Home Gujarat Gujarat Region Specific Anti Snake Venom Sri Dharampur

ગુજરાતનાં સાપોનું ઝેર હવે બનશે ‘સંજીવની’ : 'એન્ટી-સ્નેક વેનમ' બનાવવા માટે કંપનીને સોંપાયું ઝેર, સર્પદંશથી થતા મૃત્યુ ઘટશે

ગુજરાતમાં સર્પદંશ
Published by: Vishal Dave
Last Updated: Jul 05, 2026, 10:24 AM IST

ગાંધીનગર, 5 જુલાઈ : ગુજરાતમાં સર્પદંશની સારવાર માટે રાજ્યનાં ઝેરી સાપોનાં ઝેરમાંથી બનાવેલુ (રિજિયન સ્પેસિફિક એન્ટી-સ્નેક વેનમ) ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે અને સર્પદંશની સારવારમાં 'સંજીવની' બનશે. રાજ્યની ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્રએ ગુજરાતમાં જોવા મળતી સાપની ચાર મુખ્ય ઝેરી પ્રજાતિઓનું લાયોફિલાઇઝ્ડ (ફ્રીઝ-ડ્રાઇડ એટલે કે પાવડર સ્વરૂપનું) ઝેર તેલંગાણા સ્થિત એક લાઇસન્સ પ્રાપ્ત એન્ટી- સ્નેક વેનમ ઉત્પાદક કંપનીને સોંપ્યું છે. ગુજરાતને જ્યારે આ એન્ટી સ્નેક વેનમ ઉપલબ્ધ થશે ત્યારે સર્પદંશથી થતા માનવ મૃત્યુને ઘટાડી શકાશે અને વર્ષ ૨૦૩૦ સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુમાં ૫૦ ટકાનો ઘટાડો કરવાના ભારતના રાષ્ટ્રીય લક્ષ્યાંકમાં મોટું યોગદાન મળશે.

ગુજરાતનાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે,"મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, રાજ્યમાં સર્પદંશને કારણે થતા મૃત્યુ ઘટાડવા માટે રાજ્ય પોતાનું પ્રદેશ-વિશિષ્ટ (Region-specific anti-venom) એન્ટી-સ્નેક વેનમ વિકસાવી રહ્યું છે. ધરમપુર સ્થિત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) સાપની જાળવણી અને સાપોમાંથી ઝેર કાઢવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાની (WHO) માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરે છે, જેથી એન્ટી-સ્નેક વેનમ બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળું ઝેર મળી રહે." ગયા અઠવાડિયે, ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન (GFRF) હેઠળ કાર્યરત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે એન્ટી-સ્નેક વેનમ બનાવતી તેલંગાણા સ્થિત કંપની મેસર્સ વિન્સ બાયોપ્રોડક્ટ્સ લિમિટેડ (M/s Vins Bioproducts Limited) ને આ ઝેર સોંપ્યુ હતુ.

આ પણ વાંચોઃ અમરેલીમાં જાફરાબાદના ઘારાબંદર ગામમાં પૂર! : અસરગ્રસ્તોની વ્હારે આવ્યા MLA હીરાભાઈ સોલંકી

આ કંપની સર્પદંશ અને વીંછી કરડ્યા હોય તેમની સારવાર કરડવા માટેની જીવનરક્ષક રસી (Antisera) તેમજ ધનુર (Tetanus), ડિપ્થેરિયા અને ગેંગરીન વિરોધી રસી બનાવવાનું કામ કરે છે. ગુજરાત વન વિભાગ દ્વારા આ કંપનીને સોંપવામાં આવેલા ઝેરનાં જથ્થામાં ૩૩.૩૭ ગ્રામ ભારતીય નાગ (Indian Cobra), ૨.૬૭ ગ્રામ કાળોતરો (Common Krait), ૩૦.૮૨ ગ્રામ ખડચિતળો (Russell's Viper) અને ૧.૭૧ ગ્રામ ફુરસા (Saw-scaled Viper)નો સમાવેશ થાય છે.

