સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓના કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે અંદાજે દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ પર સીધી અસર પડી છે. યુનિવર્સિટીએ અગાઉ યુજી અને પીજીના વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ પાંચ ફેઝમાં યોજવાની યોજના બનાવી હતી, જેમાંથી બે ફેઝ પૂર્ણ થઈ ગયા છે, જ્યારે બાકી રહેલા ત્રણ ફેઝ હવે નવા શેડ્યૂલ મુજબ લેવામાં આવશે.
સુધારેલો કાર્યક્રમ
ચૂંટણીના કારણે પરીક્ષાઓને પાછળ ઠેલવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ જાહેર કરેલા સુધારેલા કાર્યક્રમ મુજબ, જે પરીક્ષાઓ 16 એપ્રિલથી શરૂ થવાની હતી, તે હવે 1 મે થી શરૂ થશે. એ જ રીતે 24 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષાઓ હવે 12 મે થી શરૂ થશે, જ્યારે 5 મેના રોજ શરૂ થનારી પરીક્ષાઓ હવે 21 મે થી યોજાશે.
આ ફેરફાર આર્ટસ, કોમર્સ, સાયન્સ, લો અને એજ્યુકેશન સહિતના તમામ મુખ્ય વિભાગોને લાગુ પડે છે. MA સેમેસ્ટર-3, BA, B.COM, B.SC, BBA, BCA, BRS સેમેસ્ટર-4 અને 6 તેમજ ઇન્ટિગ્રેટેડ કોર્સના સેમેસ્ટર-2, 4, 6, 8 અને 10ની પરીક્ષાઓ હવે 1 મે થી શરૂ થશે. ઉપરાંત LLB સેમેસ્ટર-2 અને B.Ed સેમેસ્ટર-2ની પરીક્ષાઓ પણ આ જ તારીખથી લેવામાં આવશે.
તે સિવાય MA, M.Com, M.Sc, MLW, MRS, MMCJ, SDC અને M.Ed સહિતના કોર્સમાં સેમેસ્ટર-2ની પરીક્ષાઓ 12 મે થી શરૂ થશે. ન્યૂ એજ્યુકેશન પોલિસી (NEP) હેઠળના યુજી કોર્સના સેમેસ્ટર-4ની પરીક્ષાઓ પણ 12 મે થી યોજાશે.
છેલ્લા ફેઝની પરીક્ષાઓ 21 મે થી શરૂ થશે, જેમાં યુજી-પીજી અને ડિપ્લોમા કોર્સના વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ સામેલ રહેશે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા આ સુધારેલો કાર્યક્રમ તમામ વિભાગો અને સંકળાયેલા કોલેજોમાં મોકલી આપવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓ સમયસર નવી તારીખો મુજબ તૈયારી કરી શકે.






