Telegram Piracy Notice: ભારતમાં વધતી ડિજિટલ પાઇરસી(કોપીરાઈટ (Copyright) ધરાવતી ડિજિટલ સામગ્રી) અને ફિલ્મો તેમજ વેબ સિરીઝના ગેરકાયદેસર પ્રસારણ સામે કેન્દ્ર સરકારે હવે વધુ કડક વલણ અપનાવ્યું છે. લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ પર મોટા પ્રમાણમાં ફિલ્મો, વેબ સિરીઝ અને અન્ય ઓડિયો-વિઝ્યુઅલ સામગ્રી ગેરકાયદેસર રીતે શેર થતી હોવાના મુદ્દે માહિતી અને પ્રસારણ મંત્રાલયે (I&B Ministry) ટેલિગ્રામને સખત નોટિસ પાઠવી છે. સરકારે ટેલિગ્રામને 15 દિવસની અંદર પાઇરેટેડ કન્ટેન્ટને ઓળખવા, બ્લોક કરવા અને તેને કાયમી રીતે દૂર કરવા માટે મજબૂત સિસ્ટમ વિકસાવવાનો આદેશ આપ્યો છે. સાથે જ માત્ર ચેનલોને બ્લોક કરવાથી કામ નહીં ચાલે, પરંતુ વારંવાર કૉપિરાઇટનું ઉલ્લંઘન કરનારા એકાઉન્ટ્સ, બોટ્સ અને એડમિનિસ્ટ્રેટર્સ સામે પણ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
પાઇરસી સામે સરકારનું મોટું પગલું
કેન્દ્ર સરકારનું માનવું છે કે ડિજિટલ પાઇરસીના કારણે ભારતીય ફિલ્મ ઉદ્યોગ, OTT પ્લેટફોર્મ્સ, બ્રોડકાસ્ટર્સ અને કન્ટેન્ટ સર્જકોને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર હવે પ્લેટફોર્મ્સને વધુ જવાબદાર બનાવવા તરફ આગળ વધી રહી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું છે કે ટેલિગ્રામે માત્ર સરકારી આદેશની રાહ જોવાને બદલે પોતાની જવાબદારી સમજીને સક્રિય પગલાં લેવા પડશે. ભારતના માહિતી પ્રૌદ્યોગિકી કાયદા (IT Act, 2000) અને IT Rules, 2021 મુજબ ટેલિગ્રામ એક ‘ઇન્ટરમિડિયરી’ તરીકે કાર્ય કરે છે અને તેથી તેને પોતાના પ્લેટફોર્મ પર ગેરકાયદેસર સામગ્રીને રોકવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી ફરજિયાત છે.
3,000થી વધુ પાઇરેટેડ ચેનલો પર પહેલેથી જ પ્રતિબંધ
સરકારે અગાઉ પણ ટેલિગ્રામ પર ચાલતી 3,000થી વધુ પાઇરેટેડ ચેનલો સામે કાર્યવાહી કરીને તેને બ્લોક કરાવી હતી. જોકે મંત્રાલયનું કહેવું છે કે માત્ર ચેનલો બંધ કરવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. ઘણા કિસ્સાઓમાં નવી ચેનલો ફરીથી શરૂ થઈ જાય છે અને પાઇરેટેડ સામગ્રીનું વિતરણ ચાલુ રહે છે. તેથી હવે ટેલિગ્રામને સિસ્ટમ સ્તરે સુધારા કરવા અને પુનરાવર્તિત ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
રિપીટર્સ, બોટ્સ અને એડમિનિસ્ટ્રેટર્સ પણ રહેશે નિશાન પર
સરકારે સ્પષ્ટ કર્યું છે કે, વારંવાર કૉપિરાઇટ કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે હવે વધુ સખત કાર્યવાહી કરવામાં આવશે. આમાં ગેરકાયદેસર કન્ટેન્ટ શેર કરતી ચેનલો, ગ્રુપ્સ, ઓટોમેટેડ બોટ્સ, ફેક એકાઉન્ટ્સ અને તે ચલાવતા એડમિનિસ્ટ્રેટર્સનો સમાવેશ થાય છે. ટેલિગ્રામને આવા તમામ નેટવર્ક્સને ઓળખીને તેમની સામે અસરકારક કાર્યવાહી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
ફરિયાદ નિવારણ વ્યવસ્થાની વિગતો પણ માંગવામાં આવી
મંત્રાલયે ટેલિગ્રામને પોતાની ફરિયાદ નિવારણ પ્રણાલી (Grievance Redressal System) અંગેની સંપૂર્ણ માહિતી આપવા પણ જણાવ્યું છે. ખાસ કરીને ફિલ્મ નિર્માતાઓ, OTT પ્લેટફોર્મ્સ, બ્રોડકાસ્ટર્સ અને કાયદા અમલીકરણ એજન્સીઓ માટે પાઇરેટેડ કન્ટેન્ટ સામે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા કેટલી અસરકારક છે તેની વિગતો સરકાર સમક્ષ રજૂ કરવાની રહેશે. સરકારે યાદ અપાવ્યું છે કે, ભારતમાં કૉપિરાઇટ એક્ટ, 1957 અને સિનેમેટોગ્રાફ એક્ટ, 1952 હેઠળ પાઇરસી માત્ર નાગરિક ગુનો નથી પરંતુ તે ગુનાહિત કૃત્ય પણ ગણાય છે.
આ પણ વાંચો: માત્ર પેપર લીક જ નહીં પણ બાળકોના... : ટેલિગ્રામ વિરુદ્ધ સરકારના મોટા દાવા શું છે? જાણો
15 દિવસમાં આપવો પડશે રિપોર્ટ
કેન્દ્ર સરકારે ટેલિગ્રામને 15 દિવસની અંદર 'એક્શન ટેકન રિપોર્ટ' (Action Taken Report) રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ રિપોર્ટમાં પ્લેટફોર્મે પાઇરેટેડ કન્ટેન્ટ સામે અત્યાર સુધી કયા પગલાં લીધા, કઈ નવી સિસ્ટમ વિકસાવવામાં આવી અને ભવિષ્યમાં કઈ રીતે ગેરકાયદેસર સામગ્રીના પ્રસારણને અટકાવવામાં આવશે તેની વિગત આપવાની રહેશે.
અગાઉ NEET પરીક્ષા દરમિયાન પણ ટેલિગ્રામ ચર્ચામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં NEET-UG પરીક્ષા દરમિયાન પેપર લીકના આરોપો વચ્ચે પણ ટેલિગ્રામ ચર્ચાના કેન્દ્રમાં આવ્યું હતું. તે સમયે કેન્દ્ર સરકારે તપાસ દરમિયાન એપ પર કામચલાઉ નિયંત્રણ લગાવવાના પગલાં લીધા હતા અને દિલ્હી હાઈકોર્ટે પણ સરકારના નિર્ણયને સમર્થન આપ્યું હતું. હવે પાઇરસી સામેની આ નવી કાર્યવાહી ડિજિટલ પ્લેટફોર્મ્સની જવાબદારી અને કૉપિરાઇટ સુરક્ષા અંગે સરકારના વધુ કડક અભિગમ તરીકે જોવામાં આવી રહી છે.





