Home Gujarat Surat Ukai Dam Water Level Surat Tapi River Flow July 2026

ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત, સપાટી 308.76 ફૂટે પહોંચી : ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત, સપાટી 308.76 ફૂટે પહોંચી

ઉકાઈ ડેમના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Jul 05, 2026, 12:35 PM IST

સુરત અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝન વચ્ચે ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહી છે. રવિવારે મળેલા તાજા આંકડા મુજબ ઉકાઈ ડેમની જળસપાટી 308.76 ફૂટ પર પહોંચી છે. જોકે ડેમનું નિર્ધારિત રૂલ લેવલ 333 ફૂટ હોવાથી હાલની સપાટી તેનાથી હજુ નોંધપાત્ર રીતે નીચે છે. તેથી હાલની સ્થિતિએ ડેમમાંથી મોટા પાયે પાણી છોડવાની કોઈ જરૂરિયાત ઊભી થઈ નથી.

ડેમમાં હાલમાં 6,293 ક્યુસેક પાણીની નવી આવક થઈ રહી છે, જ્યારે તેની સામે માત્ર 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પરિણામે ડેમમાં પાણીનો સંગ્રહ સતત વધી રહ્યો છે. હાલ ઉકાઈ ડેમમાં લાઈવ સ્ટોરેજ 1,875.87 મિલિયન ક્યુબિક મીટર (MCM) નોંધાયું છે, જે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને આધારે વધુ વધવાની શક્યતા છે.

આ પણ વાંચો: અમરેલીમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ : 24 કલાકમાં ત્રણ વખત નાવલી નદીના તમામ પુલ ઓવરટોપિંગ, MLA એ કહ્યું 'પહેલી વખત જોયું'!

કાકરાપાર અને મોતીચેરમાંથી તાપી નદીમાં પાણીનો પ્રવાહ

તાપી નદી પર આવેલા કાકરાપાર વિયરની જળસપાટી હાલમાં 160.60 ફૂટ નોંધાઈ છે. અહીંથી 3,300 ક્યુસેક પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. જ્યારે મોતીચેરની જળસપાટી 152.80 ફૂટ પર પહોંચી છે અને ત્યાંથી 2,454 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કાકરાપાર અને મોતીચેર બંનેમાંથી મળીને હાલ તાપી નદીમાં કુલ 5,754 ક્યુસેક પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. જળસંસાધન વિભાગ સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છે અને વરસાદની આગાહી મુજબ પાણીના વહનનું નિયમન કરવામાં આવી રહ્યું છે.

રાંદેર સિંગણપોર કોઝવે પરથી 50 હજારથી વધુ ક્યુસેક પાણી

સુરત શહેરમાં તાપી નદીના પ્રવાહનું મહત્વનું માપદંડ ગણાતા રાંદેર-સિંગણપોર વિયર કમ કોઝવેની જળસપાટી હાલમાં 6.79 મીટર નોંધાઈ છે. કોઝવે પરથી અંદાજે 50,795 ક્યુસેક પાણીનો જોરદાર પ્રવાહ વહી રહ્યો છે. જોકે હાલ આ સ્થિતિ ચોમાસા દરમિયાન સામાન્ય ગણાય છે, તેમ છતાં નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. ખાસ કરીને તાપી નદીના પટમાં અવરજવર ન કરવા અને નદીના વહેણની નજીક ન જવા માટે તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: 2027માં પરસોતમ સોલંકીના પુત્રને ચૂંટણી લડાવવાની તૈયારી : 'દિવ્યેશ સોલંકીને ટિકિટ આપવી જ પડશે', કોળી સમાજની માંગથી રાજકારણમાં ગરમાવો

વરસાદની સ્થિતિ પર રહેશે નજર

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ રહેશે તો ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં જળસંસાધન વિભાગ દ્વારા ડેમમાંથી પાણી છોડવા અંગેનો નિર્ણય લેવામાં આવશે. હાલ તંત્રે સ્પષ્ટ કર્યું છે કે ઉકાઈ ડેમની જળસપાટી હજુ રૂલ લેવલથી નીચે હોવાથી ગભરાવાની જરૂર નથી. તેમ છતાં નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂતોને અધિકૃત સૂચનાઓ પર નજર રાખવા અને અફવાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now