Home Business Jainam Jain Ai Startup Burj Khalifa Office Dubai Young Founder

14 વર્ષની ઉંમરે બુર્જ ખલીફામાં ખોલી પોતાની AI કંપની! : જાણો ભારતીય મૂળના જૈનમ જૈનની સફળતાની કહાની પ્રેરણાદાયી

Jainam Jain AI Startup
Image Credit: @Jainamjain_1xl
Published by: Nirali Gohil
Last Updated: Jul 04, 2026, 09:42 AM IST

Jainam Jain AI Startup: સામાન્ય રીતે 14 વર્ષની ઉંમરે બાળકો સ્કૂલ, પરીક્ષાઓ અને શોખ-રૂચિઓમાં વ્યસ્ત હોય છે, પરંતુ ભારતીય મૂળના જૈનમ જૈને આ ઉંમરે એવી સિદ્ધિ હાંસલ કરી છે, જે ઘણા લોકો માટે માત્ર સપનું બની રહે છે. જૈનમે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાના 141મા માળે પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સ્ટાર્ટઅપની ઓફિસ શરૂ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. માત્ર 14 વર્ષની ઉંમરે દુબઈના સૌથી યુવા AI ફાઉન્ડર તરીકે ઓળખ મેળવનારા જૈનમ જૈન આજે યુવા પેઢી માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બની ગયા છે. ટેક્નોલોજી, ઉદ્યોગસાહસિકતા અને સતત શીખવાની જિજ્ઞાસાએ તેમને નાની ઉંમરે જ અસાધારણ સફળતા અપાવી છે.

કોણ છે જૈનમ જૈન?

જૈનમ જૈન ભારતીય મૂળના યુવા ઉદ્યોગસાહસિક છે, જે હાલમાં દુબઈમાં રહે છે. તેઓ દુબઈના સૌથી યુવા AI ફાઉન્ડર તરીકે જાણીતા બન્યા છે. આટલી નાની ઉંમરે જૈનમે માત્ર પોતાની કંપની જ શરૂ કરી નથી, પરંતુ TEDx સ્પીકર તરીકે પણ ઓળખ બનાવી છે. તેમના નામે બે પેટન્ટ નોંધાયેલા છે અને તેઓ એક પુસ્તકના લેખક પણ છે. આ ઉપરાંત જૈનમે ડિજિટલ ક્ષેત્રે પણ નોંધપાત્ર હાજરી ઉભી કરી છે અને તેમની યુટ્યુબ કોમ્યુનિટીમાં 1.45 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ જોડાયેલા છે.

6 વર્ષની ઉંમરે શરૂ થઈ બિઝનેસની સફર

જૈનમ જૈન જણાવે છે કે બિઝનેસ પ્રત્યેનો રસ બાળપણથી જ વિકસ્યો હતો. માત્ર 6 વર્ષની ઉંમરે તેમના પિતા તેમને પ્રથમ વખત એક બિઝનેસ મીટિંગમાં સાથે લઈ ગયા હતા. આ અનુભવ તેમના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. ત્યારથી જૈનમમાં બિઝનેસ અને ઉદ્યોગસાહસિકતા પ્રત્યે ઉત્સુકતા જાગી, જે સમય જતાં વધુ મજબૂત બનતી ગઈ. તેમણે માત્ર શૈક્ષણિક અભ્યાસ સુધી પોતાને મર્યાદિત રાખ્યા નહીં, પરંતુ વિવિધ ઇવેન્ટ્સમાં ભાગ લીધો, ઉદ્યોગપતિઓ સાથે મુલાકાતો કરી અને વાસ્તવિક અનુભવોમાંથી બિઝનેસની સમજ વિકસાવી.

આ પણ વાંચો: મમતા બેનરજીને મોટો રાજકીય ઝટકો! : TMCના સૌથી વિશ્વસનીય નેતાએ પ્રમુખ સહિત તમામ પદેથી આપ્યું રાજીનામું

13 વર્ષની ઉંમરે પૂર્ણ કરી IGCSE પરીક્ષા

જૈનમે ખૂબ નાની ઉંમરે પોતાના શૈક્ષણિક જીવનમાં પણ વિશેષ સિદ્ધિ મેળવી હતી. તેમણે માત્ર 105 દિવસમાં IGCSE ધોરણ-10ની પરીક્ષાઓ પૂર્ણ કરી દીધી હતી. પરંપરાગત શિક્ષણની સાથે તેમણે પોતાના વ્યવસાયિક લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અલગ માર્ગ પસંદ કર્યો. તેમના મતે શિક્ષણ માત્ર ક્લાસરૂમ પૂરતું સીમિત નથી, પરંતુ જીવનના અનુભવો અને લોકો સાથેનો સંપર્ક પણ એટલો જ મહત્વનો છે.

'મેંગો એન્જિન' દ્વારા AI ક્ષેત્રે નવી પહેલ

જૈનમ જૈનની AI સ્ટાર્ટઅપનું નામ 'Mango Engine' છે. આ પ્લેટફોર્મનો મુખ્ય હેતુ કંપનીઓ માટે માર્કેટિંગ, લીડ મેનેજમેન્ટ, ગ્રાહકો સાથેનો સંવાદ અને ન્યૂઝલેટર જેવી પ્રક્રિયાઓને સરળ અને વધુ અસરકારક બનાવવાનો છે. હાલમાં આ પ્રોજેક્ટ બીટા ટેસ્ટિંગ તબક્કામાં છે, પરંતુ અનેક કંપનીઓ તેમાં રસ દાખવી રહી હોવાનું જૈનમનું કહેવું છે.

10 વર્ષની ઉંમરથી પોતાની જાતને આપતા હતા પડકાર

જૈનમની સફળતાની પાછળ તેમની અનોખી શીખવાની પદ્ધતિ પણ જવાબદાર છે. તેઓ 10 વર્ષની ઉંમરથી જ પોતાની જાતને અલગ-અલગ પડકારો આપતા આવ્યા છે. આ પડકારોમાં 50 પુસ્તકો વાંચવા, 50 નેટવર્કિંગ ઇવેન્ટ્સમાં ભાગ લેવા અને હજારો કિલોમીટર મુસાફરી કરીને સફળ ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરવી જેવી બાબતો સામેલ હતી. તેમનું માનવું છે કે, સતત શીખવું, નવા લોકો સાથે જોડાવું અને અનુભવમાંથી જ્ઞાન મેળવવું સફળતાની ચાવી છે.

આ પણ વાંચો: ટેલિગ્રામ પર સરકારનો સખત પ્રહાર : ફિલ્મો-વેબ સિરીઝની પાઇરસી રોકવા આપ્યું 15 દિવસનું અલ્ટિમેટમ

યુવા પેઢી માટે પ્રેરણાનું ઉદાહરણ

જૈનમ જૈનની કહાની માત્ર બુર્જ ખલીફામાં ઓફિસ ખોલવા સુધી સીમિત નથી, પરંતુ તે દર્શાવે છે કે ઉમર ક્યારેય સફળતાની મર્યાદા બની શકતી નથી. આજના ડિજિટલ યુગમાં જિજ્ઞાસા, સતત મહેનત અને નવી ટેક્નોલોજીને અપનાવવાની તૈયારી હોય તો નાની ઉંમરે પણ અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી શકાય છે. જૈનમ જૈનની સફર એ જ સંદેશ આપે છે કે સપનાઓને હકીકતમાં બદલવા માટે ઉંમર નહીં, પરંતુ દૃઢ સંકલ્પ અને સતત પ્રયત્નોની જરૂર હોય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now