ગાંધીનગર: સાણંદ સ્થિત CG Semiની OSAT સેમિકન્ડક્ટર સુવિધામાં વ્યાવસાયિક ચીપ્સ ઉત્પાદનના પ્રારંભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આદિવાસી અને સામાન્ય પરિવારોમાંથી આવેલી દીકરીઓની સફળતાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, "હવે ભારતની દીકરીઓ માત્ર ચૂલો નહીં સળગાવે, પરંતુ સેમિકન્ડક્ટર ચીપ્સ પણ બનાવશે."
વડાપ્રધાને જણાવ્યું કે ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારોમાંથી આવેલી અનેક યુવતીઓ આજે સાણંદની CG Semi પ્લાન્ટમાં સેમિકન્ડક્ટર ચીપ્સના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સામાન્ય શાળાઓમાં અભ્યાસ કરીને અને ITIમાંથી તાલીમ મેળવનારી આ દીકરીઓએ વિશ્વસ્તરીય ટેક્નોલોજી શીખીને દેશના ટેક્નોલોજી ક્ષેત્રમાં નવી ઓળખ બનાવી છે.
ITIથી મલેશિયા સુધીનો પ્રેરણાદાયક સફર
વડાપ્રધાને જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે ITIમાં અભ્યાસ કરવો ગૌરવની બાબત માનવામાં આવતો ન હતો, પરંતુ આજે એ જ ITI ભણેલી દીકરીઓ વૈશ્વિક સ્તરની સેમિકન્ડક્ટર ટેક્નોલોજી પર કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે, ઘણી દીકરીઓએ અગાઉ દિલ્હી કે મુંબઈ પણ જોયા નહોતા, પરંતુ આજે તેઓ તાલીમ માટે મલેશિયા જઈ વિશ્વની અદ્યતન ટેક્નોલોજી શીખીને 'મેડ ઇન ઇન્ડિયા' ચીપ્સના ઉત્પાદનમાં યોગદાન આપી રહી છે.
ત્રણ દીકરીઓએ શેર કરી સફળતાની કહાની
CG Semi પ્લાન્ટમાં ઓપરેટર તરીકે કાર્યરત ઝારખંડના ગિરિડીહની પુનમ કુમારી, પશ્ચિમ સિંહભૂમની પ્રિયંકા ધનવાર અને મધ્યપ્રદેશના બાલાઘાટની શિવાની ઉઇકેએ પોતાના અનુભવો શેર કર્યા.
પુનમ કુમારીએ જણાવ્યું કે તેમના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને તેઓ માતા સાથે રહે છે. તેમણે કહ્યું કે, "હું ક્યારેય ઝારખંડની બહાર ગઈ નહોતી. CG Semiએ અમને તાલીમ માટે મલેશિયા મોકલ્યા, જ્યાં દરેક બાબત સરળ ભાષામાં અને પ્રેક્ટિકલ રીતે શીખવવામાં આવી."
પ્રિયંકા ધનવારે જણાવ્યું કે તેમના પરિવારમાં પ્રથમ વખત કોઈ વ્યક્તિ વિદેશ ગયો છે અને તેમની સિદ્ધિથી પરિવાર ગર્વ અનુભવી રહ્યો છે.
શિવાની ઉઇકેએ કહ્યું કે, "અમારી સફળતા જોઈને માતા-પિતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. CG Semi સાથે અમે ઈતિહાસ રચવા જઈ રહ્યા છીએ."





