સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસના અવસર પર એકતા નગર ખાતે યોજાયેલી ‘એકત્વ’ થીમ આધારિત પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સૌનું ધ્યાન ખેંચ્યું. આ ટેબ્લોમાં ગુજરાતની ઐતિહાસિક ગૌરવગાથા, આધ્યાત્મિક ધરો અને રાષ્ટ્રીય એકતાના પ્રતિકોનું સુંદર સંકલન જોવા મળ્યું.
ટેબ્લોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સાથે ભુજના સ્મૃતિ વન અને સોમનાથના ભવ્ય મંદિરના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા, જેને જોઈ ઉપસ્થિત લોકોએ ઉત્સાહપૂર્વક તાળીઓ પાડી પ્રશંસા વ્યક્ત કરી. આ પ્રદર્શનમાં રાજ્યની કલાત્મક કૌશલ્ય અને સંસ્કૃતિનો અદભૂત સમન્વય જોવા મળ્યો.
વિશેષ આકર્ષણરૂપે, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સાથે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો — જેમણે સ્વતંત્રતા પછી ભારત દેશમાં વિલયનો પહેલો નિર્ણય લઈને દેશની એકતામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી.
આ સમગ્ર ટેબ્લોએ ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ અને રાષ્ટ્રનિર્માણમાં તેના યોગદાનને જીવંત રૂપ આપ્યું. પરેડ જોતા દર્શકોમાં દેશપ્રેમ અને ગૌરવની લાગણી ઉદ્દભવી.






