Home National E20 Petrol Engine Mileage Government Clarification India

'E20 પેટ્રોલથી એન્જિનને નુકસાન નહીં, માઈલેજ પર પણ નહીં પડે મોટી અસર' : સોશિયલ મીડિયાની અફવાઓ વચ્ચે સરકારનું મોટું નિવેદન

E20 Petrol Government Clarification
Image Credit: AI
Published by: Nirali Gohil
Last Updated: Jul 04, 2026, 04:22 AM IST

E20 Petrol Government Clarification: દેશમાં પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારીને ઊર્જા સુરક્ષા મજબૂત બનાવવા અને ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભરતા ઘટાડવાના હેતુથી કેન્દ્ર સરકાર E20 ઇંધણને પ્રોત્સાહન આપી રહી છે. જોકે છેલ્લા કેટલાક મહિનાઓથી સોશિયલ મીડિયા પર E20 પેટ્રોલને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ અને અફવાઓ ફેલાઈ રહી છે. કેટલાક લોકો એન્જિનને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે કેટલાક માઈલેજ ઘટી જવાની, વાહનના વીમા પર અસર થવાની અથવા લાંબા ગાળે વાહનના પ્રદર્શન પર નકારાત્મક અસર પડવાની વાતો કરી રહ્યા છે. આ વધતી ગેરસમજ અને ભ્રામક માહિતી વચ્ચે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સત્તાવાર સ્પષ્ટતા આપી છે. મંત્રાલયનું કહેવું છે કે E20 કાર્યક્રમ કોઈ પ્રયોગાત્મક યોજના નથી, પરંતુ તે વૈજ્ઞાનિક અભ્યાસો, વ્યાપક પરીક્ષણો અને વિશ્વના અનેક દેશોના સફળ અનુભવના આધારે અમલમાં મૂકવામાં આવ્યો છે. સરકારે લોકોને સોશિયલ મીડિયા પર ફરતા અપ્રમાણિત દાવાઓથી દૂર રહેવાની અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવાની અપીલ કરી છે.

E20 પેટ્રોલ શું છે અને તેનો હેતુ શું છે?

E20 એટલે એવું પેટ્રોલ જેમાં 20 ટકા ઇથેનોલ અને 80 ટકા પરંપરાગત પેટ્રોલનું મિશ્રણ હોય છે. સરકારનો ઉદ્દેશ ઇથેનોલના ઉપયોગ દ્વારા વિદેશી ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવાનો, ખેડૂતોને વધારાની આવક પૂરી પાડવાનો અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાનો છે. ભારત છેલ્લા કેટલાક વર્ષોથી ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમને ઝડપથી આગળ ધપાવી રહ્યું છે અને તેને ઊર્જા આત્મનિર્ભરતા તરફના મહત્વના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.

ઇથેનોલ ઉત્પાદન માટે હજારો લિટર પાણી વપરાય છે?

સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવે છે કે એક લિટર ઇથેનોલ બનાવવા માટે આશરે 10,000 લિટર પાણીનો ઉપયોગ થાય છે. પરંતુ સરકારે આ દાવાને ખોટો ગણાવ્યો છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, આધુનિક ઇથેનોલ પ્લાન્ટમાં એક લિટર ઇથેનોલના ઉત્પાદન માટે સરેરાશ માત્ર 3થી 5 લિટર પ્રોસેસ્ડ પાણીનો ઉપયોગ થાય છે. ઉપરાંત અનેક પ્લાન્ટમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) ટેકનોલોજી અપનાવવામાં આવી છે, જેના કારણે પાણીનું પુનઃચક્રિયકરણ અને પુનઃઉપયોગ શક્ય બને છે.

આ પણ વાંચો: 8th Pay Commission : વેતનમાં આવશે વસંત?, 8મા વેતન પંચથી બેઝિક સેલરી ₹69 હજાર થવાની ચર્ચા

E20 કોઈ નવો પ્રયોગ નથી

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે E20 ઇંધણનો ઉપયોગ વિશ્વના ઘણા દેશોમાં વર્ષોથી સફળતાપૂર્વક થઈ રહ્યો છે. અમેરિકા, બ્રાઝિલ, કેનેડા, જાપાન, થાઈલેન્ડ અને યુરોપના અનેક દેશોમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ સામાન્ય રીતે વપરાય છે. આ દેશોના અનુભવને ધ્યાનમાં રાખીને જ ભારતમાં પણ E20 કાર્યક્રમને તબક્કાવાર રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.

શું E20 પેટ્રોલથી એન્જિનને નુકસાન થાય છે?

