Home Gujarat Savarkundla Navli River Overflow Heavy Rain Amreli July 2026

અમરેલીમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ : 24 કલાકમાં ત્રણ વખત નાવલી નદીના તમામ પુલ ઓવરટોપિંગ, MLA એ કહ્યું 'પહેલી વખત જોયું'!

સાવરકુંડલામાં વરસાદના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Jul 05, 2026, 10:01 AM IST

અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બની છે. છેલ્લા 24 કલાકથી સતત વરસાદને કારણે નાવલી નદીમાં જળપ્રવાહમાં ભારે વધારો થયો છે અને તમામ મુખ્ય પુલો ત્રણ વખત ઓવરટોપિંગ થયા હોવાનું સામે આવ્યું છે. નદીના પાણી પુલ પરથી વહેતા થતાં વાહનવ્યવહાર પર અસર પડી છે અને વહીવટી તંત્ર દ્વારા અનેક માર્ગો પર અવરજવર બંધ કરવાની ફરજ પડી છે.

સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ સ્થળ મુલાકાત બાદ જણાવ્યું કે સતત વરસાદને કારણે સમગ્ર તંત્ર મેદાનમાં ઉતરી કામગીરી કરી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ (R&B), નગરપાલિકા, પોલીસ અને અન્ય વિભાગોના અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને સંભવિત જાનહાનિ અટકાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર અવરજવર પ્રભાવિત

ધારાસભ્ય મહેશ કસવાલાના જણાવ્યા અનુસાર, મહુવા તરફથી આવતો નેશનલ હાઈવે બે સ્થળે પાણી ભરાવાને કારણે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે. આ નિર્ણય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે જેથી કોઈ જાનહાનિ ન સર્જાય. તેમણે વધુમાં જણાવ્યું કે રાજુલા વિસ્તારમાં સાવરકુંડલા કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. પરિણામે રાજુલા તરફથી આવતો માર્ગ તેમજ કેટલાક સ્ટેટ હાઈવે અને અન્ય મુખ્ય રસ્તાઓ પર પણ વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. અમરેલી તરફના માર્ગો પર પણ ભારે વરસાદને કારણે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: 2027માં પરસોતમ સોલંકીના પુત્રને ચૂંટણી લડાવવાની તૈયારી : 'દિવ્યેશ સોલંકીને ટિકિટ આપવી જ પડશે', કોળી સમાજની માંગથી રાજકારણમાં ગરમાવો

નાવલી નદીના દૃશ્યોએ ચિંતામાં વધારો કર્યો

સાવરકુંડલાની જીવાદોરી સમાન નાવલી નદીમાં ભારે વરસાદ બાદ જોરદાર પ્રવાહ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું કે તેમણે પોતાના જીવનમાં પહેલીવાર 24 કલાકના ગાળામાં ત્રણ વખત નાવલી નદીના તમામ પુલો પર પાણી ફરી વળતું જોયું છે. આ દૃશ્યો ચોમાસાની ગંભીરતાનો અંદાજ આપતા હોવાનું તેમણે જણાવ્યું હતું. નદીના કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી રીતે પુલ અથવા પાણી ભરાયેલા રસ્તાઓ પાર ન કરવા અપીલ કરવામાં આવી છે.

તંત્ર મેદાનમાં, જાનહાનિ ટાળવા પ્રયાસ

વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવરકુંડલા નગરપાલિકા, પોલીસ, માર્ગ અને મકાન વિભાગ તેમજ અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ સતત મેદાનમાં રહી કામગીરી કરી રહ્યા છે. જ્યાં જરૂરી હોય ત્યાં રસ્તાઓ બંધ કરવામાં આવી રહ્યા છે અને જોખમી વિસ્તારોમાં લોકોને જવા દેવામાં આવતા નથી. ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું કે સમગ્ર તંત્રનો પ્રયાસ એક જ છે કે કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય અને પશુધનને પણ નુકસાન ન પહોંચે. વરસાદ વચ્ચે અધિકારીઓ અને કર્મચારીઓ સતત ફિલ્ડમાં રહી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો: અમરેલીમાં જાફરાબાદના ઘારાબંદર ગામમાં પૂર! : અસરગ્રસ્તોની વ્હારે આવ્યા MLA હીરાભાઈ સોલંકી

લોકોને સાવચેત રહેવા અપીલ

ભારે વરસાદની આગાહી વચ્ચે સ્થાનિક વહીવટી તંત્રે લોકોને પાણી ભરાયેલા કોઝવે, પુલ અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરી છે. વરસાદ ચાલુ રહે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોવાથી જિલ્લા પ્રશાસન સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now