Gujarat Weather: ગુજરાતમાં ઉનાળાનો મિજાજ હવે આકરો બની રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ માટે ગરમીને લઈ મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, ત્યારે પશ્ચિમી પવનોને કારણે નાગરિકોએ અકળામણનો સામનો કરવો પડી રહ્યો છે.
આગામી 7 દિવસની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 એપ્રિલથી 6 મે સુધી સમગ્ર રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેશે. રાહતની વાત એ છે કે આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, પવનોની દિશા બદલાવાને કારણે તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો નજીવો ઘટાડો જોવા મળી શકે છે.
રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. રાજકોટ: 43.0 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદ: 42.6 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગર: 42.2 ડિગ્રી સેલ્સિયસ, દાદરા નગર હવેલી: 40.0 ડિગ્રી સેલ્સિયસ.
અમદાવાદમાં ગરમીનું જોર યથાવત
રાજ્યના પાટનગર અને અમદાવાદમાં ગરમીથી હાલમાં કોઈ મોટી રાહત મળે તેમ નથી. આજે પણ અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા ગરમ પવનોને કારણે બપોરના સમયે લૂ લાગવાનો અહેસાસ થઈ શકે છે.
આ પણ વાંચો: ગરમી વચ્ચે ગુજરાતીઓ માટે ગુડ ન્યુઝ! હવે ના કરતા ACનો ખર્ચો : અંબાલાલ કાકાએ કરી દીધી વરસાદની આગાહી
પવનની દિશા અને દરિયાઈ પટ્ટીની સ્થિતિ
હવામાન વિભાગના મતે હાલમાં દરિયાઈ વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પશ્ચિમી પવનોને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ અને ગરમીનું મિશ્રણ જોવા મળી રહ્યું છે, જેના કારણે બફારો વધી શકે છે.
સાવચેતીના પગલાં
વધતી જતી ગરમીને જોતા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પાણી તથા પ્રવાહી લેવાની સલાહ આપવામાં આવી છે.






