આગ્રા: દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચેના સંબંધોને લઈને ચોંકાવનારી હત્યાઓના બનાવો સતત સામે આવી રહ્યા છે. આવા જ વધુ એક કેસે ઉત્તર પ્રદેશના આગ્રામાં ભારે ચર્ચા જગાવી છે. અહીં બે દીકરીઓની માતા રૂબી શર્મા પર પોતાના પતિ સુરેન્દ્ર શર્માની પૂર્વયોજિત ષડયંત્ર હેઠળ હત્યા કરવાનો આરોપ છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આરોપી પત્નીએ પતિને પહેલાં ખીરમાં ઊંઘની ગોળીઓ ભેળવીને ખવડાવી, ત્યારબાદ તેની હત્યા કરી અને મૃતદેહને ઘરના બાથરૂમમાં દાટી ઉપર ટાઇલ્સ લગાવી દીધી હતી. આશ્ચર્યજનક રીતે લગભગ 45 દિવસ સુધી તેણે પતિ 'લાપતા' હોવાનો ઢોંગ પણ કર્યો. જોકે પોલીસની સઘન તપાસ દરમિયાન આખું રહસ્ય બહાર આવ્યું.
પોલીસના જણાવ્યા અનુસાર, 40 વર્ષીય સુરેન્દ્ર શર્મા પરિવાર સાથે આગ્રામાં રહેતા હતા. પરિવારમાં પત્ની રૂબી શર્મા અને બે દીકરીઓનો સમાવેશ થાય છે. 18 મેથી સુરેન્દ્ર અચાનક ગુમ હોવાનું જણાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં પરિવારજનો અને સ્થાનિક લોકો પણ તેને સામાન્ય ગુમ થવાનો બનાવ માની રહ્યા હતા. બાદમાં રૂબીએ 26 મેના રોજ પતિ ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી, જેથી પોલીસ દ્વારા સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી.
'લાપતા'ના નાટક પાછળ છુપાયેલું હત્યાનું રહસ્ય
તપાસ દરમિયાન પોલીસ સતત સુરેન્દ્રની શોધખોળમાં લાગી હતી. લગભગ દોઢ મહિના સુધી કોઈ ચોક્કસ કડી હાથ લાગી નહોતી. દરમિયાન પોલીસની એક ટીમ ફરીથી રૂબી શર્માના ઘરે પહોંચી અને વિગતવાર પૂછપરછ શરૂ કરી. પૂછપરછ દરમિયાન રૂબીના વર્તનમાં અચાનક આવેલા બદલાવ અને તેના જવાબોમાં રહેલી અસંગતતાએ પોલીસનું ધ્યાન ખેંચ્યું. પોલીસે વધુ કડક પૂછપરછ કરતાં રૂબી ભાંગી પડી અને આખા હત્યાકાંડની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. તેની કબૂલાત બાદ પોલીસે ઘરના બાથરૂમમાં ખોદકામ કરાવ્યું, જ્યાંથી સુરેન્દ્ર શર્માનો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહને જમીનમાં દાટીને ઉપર નવી ટાઇલ્સ અને પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું, જેથી કોઈને શંકા ન જાય.
હત્યા પહેલાં રચાયું હતું પૂર્વયોજિત કાવતરું
પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ રૂબી શર્માએ હત્યા પહેલાં સંપૂર્ણ આયોજન કર્યું હતું. તેણે પોતાની બંને દીકરીઓને પોતાના જેઠના ઘરે મોકલી દીધી હતી જેથી ઘટનાના સમયે તેઓ ઘરમાં હાજર ન રહે. ત્યારબાદ તેણે પતિ માટે ખાસ ખીર બનાવી હતી. આરોપ છે કે આ ખીરમાં ઊંઘની ગોળીઓ ભેળવવામાં આવી હતી. ખીર ખાધા બાદ સુરેન્દ્ર બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ રૂબીએ તેમની હત્યા કરી હોવાનું પોલીસનું કહેવું છે. બીજા દિવસે સવારે મૃતદેહને ઘરના બાથરૂમમાં ખાડો ખોદીને દાટી દેવામાં આવ્યો હતો. પુરાવા નષ્ટ કરવા માટે ઉપર ટાઇલ્સ બિછાવી દેવામાં આવી હતી, જેથી કોઈને શંકા ન જાય. આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદ રૂબી સામાન્ય જીવન જીવતી રહી હતી. તેણે પડોશીઓ, પરિવારજનો અને ઓળખીતાઓને સતત એવું જ જણાવ્યું કે તેનો પતિ અચાનક ક્યાંક ચાલ્યો ગયો છે અને તે પણ તેની શોધમાં છે. આ દરમિયાન તેણે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવીને તપાસને પણ અન્ય દિશામાં વાળવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસને કેવી રીતે આવી શંકા?
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન અનેક ટેક્નિકલ અને માનવીય પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી હતી. પૂછપરછ દરમિયાન રૂબીના નિવેદનોમાં વારંવાર ફેરફાર જોવા મળ્યો હતો. ઉપરાંત તેના વર્તનમાં પણ અસ્વાભાવિક ગભરાટ જોવા મળતા પોલીસને વધુ શંકા ગઈ. ઘરની તપાસ દરમિયાન બાથરૂમની ટાઇલ્સ તાજેતરમાં બદલાઈ હોવાની શંકા જતાં પોલીસે ત્યાં ખોદકામ કરવાનો નિર્ણય લીધો. ખોદકામ દરમિયાન મૃતદેહ મળી આવતા સમગ્ર કેસનો ભેદ ઉકેલાઈ ગયો. ત્યારબાદ રૂબીએ પણ ગુનો કબૂલી લીધો હોવાનું પોલીસનું કહેવું છે.
આ પણ વાંચો: કાશીની ધરતી નીચે છુપાયેલું છે મહાસંકટ! : ભૂકંપનો એક આંચકો અને વારાણસીની જમીન બની શકે છે દલદલ
હવે પોલીસ અનેક મુદ્દાઓની તપાસમાં વ્યસ્ત
પોલીસે આરોપી રૂબી શર્મા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. હાલ તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે હત્યા કરવામાં રૂબીને અન્ય કોઈ વ્યક્તિની મદદ મળી હતી કે નહીં. મૃતદેહને દાટવો, ટાઇલ્સ લગાવવી અને પુરાવા છુપાવવા જેવા કામ એકલા હાથે થયા કે તેમાં અન્ય કોઈ સામેલ હતું તે અંગે પણ તપાસ ચાલી રહી છે. સાથે જ હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું, દાંપત્ય જીવનમાં કોઈ વિવાદ હતો કે અન્ય કોઈ કારણ જવાબદાર હતું, તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે. પોલીસ પરિવારજનો, પડોશીઓ તેમજ અન્ય સંબંધિત લોકોના નિવેદનો પણ નોંધાવી રહી છે.
દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં દાંપત્ય સંબંધોમાંથી ઉપજતા હત્યાના અનેક કેસો સામે આવ્યા છે. આવા બનાવોએ સમાજમાં ચિંતા વધારી છે. જોકે આગ્રાનો આ કેસ પણ હવે પોલીસ તપાસ અને ફોરેન્સિક રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટ બનશે. હાલ ઉપલબ્ધ માહિતીના આધારે પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાક્રમ અંગે અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.





