનો પારો ફરી ચઢ્યો હતો. સુરેન્દ્રનગર 43.8 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું, જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરમાં 43 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી અને અમરેલીમાં 42.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આકરા ઉનાળાનો અનુભવ થયો. અમદાવાદમાં 24 કલાકમાં 1.6 ડિગ્રીનો વધારો નોંધાયો હોવાની માહિતી પણ સામે આવી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના બુલેટિન મુજબ, આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહેવાની સંભાવના છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આકાશ મુખ્યત્વે સાફ રહેવાની અને મહત્તમ તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
ગરમી સાથે ભેજથી વધ્યો બફારો
રાજ્યમાં હાલ પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા ગરમ પવનના કારણે દિવસની સાથે રાત્રિ દરમિયાન પણ બફારો અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં કોંક્રીટની ગરમી, ઓછો પવન અને ભેજના મિશ્રણથી “હોટ એન્ડ હ્યુમિડ” જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે.
અમદાવાદમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. સવારે ભેજનું પ્રમાણ 52 ટકા હતું, જે સાંજે ઘટીને 19 ટકા થયું. દિવસ દરમિયાન સૂકી ગરમી અને સાંજ પછી બફારાની સ્થિતિને કારણે નાગરિકોને વધુ તકલીફનો સામનો કરવો પડ્યો.
આ પણ વાંચો: અમદાવાદનાં SG હાઈવે પર લાગેલી આગ કલાકોની જહેમત બાદ આવી કાબૂમાં : 50 લોકોનું કરાયું રેસ્ક્યુ
કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા?
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં અલગ-અલગ સ્થળોએ વરસાદી ઝાપટાં પડી શકે છે.
જોકે 24 મે પછી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે. રાહતની વાત એ છે કે ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી માટે આગામી સાત દિવસ સુધી કોઈ ગંભીર હવામાન ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો: અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાંથી 60 સગીર બાળકો મળ્યા : આરપીએફ-જીઆરપી અને CWC સતર્ક
તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહે ત્યારે હીટ એક્ઝોશન અને ડિહાઇડ્રેશનનું જોખમ વધે છે. બપોરે 12થી 4 વાગ્યા વચ્ચે બહાર જવાનું ટાળવું, પૂરતું પાણી પીવું, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા અને બાળકો, વૃદ્ધો તથા બીમાર વ્યક્તિઓની ખાસ કાળજી લેવી જરૂરી છે.
ખેડૂતો માટે પણ આ સમય સંવેદનશીલ છે. જ્યાં વરસાદની શક્યતા છે ત્યાં ઉભા પાક અને પશુધન માટે આગોતરી તૈયારી રાખવી જરૂરી છે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઊંચા તાપમાનને કારણે સિંચાઈ અને પાણી વ્યવસ્થાપન પર વધુ ધ્યાન આપવું પડશે.