હવે આ કંપની ગુજરાતના પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-સ્નેક વેનમ બનાવવાની પ્રક્રિયા શરૂ કરશે. આ રસીનો પ્રથમ જથ્થો ટૂંક સમયમાં ગુજરાતને મળશે તેવી સંભાવના છે. મહત્વની વાત એ છે કે, થોડા દિવસો અગાઉ, સર્પ સંશોધન કેન્દ્રને તેના સાપના ઝેરની પ્રથમ ઈ-હરાજી દરમિયાન અપેક્ષા કરતાં વધુ કિંમત મળી હતી. સાપનાં ઝેર માટે ઉંચી કિંમત મળવા પાછળ આ કેન્દ્ર દ્વારા જે કાર્યપદ્ધતિ અપનાવવામાં આવી છે તે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ધોરણોને અનુસરે છે તેની સાબિતી આપે છે.

વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-સ્નેક વેનમ વિકસાવવું તે જાહેર આરોગ્ય માટે અત્યંત મહત્વું છે, કારણ કે ભારતમાં માનવ-વન્યજીવ સંઘર્ષથી થતા મૃત્યુમાં સર્પદંશનો આંકડો સૌથી મોટો છે. સૌથી અગત્યની બાબત એ છે કે, જો સમયસર અસરકારક એન્ટી-સ્નેક વેનમ મળી રહે તો આમાંના મોટાભાગના મૃત્યુ નિવારી શકાય તેમ છે.

ગાંધીનગર સ્થિત ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશનના ડાયરેક્ટર એસ. કે. શ્રીવાસ્તવે જણાવ્યું કે,"વર્ષ ૨૦૨૨માં દેશભરમાં વન્યજીવોના હુમલામાં ૫૫૦ લોકોના મોત થયા હતા, જ્યારે આ જ સમયગાળા દરમિયાન સર્પદંશથી અંદાજે ૬૫,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મોટો તફાવત જ પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-સ્નેક વેનમની તાતી જરૂરિયાત દર્શાવે છે. આ રસી ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં જોવા મળતા સાપોના ઝેરમાંથી જ બનાવવામાં આવતી હોવાથી, તે વધુ અસરકારક સાબિત થશે, તેનાથી સારવાર દરમિયાન ઓછો ડોઝ આપવો પડશે અને સર્પદંશથી માણસોમાં થતા ઓર્ગન ફેઇલ્યોર જેવી ગંભીર સમસ્યાનું જોખમ ઘટાડી શકાશે અને દર્દીઓ ઝડપથી સાજા થશે."

ગુજરાતનાં પોતાના ઝેરી સાપમાંથી બનેલા એન્ટી સ્નેક વેનમનું મહત્વ

નિષ્ણાતોના મતે, સાપનું ઝેર ભૌગોલિક વિસ્તાર પ્રમાણે બદલાય છે - ભલે સાપ એક જ પ્રજાતિનો કેમ ન હોય. દેશના અન્ય ભાગોમાંથી પકડાયેલા સાપોના ઝેરમાંથી બનાવેલી એન્ટી-સ્નેક વેનમ રસી, ગુજરાતના સ્થાનિક સાપોના કરડવા સામે હંમેશા પૂરેપૂરી અસરકારક સાબિત થતી નથી. આ વૈજ્ઞાનિક પડકારને પારખીને, ગુજરાત સરકારે વલસાડ જિલ્લાના ધરમપુરમાં સર્પ સંશોધન કેન્દ્રની સ્થાપના કરી છે. સમગ્ર ગુજરાતમાંથી ઝેરી સાપો અહીં લાવી તેમાંથી ઝેર એકત્ર કરવામાં આવે છે. આ ઝેરને પછીથી એન્ટી-સ્નેક વેનમ બનાવતી કંપનીએ હરાજી દ્વારા આપવામાં આવે છે.

સર્પ સંશોધન કેન્દ્રનાં વાઇસ-ચેરમેન અને સર્પદંશની સારવારમાં ખ્યાતિપ્રાપ્ત ડૉ. ડી. સી. પટેલે જણાવ્યું હતું કે, સર્પદંશની સારવારમાં મુખ્ય પડકારોમાંનો એક એ છે કે દરેક વિસ્તારનાં સાપનું ઝેર જુદુ જુદુ હોય છે. દૂરના વિસ્તારોના ઝેરમાંથી તૈયાર કરાયેલ એન્ટી-સ્નેક વેનમ ઘણીવાર સર્પદંશની સારવારમાં ઓછું અસરકારક સાબિત થાય છે. આ સંસ્થા સમગ્ર ગુજરાતમાં જોવા મળતી ઝેરી સાપની પ્રજાતિઓમાંથી ઝેર એકત્ર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી પ્રદેશ-વિશિષ્ટ એન્ટી સ્નેક વેનમ વિકસાવી શકાય. ડો. ડી.સી પટેલે સર્જન છે અને તેમણે સર્પંદંશની સારવાર થકી લાખો લોકોનાં જીવ બચાવ્યા છે.

