Home Gujarat Veraval Jaleshwar Beach Two Girls Drown One Death July 2026

વેરાવળના જાલેશ્વર દરિયા કિનારે કરુણ દુર્ઘટના : બે બહેનો દરિયામાં તણાઈ, એકનું મોત, બીજી સારવાર હેઠળ

દરિયા કિનારાના દ્રશ્યો
Image Credit: ai
Published by: Chintan Chavda
Last Updated: Jul 05, 2026, 11:33 AM IST

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા જાલેશ્વર દરિયા કિનારે રવિવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. રામદેવજી મંદિરે દર્શન કર્યા બાદ દરિયા કિનારે ફરવા ગયેલી બે યુવતીઓ અચાનક દરિયાના પ્રચંડ પ્રવાહમાં તણાઈ જતાં એક યુવતીનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે, જ્યારે બીજી યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાએ સમગ્ર વેરાવળ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

માહિતી અનુસાર, વેરાવળની રહેવાસી બે યુવતીઓ પોતાના પિતરાઈ ભાઈ સાથે જાલેશ્વર ખાતે આવેલા રામદેવજી મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી. મંદિરમાં દર્શન પૂર્ણ કર્યા બાદ ત્રણેય ભાઈ-બહેનો નજીકના દરિયા કિનારે કુદરતી સૌંદર્યનો આનંદ માણવા અને થોડો સમય પસાર કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન ચોમાસાને કારણે દરિયામાં ભારે કરંટ અને ઊંચા મોજાં ઉછળી રહ્યા હતા.

બહેનને બચાવવા જતાં બીજી યુવતી પણ તણાઈ

દરિયા કિનારે ઉભા રહેતા સમયે અચાનક એક પ્રચંડ મોજું આવ્યું અને એક યુવતીનું સંતુલન બગડતાં તે દરિયાના ઊંડા અને ધસમસતા પ્રવાહમાં ખેંચાઈ ગઈ હતી. પોતાની બહેનને તણાતી જોઈ બીજી યુવતી તરત જ તેને બચાવવા માટે આગળ દોડી હતી. જોકે બચાવ કરવાનો પ્રયાસ કરતી વખતે તે પણ દરિયાના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ અને જોતજોતામાં બંને યુવતીઓ પાણીમાં તણાઈ ગઈ હતી.

આ દૃશ્ય જોઈને દરિયા કિનારે હાજર લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. લોકોની બૂમાબૂમ વચ્ચે સ્થાનિક ખમીરવંતા યુવાનો અને માછીમારો તાત્કાલિક દરિયામાં કૂદી પડ્યા હતા. જીવના જોખમે હાથ ધરાયેલી બચાવ કામગીરી બાદ બંને યુવતીઓને ભારે જહેમતથી પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન સગીરાનું મોત

બંને યુવતીઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન 17 વર્ષીય નિકિતા રામભાઈ પંડિત (રહે. વેરાવળ)નું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે 24 વર્ષીય આરતીબેન ઉદયભાઈ વાયેલું હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તબીબો દ્વારા તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ કરુણ ઘટનાના સમાચાર મળતા પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. નિકિતાના અકાળ અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સમગ્ર વેરાવળ અને સ્થાનિક કોળી સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

ચોમાસામાં દરિયા કિનારે સાવચેતી રાખવાની અપીલ

ચોમાસાની ઋતુ દરમિયાન દરિયામાં કરંટ અને મોજાંની તીવ્રતા સામાન્ય દિવસોની સરખામણીએ ઘણી વધારે હોય છે. આવા સમયે દરિયા કિનારે જતા લોકો માટે ખાસ સાવચેતી રાખવી જરૂરી બને છે. ખાસ કરીને ઊંડા પાણીમાં જવાનું અથવા મોજાંની નજીક ઉભા રહેવાનું જોખમી બની શકે છે.

પોલીસે આ ઘટનામાં અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ લોકોને ચોમાસા દરમિયાન દરિયા કિનારે ફરવા જાય ત્યારે જરૂરી તકેદારી રાખવા અને જોખમી વિસ્તારોમાં ન જવાની અપીલ પણ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now