E20 અંગે સૌથી મોટી ચિંતા વાહનના એન્જિનને નુકસાન થવાની વ્યક્ત કરવામાં આવે છે. જોકે સરકારના જણાવ્યા અનુસાર આ દાવાને સમર્થન આપતા કોઈ વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી. ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ARAI) સહિતની સંસ્થાઓ દ્વારા કરાયેલા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે E20 પેટ્રોલના ઉપયોગથી વાહનના એન્જિન અથવા તેના પ્રદર્શન પર કોઈ નોંધપાત્ર નકારાત્મક અસર થતી નથી. કેટલાક જૂના મોડેલના વાહનોમાં રબર અથવા પ્લાસ્ટિકના કેટલાક ઘટકોને સમય પહેલાં બદલવાની જરૂર પડી શકે છે, પરંતુ મોટાભાગના આધુનિક વાહનો E20 ઇંધણ સાથે સુસંગત છે.

માઈલેજ પર કેટલી અસર પડે છે?

ઘણા વાહનચાલકોમાં એવી ધારણા છે કે E20 પેટ્રોલના ઉપયોગથી વાહનની માઈલેજમાં મોટો ઘટાડો થશે. પરંતુ સરકારે જણાવ્યું છે કે, E20ના ઉપયોગથી માઈલેજમાં માત્ર ખૂબ જ નાનો ફેરફાર જોવા મળે છે. સામાન્ય ડ્રાઇવિંગ દરમિયાન મોટાભાગના વાહનચાલકોને તેના ઉપયોગમાં કોઈ ખાસ તફાવત અનુભવાતો નથી અને વાહનના પ્રદર્શન પર પણ તેની અસર મર્યાદિત રહે છે.

શું વીમા અને વોરંટી પર અસર થશે?

સરકારે સ્પષ્ટતા કરી છે કે, ઉત્પાદક કંપનીઓ દ્વારા E20 માટે મંજૂર કરાયેલા અથવા ખાસ ડિઝાઇન કરાયેલા વાહનોની વોરંટી અને ઇન્સ્યોરન્સ કવરેજ પર કોઈ અસર પડતી નથી. અર્થાત, જો વાહન E20 સુસંગત છે તો માલિકોને વીમા અથવા વોરંટી અંગે ચિંતા કરવાની જરૂર નથી.

આ પણ વાંચો: ક્રિપ્ટોમાં રોકાણ કરતા પહેલાં આ ખાસ વાંચો! : RBIએ આપી મોટી ચેતવણી, કહ્યું- મૂડી ડૂબે તો સરકાર નહીં બને જવાબદાર

ઇથેનોલ કીડીઓ અને મધમાખીઓને આકર્ષે છે?

સોશિયલ મીડિયા પર કેટલાક દાવાઓમાં એવું પણ કહેવામાં આવે છે કે ઇથેનોલના કારણે કીડીઓ અને મધમાખીઓ વાહન તરફ આકર્ષાઈ શકે છે. સરકારે આ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, ફ્યુઅલ ગ્રેડ ઇથેનોલમાં ખાંડ અથવા એવી કોઈ સામગ્રી હોતી નથી જે જીવજંતુઓને આકર્ષિત કરે.

કોર્ટમાં ચાલી રહેલા કેસ અંગે સરકારની સ્પષ્ટતા

સરકારે જણાવ્યું છે કે, E20 કાર્યક્રમ સંબંધિત કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી તેના કાનૂની પાસાઓ અંગે છે અને તેનો ઇથેનોલ ખરીદી કરારો સાથે કોઈ સીધો સંબંધ નથી. આથી સોશિયલ મીડિયા પર કરવામાં આવતા ઘણા દાવાઓ ભ્રામક અને ગેરમાર્ગે દોરનારા હોવાનું સરકારે જણાવ્યું છે.

દેશને શું મળ્યો લાભ?

કેન્દ્ર સરકારના આંકડા અનુસાર ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમથી ભારતને નોંધપાત્ર આર્થિક અને પર્યાવરણીય લાભ મળ્યા છે. સરકારના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં આશરે રૂ1.9 લાખ કરોડથી વધુની વિદેશી ચલણની બચત થઈ છે. ઉપરાંત ખેડૂતોને રૂ1.6 લાખ કરોડથી વધુની વધારાની આવક મળી છે. તે ઉપરાંત અંદાજે 31 મિલિયન મેટ્રિક ટન ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો નોંધાયો છે અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા દ્વારા પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદ મળી રહી છે.

અફવાઓ નહીં, સત્તાવાર માહિતી પર રાખો વિશ્વાસ

સરકારનું કહેવું છે કે અત્યાર સુધી થયેલા વૈજ્ઞાનિક અભ્યાસો, ટેકનિકલ પરીક્ષણો અને વૈશ્વિક અનુભવના આધારે E20 પેટ્રોલ સુરક્ષિત અને વ્યવહારુ વિકલ્પ તરીકે સામે આવ્યું છે. તેથી વાહનચાલકોએ સોશિયલ મીડિયા પર ફરતી અપ્રમાણિત માહિતીથી દૂર રહેવું જોઈએ અને માત્ર સરકાર તથા ઉત્પાદક કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ. લાંબા ગાળે E20 ઇંધણ દેશની ઊર્જા સુરક્ષા મજબૂત બનાવવામાં, ખેડૂતોની આવક વધારવામાં અને પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થા ઊભી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now