Nitin Gadkari on Diesel Blending: E20 પેટ્રોલને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચેલો છે. પરંતુ, આ દરમિયાન હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વધુ એક મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકાર તેના બાયોફ્યુઅલ કાર્યક્રમના આગામી તબક્કા હેઠળ ડીઝલમાં 15 ટકા સુધી આઇસોબ્યુટેનોલ (Isobutanol) મિશ્રણ કરવાની મંજૂરી આપવાની તૈયારી કરી રહી છે. આ માહિતી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આપી હતી. સરકારના આ પગલાને આયાતી અશ્મિભૂત ઇંધણ (Fossil Fuel) પરની નિર્ભરતા ઘટાડવાની દિશામાં એક મોટો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
'ઇથેનોલને સીધું ડીઝલમાં ભેળવી શકાતું નથી'
ભારતના વૈકલ્પિક ઇંધણના રોડમેપ પર વાત કરતા ગડકરીએ જણાવ્યું કે, ઇથેનોલને સીધું ડીઝલમાં ભેળવી શકાતું નથી. તેથી તેને આઇસોબ્યુટેનોલમાં બદલવા પર કામ કરવામાં આવી રહ્યું છે. આ એક વ્યવહારુ અને અસરકારક વિકલ્પ સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું, "ઇથેનોલને સીધું ડીઝલમાં મિક્સ કરી શકાતું નથી. તેથી આપણે ઇથેનોલમાંથી આઇસોબ્યુટેનોલ બનાવી રહ્યા છીએ." તેમણે વધુમાં ઉમેર્યું કે, 'આઇસોબ્યુટેનોલ ડીઝલનો ઉત્તમ વિકલ્પ બની શકે છે.'
15% આઇસોબ્યુટેનોલ બ્લેન્ડિંગનો રોડમેપ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, સરકાર ડીઝલમાં 15 ટકા આઇસોબ્યુટેનોલ મિશ્રણને સક્ષમ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. તેમણે આને ભારતની ઊર્જા સુરક્ષા અને સ્વચ્છ પરિવહન ઇંધણની વ્યાપક વ્યૂહરચનામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. ગડકરીએ એ પણ જણાવ્યું કે આ ટેક્નોલોજીના પાયલોટ પ્રોજેક્ટ્સમાં સારા પરિણામો મળ્યા છે. આ સંકેત આપે છે કે આગામી વર્ષોમાં તેને મોટા પાયે અપનાવી શકાય છે. તેમણે કહ્યું, "અમે 100 ટકા ઇથેનોલ અને આઇસોબ્યુટેનોલ પર બે જનરેટર સેટ સફળતાપૂર્વક ચલાવ્યા છે. આ સાબિત કરે છે કે આ ઇંધણ પર ચાલતા એન્જિન બનાવી શકાય છે."
આઇસોબ્યુટેનોલ શું છે?
આઇસોબ્યુટેનોલને નવી પેઢીનું બાયોફ્યુઅલ માનવામાં આવે છે. તેમાં ઉચ્ચ ઊર્જા ઘનતા (High Energy Density), ડીઝલ એન્જિનો સાથે બહેતર અનુકૂળતા અને પરંપરાગત બાયોફ્યુઅલની તુલનામાં ઓછું ઉત્સર્જન (Emission) થાય છે. નીતિ ઘડવૈયાઓનું માનવું છે કે તેનો મોટા પાયે ઉપયોગ કરવાથી ભારતની ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા ઘટશે અને દેશમાં જ બાયોફ્યુઅલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.
E20 ઇથેનોલ બ્લેન્ડિંગને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે તાજેતરમાં જ E20 ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ અંગે સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી ખોટી માહિતીઓનું ખંડન કર્યું હતું. સરકારી આંકડાઓ અનુસાર, આ પહેલથી અત્યાર સુધીમાં ₹1.9 લાખ કરોડથી વધુની વિદેશી હૂંડિયામણની બચત થઈ છે. ક્રૂડ ઓઈલની આયાત પરની નિર્ભરતા ઘટી છે, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો છે અને ઇથેનોલ ઉત્પાદનમાં વપરાતા ફીડસ્ટોકની માંગ વધવાને કારણે ખેડૂતોની આવકમાં પણ વૃદ્ધિ થઈ છે.
ટેલિગ્રામ પર સરકારનો સખત પ્રહાર : ફિલ્મો-વેબ સિરીઝની પાઇરસી રોકવા આપ્યું 15 દિવસનું અલ્ટિમેટમ