આ પણ વાંચોઃ
હવે મુંબઈને ટક્કર મારશે અમદાવાદ! ડબલ થઈ જશે પ્રોપર્ટીના ભાવ : આ વિસ્તારમાં 41 માળની ગગનચુંબી ઈમારતને મળી મંજૂરી

અત્યાધુનિક સ્નેક વેનમ રિસર્ચ સેન્ટર

સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ગુજરાતમાં જોવા મળતી મહત્વની એવી મુખ્ય પ્રજાતિઓના આશરે ૪૭૧ ઝેરી સાપો રાખવામાં આવ્યા છે. આ સાપોમાંથી ઝેર મેળવવાની પ્રક્રિયા વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા મુજબ થાય છે. ત્યારબાદ તેનું વૈજ્ઞાનિક રીતે પ્રોસેસિંગ કરીને તેને લાયોફિલાઇઝ્ડ (સુકા પાવડર) સ્વરૂપમાં ફેરવવામાં આવે છે અને પછી લાયસન્સ ધરાવતા ઉત્પાદકોને હરાજી થકી સપ્લાય કરવામાં આવે છે. આ સંસ્થા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ હેઠળની સ્વાયત્ત સંસ્થા 'ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન' (GFRF) હેઠળ કામ કરે છે.

જીએફઆરએફ (GFRF)નાં ડાયરેક્ટર એસ. કે. શ્રીવાસ્તવે જણાવ્યું કે,"સર્પ સંશોધન કેન્દ્ર તેની વૈજ્ઞાનિક માળખાગત સુવિધાઓ, સર્પગૃહ (Serpentarium) અને ઝેર પ્રોસેસિંગની સુવિધાઓ સાથે, આ સંસ્થા સર્પદંશ વ્યવસ્થાપન, ઝેર પર સંશોધન અને જનજાગૃતિ માટે ભારતની અગ્રણી સંસ્થાઓમાંની એક તરીકે ઉભરી આવી છે. તમિલનાડુમાં 'ઇરુલા સ્નેક કેચર્સ ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ સોસાયટી' પછી એન્ટી-વેનમ ઉત્પાદન માટે ઝેર મેળવતી આ દેશની બીજી સંસ્થા છે."

તેમણે વધુમાં જણાવ્યું કે, "આ સંસ્થાના વિસ્તરણ માટે ગુજરાત સરકારે વલસાડ જિલ્લામાં વર્લ્ડ ક્લાસ કાયમી કેમ્પસ સ્થાપવા માટે ૨.૨૫ હેક્ટર જમીન ફાળવી છે. આ સાથે અદ્યતન સંશોધન અને તાલીમ માળખું વિકસાવવા માટે ₹૧૧.૬૮ કરોડની દરખાસ્ત પણ સબમિટ કરવામાં આવી છે."

ભારતના રાષ્ટ્રીય સર્પદંશ મિશનને ટેકો

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦2૪માં ભારત સરકાર દ્વારા 'નેશનલ એક્શન પ્લાન ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ સ્નેકબાઈટ એન્વેનોમિંગ' (NAP-SE) લોન્ચ કરવામાં આવ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની વૈશ્વિક વ્યૂહરચનાને અનુરૂપ, વર્ષ ૨૦૩૦ સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુ અને અપંગતામાં ૫૦ ટકાનો ઘટાડો કરવાના ઉદ્દેશ્ય સાથે આવો વ્યાપક રાષ્ટ્રીય એક્શન પ્લાન અપનાવનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ગુજરાત દ્વારા વિકસાવવામાં આવી રહેલુ પ્રદેશ-વિશિષ્ટ એન્ટી સ્નેક વેનમ, રાષ્ટ્રીય લક્ષ્યાંકને હાંસલ કરવામાં મહત્વનું યોગદાન આપશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now